Survival - 14 in Gujarati Thriller by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 14

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 14

આસ્થા એના પપ્પાને મળીને ખૂબ દુઃખી થઈ ગઈ હતી. એનું રુદન અનુરાધા માટે ખૂબ પીડાદાયક હતું. આસ્થા હવે અનુરાધાને ભેટીને મુક્ત મને રડવા જ લાગી! આસ્થાના રુદનના ડૂસકાં સાંભળી અત્યાર સુધી કઠણ કલેજે રહેલ અનુરાધા હવે પીગળી ગઈ. આંખના આંસુને રોકવા એ પણ અસમર્થ રહી. મનમાં ઊઠતા અનેક પ્રશ્નો અને લાગણીના સમન્વયમાં અનુરાધા રીતસર ગુંગળાવા લાગ્યા.

"જ્યારે આસ્થાની યાદશક્તિ પાછી આવશે ત્યારે એને હું ક્યાં મોઢે આજે જે એ વેદના અનુભવી રહી છે એની માફી માંગીશ? બધું જાણવા છતાં આસ્થાની લાગણી સાથે હું રમત રમી એવુ એને લાગશે તો? ગિરિધર જો આસ્થાને પોતાની દીકરી તરીકે સ્વીકારી લેશે અને આસ્થાની યાદશક્તિ આવી જશે અને એ અમને બંનેને ન સ્વીકારે તો એ સમયે હું ગિરિધરને કેમ સાચવીશ?" આસ્થાનેે પોતાના આલિંગનમાં લઈ સાંત્વના આપતાં મનમાં ઊઠતા પ્રશ્નોથી અનુરાધા ખૂબ વ્યાકુળ હતી.

અનુરાધાએ આસ્થાને બાંકડા પર બેસાડી, એને થોડું પાણી પણ પીવડાવ્યું. આસ્થાને ઘણાય પ્રશ્ન હજુ મૂંઝવી રહ્યા હતા એ આસ્થાના ચહેરા પર સ્પષ્ટ દેખાય રહ્યું હતું. અનુરાધાએ ઘરે જવાના બદલે ગાડી સીધી એક કોફી શોપ પર ઉભી રાખી! કોફી શોપ અત્યંત આધુનિક અને ખૂબ સુંદર હતું. ધીમું સુંદર મ્યુઝિક અને અંદરની ઠંડી હવા કે જે રૂમ સ્પ્રેની સુગંધ વાતાવરણને આનંદિત કરવા મહત્વનો ભાગ ભજવી રહી હતી.

આસ્થાનું ઉચક મન હજુ એમ જ વ્યાકુળ હતું જે હજુ શાંત થયું નહોતું. એક ટેબલ પર બંને બેઠા, આસ્થા ટેબલ પર હાથ ટેકવી એના કપાળ પર બંને હાથ ટેકવીને બેઠી. અનુરાધાએ બંને માટે કાજુ અંજીર થીકશેક ઓર્ડર કર્યો.

આસ્થા થોડીવાર પછી એનું મૌન તોડતા બોલી "મમ્મી તમે મારી અને પપ્પાની આટલી ખરાબ હાલતમાં પણ તમે કેવી રીતે મન પર સંતુલન જાળવી શકો છો? પપ્પા મારા જન્મ સમય પહેલાથી કદાચ બીમાર છે. એમના શબ્દો પરથી હું અનુમાન લગાવી રહી છું. હજુ સુધી એમના દરેક શબ્દ મારા મનમાં ગુંજી રહ્યા છે. મને તમારી હિંમત અને સમજણ પર ખરેખર ખૂબ ગર્વ થાય છે. તમે એકલા હાથે મને ઉછેરી..."

"બસ.. બેટા હવે કંઈ જ ન બોલીશ. તું તારા મન પર કોઈ જ એવા ભાવને હાવી ન થવા દે!" આસ્થાની વાત અધવચ્ચે જ અટકાવતા અનુરાધા બોલ્યા. એમનો આપેલ ઓર્ડર આવી ગયો, બંને વાતો કરતા એ પી રહ્યા હતા. એમના બંનેની મનઃસ્થિતિ હવે થોડી સામાન્ય થઈ રહી હતી. બંને ઘરે જવા નીકળ્યા.

આસ્થા સમય સાથે જે રીતે તાલમેલ દાખવતી હતી એ પરથી ખૂબ સમજદાર, લાગણીશીલ અને સંસ્કારી પરિવારમાંથી એ હશે એવું અનુમાન અનુરાધા લગાવી રહી હતી.

અનુરાધા પાંચ દિવસ બાદ આજ ફરી આસ્થાને હોસ્પિટલ રૂટિન ચેકઅપ માટે લાવી હતી. જરૂરી દવાઓ જે નિયમિત લેવાની હતી એ પણ લેવાની હતી. એ બંનેએ જેવો હોસ્પિટલમાં પગ મૂક્યો કે તરત આસ્થા કલ્પઅંકલને મળવા આતુર થઈ તે તરફ વળી હતી. એ ત્યાં ઓફિસમાં ગઈ અને અનુરાધા ગણેશજી પાસે દર્શન કરવા ગયા.

અનુરાધા ગાનુદાદાને મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા, "હે ભગવાન! મારી તમે ઘણી કસોટી કરી છે. હું હંમેશા હસતા મોઢે એ સ્વીકારતી આવી છું, પણ હવે આસ્થાને અમારા જીવનમાં તમે મોકલી છે તો એના મનમાં ક્યારેય મારા કે ગિરિધર પ્રત્યે નફરત ન જન્માવશો. હું સમજીને એ ક્ષણ પણ સ્વીકારી લઈશ પણ ગિરિધર કે આસ્થાથી એ પરિસ્થિતિ સ્વીકારશે નહી! તમારા પર શ્રદ્ધા રાખી આગળ વધતી આવી છું. મારી શ્રદ્ધાને જીતાડવાની જવાબદારી તમારી છે." બંધ આંખમાંથી આંસુ દડદડ સરવા લાગ્યા! એક દીકરી પોતાના પિતા પાસે મનની વ્યથા ઠાલવતી હોય એમ પોતાના મનને અનુરાધા હળવું કરી રહી હતી. આમ પણ હવે એના જીવનમાં ક્યાં કોઈ અંગત એટલું એની નજીક હતું કે જેની હૂંફમાં રહી એ પોતાને સુરક્ષિત સમજી શકે!

અનુરાધાએ એક દીપ ત્યાં પ્રગટાવી પોતાના મનમાં પણ એક આશા રૂપી રોશની ફેલાવી હતી. બંને હાથ વડે તે દીપકની જ્વાળા પર હાથ ફેરવી સીધી આસ્થા પાસે પહોંચી, આસ્થાના માથાપર હાથ ફેરવી દીકરીને સુરક્ષિત રાખવા ગણેશજીના આશીર્વાદ અર્પી રહી! આસ્થાને મમ્મીનું આમ વર્તવું ખૂબ મનને સ્પર્શી ગયું, મમ્મી એના માટે કેટલી વ્યાકુળ છે એ સમજી શકી.

"કેમ છે અનુરાધા? તમે ગિરિધરને મળી આવ્યા, મેં કહ્યું હતું ને કે હવે જ્યારે જાવ ત્યારે મને કહેજો. મારે પણ આવવું હતું ભૂલી ગયા તમે?" થોડા રોષ અને પારાવાર અવાજમાં ચિંતા સાથે કલ્પ બોલ્યો.

"હા, તે કહ્યું હતું. પણ સંજોગ એવા થયા કે હું તને સાથે લઈ જવાનું ભૂલી ગઈ. મને માફ કર, પણ હવે જ્યારે જવાનું થશે ત્યારે અવશ્ય હું લઈ જઈશ!" સહેજ દર્દ સાથે અનુરાધાએ કહ્યું.

"ના.. ના. એમ માફી ન મળે, કોફી પીવડાવી પડશે!" સહેજ વાતાવરણને હળવું કરતા કલ્પ બોલ્યો. આસ્થા અને અનુરાધા પણ સહેજ હસી પડ્યા.

"અંકલ! મમ્મી કાલે એક કોફીશોપમાં લઈ ગઈ હતી, ત્યાં અમે કોફી તો નહોતી પીધી પણ કાજુ અંજીર થીકશેક પીધો હતો, તમે શુભમ અને યામિનીઆન્ટી ને સાથે લાવો ત્યારે આપણે ત્યાં જશું! ખૂબ સરસ જગ્યા હતી." આસ્થા હસતા ચહેરે બોલી.

"હા, બેટા અવશ્ય જશું! આ રવિવારે જ ત્યાં જવાનું સેટ કરશું. મારે અને શુભમને રજા હોય ને!" આસ્થાની વાત સ્વીકારતા કલ્પ બોલ્યો.

"સારું સારું અવશ્ય ત્યાં જશું, પણ અત્યારે તો ચાલ આપણે ડૉ. સુમનને મળવા જવાનું છે. એ ઇમરજન્સીમાં નીકળી જશે તો ફરી ક્યારે મળે એ નક્કી ન કહેવાય!" અનુરાધાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

"હા મમ્મી! ચાલો જઈએ." કહી તરત આસ્થા ઊભી થઈ ગઈ હતી.

ડૉ.સુમનની કેબિનમાં બંને પહોચ્યા. એમને જોઈને હસતા ચહેરે આવકાર આપતા તેઓ બોલ્યા, અરે આસ્થા! આવ બેટા! કેમ છે તને?"

"એકદમ મજામાં છું. તમે જે સૂચનો આપ્યા છે એ અનુસરું છું."

"ઓકે સરસ બેટા! તને કોઈ વાત પરેશાન કરતી હોય કે ઊંઘમાં કઈ તકલીફ થતી હોય એવું બને છે? કોઈ સ્વપ્ન વારંવાર આવતું હોય!"

સહેજ ઉદાસીનતા અને ગંભીર અવાજ સાથે આસ્થા બોલી, "હા એકવાર સ્વપ્ન આવ્યું. પહેલી જ રાતે! એ પછી કોઈ સ્વપ્ન આવ્યું નથી."

"શું સ્વપ્ન આવ્યું હતું? તને હજુ યાદ છે? કે તું ભૂલી ગઈ છે. કંઇ પણ હોય તું બેઝિઝક જણાવ, કેમ કે તારી એક એક વાત અને પરિસ્થિતિ તને ઝડપથી બધું યાદ કરવા ઉપયોગી થશે! હા, એ વાત યાદ રાખવી કે તારે મગજ પર કોઈ તણાવ થોપવાનું નથી. સહજતાથી જેમ બધું સ્વીકારે છે એમ જ બધું સ્વીકારજે."

ચહેરા પર એકદમ ગભરાહટના ભાવ અને દુઃખી અવાજે આસ્થા બોલી, "હા, મને થોડું યાદ છે. બહુ જ દર્દ હું અનુભવી રહી હતી, મારી આસપાસ અમુક લોકો હતા. કંઈક અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. બસ, આટલું જ યાદ છે."

આસ્થા આ કહી રહી હતી ત્યારે પણ તેના માથા પર પરસેવો અને અવાજમાં ધબકારાની તેજ ગતિ ભળી એ ડૉ.સુમન પારખી ગયા. તેઓ બોલ્યા, ઓકે બેટા. તારે એ સ્વપ્નથી જરા પણ ગભરાવાનું નથી. તું તારા મમ્મી સાથે છે અને એકદમ સુરક્ષિત છે. બસ, આજ વાત યાદ રાખજે બેટા! સ્વપ્ન પૂછી તને દુઃખી કરવાનો મારો કોઈ ધ્યેય નહોતો પણ અર્ધજાગૃત મનમાં ચાલતા વિચારો ક્યાં છે એજ મારે જાણવું હતું."

"હું તમને કંઈક પૂછી શકું?" આસ્થાએ પોતાના મનમાં ઉઠતો પ્રશ્ન ડૉ.સુમનને કર્યો.

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻