મારી દ્રષ્ટિએ : કૃષ્ણ
કૃષ્ણનો શાબ્દિક અર્થ છે, જે ખેંચીને બહાર લાવે છે. આકર્ષણ દ્વારા, પોતાની આગવી શક્તિથી એના તરફ ખેંચે છે, ભવાટવીના ફેરામાંથી ખેંચીને બહાર લઈ આવે છે. એવા છે કૃષ્ણ.
કૃષ્ણ એવી વ્યક્તિ છે જેમને જન્મથી મૃત્યુ સુધીની દરેક પરિસ્થિતિ વિપરીત મળી છે, જન્મ કારાવાસમાં મળ્યો છે જેને, એ સામાન્ય માનવીના ભવભવનાં બંધન તોડી આપવા સક્ષમ છે, અને મૃત્યુ આપવા જેણે વધ કર્યો એ પારધીને પણ એમણે મોક્ષ અપાવ્યો છે. પરિસ્થિતિ કોઈ પણ હોય એમનો ચહેરો મૃદુ સ્મિત વેરતો જ હશે એવું કલ્પી શકાય છે, કારણ, દરેક પરિસ્થિતિ વખતે મન પરનો કાબૂ એમણે ગૂમાવ્યો નથી. શિશુપાળના નવ્વાણું ગુના સુધી એમણે, સો ગુના થતાં એ શીષવધ કરશે એ કળાવા દીધું નથી!
કૃષ્ણમાં એ કળા સહજ હતી કે એ પોતે સૌને એમનાં જ છે એવી અનુભૂતિ આપતા હતા.માખણના દાણમાંથી બચાવ્યો એવો કોઈ ગ્વાલ હોય કે રાજપાટના પોતાના હક્ક માટે લડતાં પાંડવો હોય! કૃષ્ણ જેમની તરફ રહેતાં એમનાં માટે વિજય, પ્રગતિ, સિદ્ધિ અને સુખ એનાં જ પલ્લે છે એવો ભાવ આપતા અને આપાતા પણ, શરણાગતને ઉદ્ધાર અપાવશે જ એ અભયદાનની જવાબદારી સ્વીકારતાં કૃષ્ણ એના વિશાળ હ્રદયની સાબિતી સ્વરુપે છે.તેથી જ કૃષ્ણને પ્રેમપૂર્વક કાનો કહી ' તું 'કારે બોલાવવામાં છોછ નથી નડતો, સાનંદ ઉદ્ગારો રૂપે 'તું' કારે બોલાવાય છે!
યશોદામાનો કાનો જે રીતે એમને રીઝવે છે, બળરામને નટખટ બની ચીડવે છે, નંદજીની વઢ ચૂપચાપ સાંભળે છે, એ જ કાનો રાધા વિના નહીં જીવી શકાય એવો એને પ્રેમ કરે છે, છતાં એના વિના જ જીવે છે, તો ઉદ્ધવને પ્રેમના પાઠ અને સખાપણું વગર બોલ્યે આપે છે. એ જ કાનો સુદામાને પ્રિય સખા હોવાનું ગૌરવ અપાવે છે!
યુદ્ધના મોરચે આગળ રહી અર્જુનને 'યુદ્ધ એ જ કલ્યાણ' એવું કહેનાર રણછોડ પણ થાય! રાધા થઈ દૂર રહીને પણ પ્રેમનો અનુભવ કરનાર કરાવનાર, રુકમિણી સામે તુલસીથી તોલાઈ જનાર, રુકમિણીને પટરાણી તરીકે શ્રેષ્ઠ હોવાનો અહેસાસ કરાવનાર નાજુક હ્રદયી કૃષ્ણ રીપુસંહારક પણ બની શકે છે! કુબ્જાને સૌંદર્ય પ્રદાન કરે તો પૂતનાનો વધ પણ કરે છે, કૃષ્ણમાં આવડત છે સંજોગો અને વ્યક્તિને યોગ્ય ન્યાય આપવાની.
વ્યક્તિત્વ એટલે એક પ્રકારની જડતા કે બંધારણ નહીં, પરંતુ દરેક સંજોગો મુજબ પોતાને નીખારવાની આવડત! સંજોગ એ સ્વાતિ નક્ષત્ર બની જાય જો તમે છીપ બની મોતી નીપજાવવા આતુર હો!
ખરેખર, અકળ છે એમની બધી લીલા!
અને અગત્યનું તો એ છે દરેક મુકામે એમને વિપરીત સંજોગો મળ્યા પણ એમાં સચેત રહી અનોખી રીતે એ સંજોગોને એમણે જીતી લીધાં અને એક પૂર્ણ પુરુષોત્તમનું એમની જાતમાંથી જ નિર્માણ કર્યું. એટલે મારા માટે કૃષ્ણ એટલે જીવન જીવવાની કળા!
©અર્ચિતા દીપક પંડ્યા