Survival - 15 in Gujarati Thriller by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 15

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 15

આસ્થાએ મનમાં ઉઠેલ પ્રશ્નનો જવાબ જાણવા ડૉ. સુમનને પૂછ્યું, "મારે એ જાણવું છે કે હું ફરી સ્ટડી કરી શકું?"

આસ્થાના આ પ્રશ્નથી અનુરાધા એકદમ ચિંતામાં આવી ગયા. આસ્થા એનાથી દૂર થઈ જશે એ ડર એના મન પર હાવી થયો. એનું સમગ્ર ધ્યાન ડૉ. સુમન એમને શું કહે છે એ વાત પર કેન્દ્રિત થયું.

ડૉ. સુમને ખૂબ જ સહજતાથી કહ્યું, "હા બેટા! તું અવશ્ય તારું સ્ટડી શરૂ કરી શકીશ. એ પહેલા તારો એક IQ ટેસ્ટ લેવામાં આવશે એ બાદ તને જેટલું યાદ હશે અથવા આવડશે એ મુજબ તારે સ્ટડી કરી શકાશે! પણ બેટા આ બધું જ હમણાં તારે કરવાનું નથી. અમુક સમય સમય પછી હું જ સામેથી કહીશ. તું કોઈ જ ચિંતા વગર મસ્ત રહે!"

"મેં શું ભણ્યું છે એ પણ મને યાદ નથી. હું..."

"તે કંઇ પણ ભણ્યું હોય એ બધું જ જૂનું થયું, તારા આ નવા જન્મમાં તને જે પસંદ પડે એ જ થશે!" આસ્થાની વાત વચ્ચેથી જ અટકાવતા ડૉ. સુમન બોલ્યા.

"મારે ડોક્ટર બનવું છે. મારે મારા પપ્પાને ઠીક કરવા છે." એકદમ ગમગીન અવાજ અને આંખમાં રોકી રાખેલ આંસુ સાથે આસ્થા એ પોતાની ઈચ્છા કહી.

અનુરાધા અને ડૉ. સુમનને આસ્થાની વાત એકદમ સ્પર્શી ગઈ. અનુરાધા એ શબ્દોમાં જ ગૂંચવાઈ ગઈ. ડૉ. સુમન બોલ્યા, "બેટા! હું તારી વાતથી ખરેખર ખૂબ ખુશ છું. તારા પપ્પા ખૂબ ઝડપથી ઠીક થશે એની મને પણ ખાતરી છે. તારી દરેક ઈચ્છા અને દરેક નિર્ણય પર અમે તારી સાથે જ હશું!"

અનુરાધા પોતાનું સ્વપ્ન સાચું થશે જ એ અનુભવી રહી! એણે પોતાના હાથને આસ્થાના હાથ પર રાખી પોતાની સહમતિ આપી.

નર્સ એજ સમયે અંદર કેબિનમાં એક દર્દીનો રિપોર્ટ દેખાડવા આવી. એ રિપોર્ટ જોઈને ડૉ. સુમને જરૂરી સૂચન નર્સને આપી કહ્યું, "આસ્થાને હોસ્પિટલની વિઝિટ કરાવો."

આસ્થા તરત જ નર્સ સાથે હોસ્પિટલની વિઝિટ માટે ગઈ. ડૉ. સુમન હવે અનુરાધાને સમજવાના હેતુથી બોલ્યા, "અનુરાધા! તમે આટલા પરિપક્વ થઈ કેમ આસ્થાને ત્યાં ગિરિધર પાસે લઈ ગયા? તમારુ આવું વર્તન આસ્થાને ડિપ્રેશનમાં મૂકી શકે છે. શું તમને એની માનસિક સ્થિતિની કલ્પના નથી? જેટલું ઝડપથી એ બધું સ્વીકારે છે એટલું જ ઝડપથી એના મનમાં કોઈ વાત ખૂંપી ગઈ તો એ કાઢવી ખૂબ મુશ્કેલ બનશે. તમારે એકવાર તો મારી સાથે વાત શેર કરવી હતી."

"તમારી વાત એકદમ સાચી છે. મારે ત્યાં જતા પહેલા તમારી સાથે ચર્ચા કરવાની જરૂર હતી. હવે ક્યારેય કઈ એવું હશે તો હું અવશ્ય તમને જણાવીશ."

"અને હા.. એ ક્યારેય કોઈ પણ પ્રશ્ન પૂછે. એનો એકદમ સમજીને જવાબ આપજો, અથવા તો એને બધું તમે જ શાંતિથી જણાવી દો. જેથી એના મનમાં કોઈ ઊણો ભાવ ન જાગે! તમારે ક્યારે એને જણાવવું એ તમે તમારી રીતે નક્કી કરજો. અને એ જાણ્યા બાદ એનું શું રીએકશન છે એ મને ખાસ કહેશો."

"આસ્થા કલ્પના પરિવાર સાથે રવિવારે કોફીશોપ જવા ઇચ્છતી હતી, જો શક્ય હોય તો તમે પણ આવશો. એ જ દિવસે નાની ટ્રીપ કરીએ અને એને જરૂરી હોય એવું જણાવીએ. આથી તમે ખુદ જ એના રીએકશન જાણી શકો."

"હા, એમ કરીએ તો આસ્થા માટે પણ હિતાવહ રહેશે. મારે કોઈ ઇમરજન્સી નહી આવે તો હું અવશ્ય આવીશ. અને જો ન આવી શકું તો તમે અને કલ્પ તો હશો જ ને!"

નર્સ સાથે આસ્થા બાળકોના ICU રૂમમાં પહોંચી એકદમ તાજું જન્મેલું બાળકથી લઈ ને એક વર્ષ સુધીના બાળકો હતા. નર્સે દરેક બાળકની પરિસ્થિતિ ટૂંકમાં આસ્થાને જણાવી હતી. આસ્થા દરેક બાળકનું બારીકાઇથી નિરીક્ષણ કરી રહી હતી. એ જોયા બાદ એને થયું, આ માસૂમ બાળકો એની કોઈ તકલીફ પણ કહી ન શકે, એમને જેમ રાખવામાં આવે એમ એ રહે! ખરેખર ડૉક્ટર બીમાર લોકોને ખૂબ મદદ કરે છે. એનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન હવે આ રૂમ જોઈને દ્રઢ થવા લાગ્યું. ત્યારબાદ એણે અન્ય બધા રૂમની પણ મુલાકાત લીધી. આ મુલાકાત વખતે પોતે જે ICU રૂમમાં હતી એ રૂમ પાસે પહોંચી. ત્યાં પહોંચ્યા બાદ એને કંઈક અલગ જ અહેસાસ થવા લાગ્યો, એ ડર હતો કે કોઈ અણગમો એ સમજવા પોતે અસમર્થ હતી. એ ત્યાંથી ઝડપથી નીકળી ડૉ. સુમન પાસે આવી હતી. એ જ્યારે આવી ત્યારે એના ચહેરા પર કંઈક જુદા જ ભાવ નજર આવી રહ્યા હતા.

ડૉ સુમન બોલ્યા, "આસ્થા કેવી લાગી હોસ્પિટલ?"

"હોસ્પિટલ તો સારી છે, પણ આજે જે મારો રૂમ હતો ત્યાં હું પહોંચી તો મને કંઈક અલગ જ અહેસાસ થવા લાગ્યો.  મને શું થઈ રહ્યું હતું એ હું ખુદ સમજી શકી નહી. બસ ત્યાંથી હું ઝડપથી નીકળી જ ગઈ.

"હા, થાય આપણને જે સ્થળે જઈએ ત્યાં જવાથી જે બધું આપણી સાથે થયું હોય એ તાજુ થાય! તને બધું યાદ પણ આવી રીતે જ આવવા લાગશે. ભૂતકાળની અમુક વાતોનું પુનરાવર્તન થશે ત્યારે તારી યાદશક્તિ પાછી આવે એવુ મારું અનુમાન છે. તું જે પણ સ્થિતિમાં હોય એ સ્થિતિથી બિલકુલ ડરતી નહી. જો બેટા! ભૂતકાળની અધૂરી યાદો અને હાલની તારી સ્થિતિ બધું તને પજવશે, ત્યારે તારે બસ એક જ વાતને યાદ રાખવી કે હું અત્યારે ખુશ છું અને સુરક્ષિત છું. કોઈ જ ચિંતા કરવી નહી."

આસ્થાએ એમને હસતા ચહેરે હા પાડી, પણ મનમાં એને કંઈક બેચેની થઈ રહી હતી. કદાચ પોતાના થી જ અજાણ હોવું એ દર્દ એને પજવી રહ્યું હતું.

અનુરાધા અને આસ્થા હવે ઘરે જવા નીકળ્યા હતા. ઘરે આવીને આસ્થા ટીવી જોવા બેઠી અને અનુરાધા રસોઈ બનાવવા રસોડામાં ગયા. આસ્થા એક પછી એક એમ ચેનલ ફેરવી રહી હતી. એમાં પરિવારની ધારાવાહિક આવતી ચેનલ પર એ અટકી. એ ધારાવાહિકમાં એને રસ પડ્યો, એ એક ધ્યાને એને માણી રહી હતી. ધારાવાહિકમાં અચાનક એક નામ સાંભળતા એને કંઈક એ નામ જાણીતું લાગ્યું, એ નામ હતું "અનિમેષ". આસ્થાનું ધ્યાન હવે ધારાવાહિક માંથી હટીને એ નામમાં ગૂંચવાઈ ગયુ. એને એવું લાગી રહ્યું કે, આ નામ એ ખૂબ બોલી છે. ઘરમાં તો કોઈ એ નામનું છે જ નહી તો એ કોનું નામ છે? એ વ્યક્તિ સાથે એને શું સંબંધ હશે? એના મગજ પર આ વાત ખૂબ હાવી થવા લાગી. એ ખૂબ જ યાદ કરવાની કોશિશ કરે છે, પણ કંઈ જ યાદ આવતું નથી. આથી એ એકદમ વ્યાકુળ થઈ જાય છે. એના મનમાં ખૂબ ગડમથલ ઉપજી રહી હતી. વિચારોમાં એ ખૂંપી ગઈ એ ચક્કર ખાઈને સોફા પર જ બેસુધ્ધ થઈ ગઈ. એજ સમયે અનુરાધા જમવાનું બની ગયું હોવાથી આસ્થાને બોલાવવા આવ્યા. આસ્થાને આમ સોફા પર બેસુધ્ધ જોઈ એ ખૂબ ગભરાઈ ગયા. એમણે તરત પાણી આસ્થાના ચહેરા પર છાંટ્યું, એ પાણી ના સ્પર્શથી સહેજ એ સળવળી, એ સળવળાટમાં "અનિમેષ" શબ્દનું ધીરા સ્વરે રટણ કરી રહી હતી. આ સાંભળી અનુરાધા વધુ મુંઝાવા લાગ્યા. આ "અનિમેષ" કોણ હશે કે જેનું નામ આસ્થા બોલે છે.

આસ્થા થોડીવારમાં જ ભાનમાં આવી પણ હજુ થોડી ચિંતિત હતી. એણે સ્વસ્થ થઈ સોફાપર વ્યવસ્થિત બેસતાં મમ્મીને પૂછ્યું, મમ્મી આપણા સંબંધીઓમાં કોઈ વ્યક્તિ "અનિમેષ" નામનું છે?

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻