‘બેટા,અજીત! હવે મને મારા એ ઘેર મુકી આવ.’ ૫૮ વર્ષ ની વૃદ્ધ માતા એ દયામણા અવાજે કહ્યું. માતાના મોંએ આ વાક્ય સાંભળીને અજીતને કમકમા આવી ગયા. પોતાના લગ્ન પછી જે માતાને પોતાની આંખો સામે ખુશીઓથી મ્હોરતી જોવાની જેની ઈચ્છા હતી. એ અજીત પોતાના લગ્નના દસ જ દિવસ બાદ માતાનું આવું વાક્ય સાંભળીને હચમચી ન ઉઠે તો શું કરે? પોતાને મળેલી નોકરી, છોકરી અને મા ની કાળજી રાખવાની તકની સોનેરી ખુશીઓંને ઘડીક વારમાં જ એ વિસરી ગયો. અતીતના પીડાદાયક અંધારામાં એ સરી પડ્યો. કેવા સંજોગોએ પોતાની સગી જનનીને થોડા સમય માટે વૃદ્ધાશ્રમમાં રાખવી પડી હતી. એ સઘળા પ્રસંગો એના માનસપટ પર ઉપસી આવવા લાગ્યા.


અજીત પોતાના માવતરનો ચોથા નંબરનો સૌથી નાનો પુત્ર હતો. પરંતુ કુદરતની કારમી થપાટે એને મોટો પુત્ર બનાવી મૂક્યો હતો. એમાય ત્રણ પુત્રોના અકાળ અવશાનથી ઝૂરતા પિતાના અવશાન બાદ તો બાર વર્ષની ઉંમરે એ ઘરનો મોભાદાર બની ગયો હતો. દીકરાને કૈક બનાવવાની તાલાવેલીએ માતાએ પોતાના ઘરેણા વેચવા માંડ્યા. અજીત આઠમાં ધોરણમાં આવવા લાગી તો ગુજરાન અને ભણતરમાં ઘરેણા ખોવાઈ ચુક્યા હતા . હવે એકેય સાંધવાની તૈયારી ન હતી. તેવે સમયે તેર-તેર તુટવા માંડ્યા. આવા સંજોગોમાં ભણવામાં અવ્વલ અજીતે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો. છાત્રાલયના ભોજનમાંથી તે માંડ પા ભાગનું જમીને પોણા ભાગનું ભોજન પોતાની માતાને પહોચાડવા લાગ્યો. કિન્તુ આમ કરતા સંચાલકના હાથે એ પકડાઈ ગયો. દશમાંના મહત્વના ધોરણમાં એને છાત્રાલયમાંથી કાઢી મુકવામાં આવ્યો . અજીત પાછો નિરાધાર થવા લાગ્યો. કિન્તુ ફરી એને નવી છાત્રાલયના દ્વાર ખખડાવ્યા . પ્રવેશ મેળવ્યો પણ આ વખતે એને પ્રથમથી સંચાલકને પોતાની વિતક કથા અને મજબૂરી કહી સંભળાવી. આવી સ્થિતિમાં સંચાલકે એને એક માર્ગ બતાવ્યો. પોતે પગભર થાય ત્યાં લગી માતાને વૃદ્ધાશ્રમમાં રાખવી. સાવ પોચા કાળજા પર મોટું પથ્થર મુકીને અજીતે સંચાલકે બતાવેલું કાર્ય કર્યું . સમયના ટૂંકા વર્ષના ગાળામાં અજીતે પોતાનું ભાગ્ય કંડાર્યું. એને સરકારી કંપનીમાં સારી નોકરી મળી ગઈ. નોકરી મળ્યાના બીજા દિવસે વૃદ્ધાશ્રમમાંથી પોતાને માં ને તેડી લાવી. બે ચાર મહિનામાં તો અજીતના લગ્ન પણ થઇ ગયા. લગ્નને માંડ દસ દિવસ થયા હતા ને માતાએ આ ઘરને વિદાય કરવાની વાત કરી. ‘દીકરા મને ત્યાં ફરી મુકી આવ.કારણકે તારી વહુને મારી હાજરી ખટકશે.’ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધ વડીલોના મોઢે એક જ રામકહાની સાંભળીને એ અનુભવ પરથી માતાએ આ વાત કરી.


માતાના આસું લૂછતાં અજીત બોલ્યો; ‘મા, આ ઘરમાં તારાથી કિંમતી કોઈ વસ્તુ નથી. માં, આ ઘરમાં હવે તારે રાજ કરવાનું છે રાજ. એ તો વિધિની ક્રુરતાએ આપણને મા-દીકરાને અલગા કરવા મને મજબુર કયોં હતો. કિન્તુ હવેથી હું વિધિની ફૂર વક્તાને તાબે નહી થાઉં.’ ‘દીકરા!’ અજીતના માથે હાથ ફેરવતા મા બોલી; ‘રાજ કરવાના દહાડે તો ઘરના ખૂણામાં ભરાઈ રહેવું પડ્યું. હવે ઘરડે ઘડપણે રાજ કેવા ? હવે તો ટંક રોટલો મળે તોયે ઘણું છે.’


માતાની વાતોએ અજીતની આંખોમાં પાણી ઉભરાવી દીધું. ગળગળા સાદે અજીત બોલ્યો; માં, તારા આ ઘરમાં તને કોઈ વસ્તુની કમી પડવા નહી દઉં. તું તારે આનંદ અને ખુશિઓને હિડોળે ઝૂલતી રહે.’ પછીપોતાની નવી વહુને સંભળાય એ રીતે ઉતાવળે બોલ્યો; અરે જે દિવસે તારી પુત્રવધુ એમ કહે કે માં તો ઘરમા ભાર છે,તો એ જ દિવસે એ જ ઘડીએ આ ઘરમાંથી તેને તગેડી મુકતા વાર નહી કરું.’


‘દીકરા ! હું તારી દિવાળી-સી જીદગીમાં હોળી સળગાવવા માગતી નથી. મને તો કાળ કાઢે એ પહેલા ...’ આટલું માંડ બોલી ને બિચારી વૃદ્ધ માતા રડી પડી.


આ સાંભળીને અજીતની પત્ની દોડતી આવી. એને કાને અજીતના પેલા શબ્દો તો પડ્યા હતા. છતાંય એણે હકીકત જાણી. બિચારી એનેય ખૂબ આઘાત લાગ્યો. પછી વૃદ્ધ સાસુના ચરણોની પાસે બેસીને બોલી; ‘મમ્મી ! હું આ ઘરમાં આનંદના અજવાળા પાથરવા માટે આવી છું. હું ખુદ ખુશ થવા કે રાજ કરવા નહી, કિન્તુ તમને બંને મા-દીકરા ને ખુશ કરવા આવી છું. પતિ તરફ જોતા બોલી, મને ખબર છે સાસરું એ નિ:સ્વાર્થ સેવાનું મંદિર છે. એ મંદિર તણી મૂરતની સેવા કરીને આનંદ લુંટવાનો છે સેવા લઈ ને નહી . સેવા તો મેં મારા પિયરમાં ખૂબ લીધી. આનંદ પણ માણ્યો. હવે તો તમારી સેવા કરવી એ જ મારો જીવનમંત્ર છે.’


પુત્રવધુની સંસ્કારીતાભરી સમજદારી જોઇને મા-દીકરો તેના પર વારી ગયા. વુદ્ર માની આંખોમાં પુત્રવધુની આવી વાતો સાંભળીને હર્ષના આંસુ છલકાઈ આવ્યાં. આંસુઓંને લુછતા પુત્રવધુ ફરી બોલી;


‘મમ્મી! તમને મારા સાસુજી નહિ કિન્તુ સગી જનેતા માનું છુ. પછી પતિ તરફ જોઈ ને બોલી; ‘અને તમને ભગવાનથી પણ વધારે એવા પતિદેવ માનું છું.’


પુત્રવધુના આવા વાક્યો સાંભળીને સાસુ-વહુ ,મા –દીકરા અને પતિ –પત્ની બધા એકમેક ને સસ્ર્નેહથી ભેટી પડ્યા.

-અશ્ક રેશમિયા

Gujarati Whatsapp-Status by Ashq Reshmmiya : 111024420
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now