“ખેડૂત થવું એટલું સહેલું નથી”
ખેડૂત થવું એટલું સહેલું નથી,
નેજવાને છાંયડે રહેવું સહેલું નથી.
પાણી વાળવા હથેળીઓનો પાવડો કરવો પડે છે,
શેઢે બેસી રોટલાનું બટકું ખાવું સહેલું નથી.
મજૂરની જેમ દાતરડું પકડી હાથમાં છાલા પાડવા પંડે છે,
મેહની વાટ જોવા ચાતક બનવું સહેલું નથી.
ઠંડીના હેમમાં ઠુંઠવાઇ ને તડકે લૂ માં દાઝવું પડે છે,
ઊંઘને ગીરવે મૂકી અડીખમ ઊભા રહેવું સહેલું નથી.
માવઠા કે વૃષ્ટિ ટાણે જીવ પડીકે બાંધવો પડે છે,
તારાજ મોલ જોઇ ઢળી પડતાં પોપચાં સ્થિર રાખવા સહેલુ નથી.
મેં નાંખેલું ઉગશે જ આવો ભરોસો જ પાળવો પડે છે,
પાક્યા પહેલાં વાયદા કરી આટલા શ્રધ્ધાવાન બનવું સહેલું નથી.
સૌજન્ય:- વિજય વડનાથાણી:- ૨૮-૦૨-૨૫
- Umakant