ડોક્ટર સુમને એ બાળકીની પરિસ્થિતિ અનુરાધાને જણાવી. એ બાળકી ક્યારેય માતા બનવાનું સૌભાગ્ય માણી શકશે નહીં એ જાણીને એ ખૂબ દુઃખી થઈ ગયા. ડોક્ટર સુમનના એક એક શબ્દ વારંવાર એના મનમાં ગુંજવા લાગ્યા. તેઓ એ અજાણી બાળકી માટે અનન્ય લાગણી અનુભવવા લાગ્યા. એના મનમાં એક અદ્રશ્ય ખેંચાણ એ બાળકી માટે સહાનુભૂતિ જન્માવી રહ્યું હતું. એમની ધ્યાન વિરુદ્ધ આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી! ડોક્ટર સુમને એમને હિંમત રાખવા કહ્યું, અને તેઓ ફરી એમના કામમાં વળગી પડ્યા.
અનુરાધા બાંકડા પર બેઠા ખૂબ ઊંડા વિચારોમાં સરી ગયા. એમને ચિંતિત જોઈને કલ્પ એમની પાસે ગયો અને બોલ્યો, "તમે દુઃખી ન થાવ! એ બાળકીને અવશ્ય સારું થઈ જશે! તમારી લાગણી એને કઈ જ નહીં થવા દે!"
"હા એને અવશ્ય સારું થઈ જશે! મને ચિંતા એ થઈ રહી છે કે, એનો પરિવાર એના માટે કેટલી ચિંતા કરતો હશે! આ નાની બાળકી ક્યાં પરિવાર માંથી હશે? એને બધા શોધતા પણ હશે ને! ભગવાન કરે અને એ ઝડપથી ભાનમાં આવે!" આટલું બોલતા અનુરાધાનો અવાજ ગળગળો થઈ ગયો.
"હા, એનો પરિવાર ચિંતા કરતો જ હશે! પોલીસ ફરિયાદ કરી કે નહીં?"
"ના, મને જ્યાં સુધી એ બાળકી ભાનમાં ન આવે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નથી કરવી. એ કઈ પરિસ્થિતિમાં ઘરેથી નીકળી કે, કોઈએ જાણી જોઈને એનો ઉપયોગ કર્યો આપણે ક્યાં કશું જ જાણીએ છીએ! આ વિચારોના લીધે એ ભાનમાં આવે પછી જ મારે પોલીસ ફરિયાદ કરવી છે."
"પણ.. આ ઓપરેશનનો ખર્ચ અને એની ટ્રીટમેન્ટ ખુબ ખર્ચો માંગી લેશે! એ ભાનમાં આવી જાય તો સારું નહીતો તમારી જીવનપુંજી પણ વપરાય જશે!"
"હા, તારી વાત સાચી. શું ખબર કુદરતની કદાચ ઈચ્છા એજ હશે કે, હું એને મદદરૂપ બનું. આથી જ એ મને રસ્તે મળી હોય! મારી જીવનભરની પુંજીથી જો એ બાળકીને જીવન મળતું હોય તો એનાથી રૂડું મારે માટે કઈ જ નથી."
અનુરાધાને આશ્વાસન અને હિંમત આપી કલ્પ ફરી એના કામમાં ગુંચવાઈ ગયો. અનુરાધા મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાનું મન પ્રભુમાં એકચિત્ત કરવા મથવા લાગ્યા.
અંધકારને ચીરીને પ્રભાતિયું પોતાનો પગ પેસારો કરી રહ્યું હતું. એક ભયાવહ રાતને નવો સૂર્યોદય ફરી એકવાર દૂર હડસેલવા લાગ્યો હતો. પંખીઓનો કલરવ સુમધુર કુદરતી સંગીત છેડીને દરેકને ખુશીઓ આપવા પ્રયાસ કરી રહ્યો હતો, છતાંપણ અનુરાધાના ધબકારમાં હજુ રાતનાં એ બનાવના દ્રશ્યો ખુબ ઝડપે ધબકી રહ્યા હતા. અનુરાધા એજ રાહે હતી કે, સિસ્ટર ક્યારે આવીને કહે કે, એ બાળકી હવે ભાનમાં આવી ગઈ! આખી રાત એક મટકું માર્યા વગર જ અનુરાધાએ વિતાવી હતી. મનનું દર્દ એની આંખની પાંપણ પર વર્તાઈ રહ્યું હતું.
રાતપાલીની સીસ્ટર હવે પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહી હતી. ICU રૂમમાં અનુરાધાએ એ બાળકીને જોવા જવાની ઈચ્છા ડોક્ટર સુમનને જણાવી. અનુરાધાને રૂમમાં જવાની છૂટ આપી, પરંતુ હજુ એ ખુબ જ ગંભીર સ્થિતિમાં જ હોય એને ઈન્ફેકશન ન લાગે આથી વધુ સમય ત્યાં ન રહેવા ડોક્ટર સુમને સૂચના આપી.
અનુરાધા ICU રૂમમાં પ્રવેશી. એ બાળકી બેભાન જ હતી. વેન્ટિલેટર અને અનેક નળીઓ દ્વારા એ બાળકીની સારવાર ચાલુ હતી. જીવન મરણ વચ્ચે એને જજુમતી જોઈને અનુરાધાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. બાળકીના ચહેરા પર આંખ સિવાય બધે જ પાટા બાંધેલા હતા. એસિડના લીધે એના ચહેરાને ખુબ નુકશાન થયું હતું. અનુરાધાને ક્ષણિક એવો વિચાર આવ્યો કે, "કદાચ મને કાલ એ ન મળી હોત તો... અત્યારે એની શું પરિસ્થિતિ હોત? અરે રે! બિચારી બાળકી ક્યાં કશું જ કંઇ જાણે છે. એ કોના આધારે છે એની પણ એને ક્યાં ખબર છે! ખરેખર કુદરતની આ કંઈક લીલા છે. કુદરત ક્યારે કોને ક્યાં રૂપમાં મદદ માટે મોકલી દે, એ બધું કુદરત જ જાણે!"
અનુરાધાએ ફરી મનોમન પ્રાર્થના કરી, "હે પ્રભુ! મારુ મન આ બાળકીને જોઈને ખૂબ દુઃખ અનુભવી રહ્યું છે તો તું કેમ પથ્થર થઈને બેઠો છે? તું તો બધું જ જાણે છે. તું કોઈક ચમત્કાર કર કે, જેથી આ બાળકી કોણ છે એનું અસ્તિત્વ શું છે એની ચોક્કસ માહિતી મળે. એનો પરિવાર કેટલો ચિંતિત હશે!" અનુરાધા ભારે કલેજે ICU રૂમની બહાર નીકળી ગઈ.
અનુરાધા પોતાના ઘરે ફ્રેશ થવા માટે જઈ રહી હતી ત્યારે એણે સિસ્ટરને ખાસ સુચના આપી કે, "હું આવું ત્યાં સુધી આ બાળકીની ખાસ સંભાળ રાખજો. હું હમણાં જ તરત પાછી આવું છું. જો એ ભાનમાં આવી જાય તો મને તરત જાણ કરજો."
"હા, તમે ચિંતા રાખ્યા વગર ઘરે જાઓ. હું એના તરફ મારુ પૂરતું ધ્યાન રાખીશ." ખુબ વિવેકથી સિસ્ટરે જવાબ આપ્યો.
અનુરાધા ઝડપભેર પોતાના ઘરે પહોંચી ગયા હતા. ફ્રેશ થઈને તૈયાર થઈ રહ્યા હતા. અરીસામાં પોતાનો ચહેરો જોઈને એ ઘડીક ભૂતકાળમાં પહોંચી ગયા હતા.
*********** ૩૦ વર્ષ પહેલા *********
"આ તારો બધો જ શણગાર અધૂરો લાગે જ્યાં સુધી તું તારા કપાળ પર મરુન મોટો ચાંદલો ન લગાડે!" પ્રેમથી અનુરાધાના કપાળ પર ચાંદલો લગાડી એને પોતાના આલિંગનમાં લઈને ગિરિધર બોલ્યો હતો.
"અરે! હું હમણાં કરવાની જ હતી." અનુરાધા પોતાના પતિને સ્મિત સાથે ઉત્તર આપતા બોલી હતી.
અનુરાધા અને ગિરિધર બંનેના લગ્નને બે વર્ષ થઈ ચૂક્યા હતા. એમનો પ્રેમ એટલો ગાઢ હતો જે કોઈના પણ મનમાં સહેજ ઇર્ષા ભાવ જગાવી જ દે. આ ઈર્ષાનું પરિણામ હંમેશા અનુરાધાને જ ભોગવવું પડતું હતું. ગિરિધર બધું જાણતો છતાં પરિવારની સામે ક્યારેય બોલી શકતો નહોતો. એકાંતમાં અનુરાધાને સમજવાનો પ્રયાસ હંમેશા કરતો, પણ અનુરાધા ખોટા કાવતરાનો ભોગ બનતી હોવાથી એને ખુબ દુઃખ થતું.
અનુરાધા અને ગિરિધર એમના લગ્નની બીજી વર્ષગાંઠ નિમિતે બહાર ફરવા જઈ રહ્યા હતા. બંને ખુશ હતા. મસ્તીમજાક કરતા બંને કારમાં આબુ જઈ રહ્યા હતા. ગિરિધરનું ધ્યાન મજાકમાં વધુ હોવાથી સ્ટેરીંગ પર એનો કન્ટ્રોલ છૂટી ગયો અને એક ગંભીર અકસ્માત થયો હતો. અનુરાધાના મુખમાંથી એક જોરદાર ચીસ ગિરિધરના નામની નીકળી ગઈ હતી.
******************************
ભૂતકાળની યાદ આજ પણ અનુરાધાના મુખમાંથી ગિરિધરના નામની ચીસ પડાવી ગઈ હતી. અનુરાધાના ધબકાર એકદમ તેજ થઈ ગયા હતા. એને ધ્રુજતા હાથે પહેલા કરતી એવડો જ મોટો મરૂન ચાંદલો કર્યો અને પોતાનો મોબાઈલ અને પર્સને લઈને એ સંજીવની હોસ્પિટલ જવા નીકળી હતી. આજ એ બાળકીની સાથોસાથ પોતાનો ભૂતકાળ તાજો થઈ જતા એ ખુદને મહામહેનતે સાચવી રહી હતી.
અનુરાધા સંજીવની હોસ્પિટલ પહોંચીને તરત જ સિસ્ટરને એ બાળકીની શું પરિસ્થિતિ છે એ જાણવા ગઈ હતી. એમણે સિસ્ટરને પૂછ્યું, "બાળકીની પરિસ્થિતિ શું જણાઈ રહી છે? રાત કરતા કોઈ સુધારો જણાઈ રહ્યો છે?"
"આ બાળકીને એટલી બધી જુદી જુદી તકલીફો છે કે, હું એના વિશે તમને કઈ જ કહી શકું એમ નથી. તમે ડોક્ટર સુમન આવે ત્યારે એમને જ પૂછજો. હા એટલું અવશ્ય કહી શકું કે રિપોર્ટ કાલ રાત્રે જે હતા એજ સવારે આવ્યા છે. એમાં કોઈ સુધારો થયો નથી." ઉદાસ ચહેરે સિસ્ટરે કહ્યું હતું.
અનુરાધા અને સિસ્ટર વાત કરી જ રહ્યા હતા ત્યારે જ ડોક્ટર સુમન બધા જ દર્દીઓને જોવા માટે ICU રૂમ તરફ આવી રહ્યા હતા. ડોક્ટર સુમનને જોઈને અનુરાધાને હાશકારો થયો કે, હવે બાળકીની શું સ્થિતિ છે એની ચોક્કસ માહિતી મળશે.
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻