આસ્થા અને અનુરાધાએ કલ્પને ICU રૂમમાં આવતા જોઈને હળવું સ્મિત આપ્યું હતું.
"મમ્મી આ કલ્પ અંકલ શું થાય છે? એ આપણા પરિવારના છે?" આસ્થાએ કલ્પને જોઈને પ્રશ્ન કર્યો.
"બેટા! આ કલ્પ મારો બાળપણનો મિત્ર છે. મારા જીવનમાં મારી દરેક પરિસ્થિતિમાં એ મારી સાથે જ રહ્યો છે. મારાથી નાનો છે, પણ ઘણી વખત એક પીઢ વ્યક્તિ જેમ મને સલાહ આપતો હોય છે. તેની પત્ની યામિની અને પુત્ર શુભમ પણ ખુબ સરસ સ્વભાવના છે."
આસ્થાએ કલ્પને નમસ્કાર કરતા પૂછ્યું, "હેલો અંકલ. અંકલ તો શુભમ અને આન્ટીને હું ક્યારે મળી શકીશ?"
"બહુ જ જલ્દી તું એમને મળી શકીશ બેટા! એ બંને પણ તને મળવા ખુબ આતુર છે." હસતા ચહેરે કલ્પ બોલ્યો હતો.
અનુરાધાના મનમાં આસ્થાએ નમસ્કાર કર્યા એ વાત ખુબ ઊંડે સુધી સ્પર્શી ચુકી હતી. એ જરૂર કોઈક સંસ્કારી પરિવારમાંથી હશે એવું એણે અનુમાન લગાવ્યું હતું.
"કલ્પ તું અહીં આવ્યો છે તો થોડી વાર અહીં રહે તો હું નીચે ગણેશજીની પૂજા કરી આવું." અનુરાધાએ કહ્યું.
"સારું તમે જતા આવો. હું અહીં છું."
"હા, મમ્મી પ્રસાદ લાવજો હો!" સહેજ સ્મિત સાથે આસ્થા બોલી હતી.
અનુરાધાએ હા પાડી, અને એ નીચે ગણેશજી પાસે પૂજા કરવા ગયા હતા. ખુબ જ હરખાતા આજે એમણે બાપાની પૂજા કરી હતી. આજે ખરેખર વિઘ્નહર્તાએ એમના બધા જ દુઃખ દૂર કર્યા હતા. ખુબ જ ખુશ થતા એમણે બાપાનો દિલથી આભાર માન્યો હતો. ત્યારબાદ એક નર્સને કહીને આખા હોસ્પિટલમાં બાપાના લાડુના પ્રસાદની વહેંચણી કરાવી હતી.
અનુરાધા પહેલા પ્રસાદ લઈને ર્ડો. સુમનની કેબિનમાં ગયા હતા. એમને જોઈને ર્ડો. સુમન તરત બોલ્યા, "આવો સારું થયું તમે આવ્યા. હું આમ પણ તમને બોલવાની જ હતી."
"શું કામ હતું કહો ને?" પ્રસાદ એમને આપતા તેઓ બોલ્યા.
"જો અનુરાધા! આસ્થાને ઘરે લઇ ગયા બાદ એ પોતાના વિશે ઘણું પૂછશે. જેમકે ભણતર, મિત્રો અને સબંધીઓ વગેરે વગેરે. તમારે ખુબ સાવચેતીથી એના મનનું સમાધાન કરવું પડશે. આથી આ બાબતોનું ધ્યાન દોરવા જ મારે તમને બોલાવવા હતા."
"તમે મારુ ધ્યાન દોર્યું એ સારું કર્યું. કેમ કે, મારા મનમાં આ એક પણ વાત ઉપજી નહોતી. હું આ દરેક બાબતને ધ્યાનમાં લઇ મારે શું કહેવું એ વિચારી લઈશ. સારું હું હવે રજા લઉં, કલ્પને આસ્થા પાસે રાખીને હું આવી હતી."
"આસ્થાની સાથોસાથ આપનું પણ જીવન બદલાશે! એ માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છા."
"આપનો આભાર. ખરેખર તો તમારા અને કલ્પના સાથથી જ હું આટલું સાહસ કરી શકું છું."
એકબીજાને ગળે મળી બંને જુદા થયા હતા. હવે અનુરાધા આસ્થા માટે પ્રસાદ લઈને ICU રૂમમાં આવી રહ્યા હતા, ત્યારે એમને આસ્થા અને કલ્પની વાતોનો થોડો અવાજ સંભળાઈ રહ્યો હતો, આસ્થા ખુબ જ ખુશ હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું હતું. મનમાં એમને થયું, સારું છે આસ્થાએ બધાને સ્વીકારી તો લીધા.. ભગવાન સાથ આપે અને ઝડપથી એને એનું ખરું અસ્તિત્વ હું અપાવી શકું, બસ એ જ હવે મારા જીવનનો ધ્યેય છે.
અનુરાધાને આજ ઊંઘ આવતી નહોતી. મનમાં એ વાતનો ભય પણ હતો કે, આસ્થા અમુક પ્રશ્નો એવા પૂછે છે કે જેના જવાબ આપવા ખુબ કઠિન હોય છે. એ હવે ઘરે આવશે ત્યારે ઘણા લોકોના સંપર્કમાં ત્યારે હું પરિસ્થિતીને કેમ સાચવીશ? આવા જ વિચારોના લીધે એમના મનને ચેન પડતું નહોતું. મન ખુબ વિચલિત થઈ ગયું હતું. આજે ગિરિધરને એ ખુબ યાદ કરી રહ્યા હતા. હંમેશા દરેક પરિસ્થિતિને ઝીલી આગળ વધનાર આજ પોતાને ખુબ વિવશ સમજી રહ્યા હતા. જીવનસાથીના સાથની ઉણપ આજ એમને ખુબ સાલી રહી હતી.
"મને ખબર જ હતી આજ તમને ઊંઘ નહીં આવે!" એમની પાસે આવી કોફીનો કપ આપતા કલ્પ બોલ્યો હતો.
"અરે તું! સારું કર્યું તું કોફી લાવ્યો. મન ખુબ જ વિચલિત છે. વિચાર મને ખુબ પરેશાન કરી રહ્યા છે. આજ ગિરિધર વગર હું ખુદને ખુબ વિવશ સમજુ છું." સહેજ ગળગળા સ્વર સાથે અનુરાધા બોલ્યા.
"બધું જ ઠીક થઈ જશે તમે કોઈ જ વાતથી દુઃખી ન થાવ! આપણી ધારણા કરતા આસ્થા વધુ સહજ રીતે બધું સ્વીકારી રહી છે. ગણેશજી બધું જ સાચવી લેશે!"
"બસ.. ગિરિધરની હકીકત એની સામે કેમ લાવવી એ વાત મને ખુબ પજવે છે."
"પ્રથમ વખત જેમ જવાબ આપી વાત સાચવી લીધી, એમ બીજી વખત પણ તમે વાત સાચવી જ લેશો એ વાતની મને પુરી ખાતરી છે."
"હા. પહેલી વખતે અનાયસે જ શબ્દો મુખમાંથી સરી પડ્યા, કુદરત જ મને સાથ આપતી હોય એવું લાગ્યું હતું."
"હા.. સાચી વાત. કુદરત સત્યનો સાથ હંમેશા આપે જ છે. તમે હવે વિચારોને આરામ આપો. હું મારુ કામ પતાવવા જાવ!"
કલ્પની સહાનુભતિ હંમેશા અનુરાધાને ખુબ હિંમત આપતી હતી. એમની કાળજી એને પોતાનું આ દુનિયામાં કોઈક હિત ઇચ્છનાર છે એવો અહેસાસ કરાવતી હતી. મન એમનું શાંત થતા તેઓ ઊંઘી ગયા હતા.
નવો સૂર્યોદય આજ એનો ઉજાસ આસ્થાના જીવનમાં પણ ફેલાવી રહ્યો હોય એમ એના ચહેરા પર સૂર્યનો સોનેરી પ્રકાશ અનોખું તેજ આપી રહ્યો હતો. અનુરાધા એનો ચહેરો જોઈ ખુબ ખુશ થઈ રહ્યા હતા. આસ્થાના માથા પર પ્રેમથી હાથ ફેરવીને એમણે એને જગાડી હતી. આસ્થાને એમના હાથનો સ્પર્શ થતા એ એકદમ ગભરાઈને ઝબકી જતા ઊંઘમાંથી જાગી ગઈ હતી. એ જેવી જાગી કે, એની મમ્મીને સામે જોઈને એમને ભેટીને રીતસર રડવા જ લાગી. એની આંખોમાંથી દડદડ આંસુ સરવા લાગ્યા હતા.
"શું થયું બેટા? કેમ એકદમ રડવા લાગી?"
"મને એવું થયું કોઈ..." એ શબ્દોથી વિશેષ એ કશું બોલી શકી નહીં.
"બસ, તારે ગભરાવાની જરાય જરૂર નથી. હું છું ને તારી સાથે, તું ચિંતા કરીશ નહીં. ચાલ તું તૈયાર થઈ જા, આપણે ઘરે જવાનું છે ને?" અધૂરા શબ્દોથી પણ તેનું મન કળી જતા અનુરાધા બોલ્યા હતા.
આસ્થાએ હોસ્પિટલના રૂમની બહાર પગ મુક્યો ત્યારે એ અનેક સવાલો સાથે પોતાના જીવનમાં આગળ વધી રહી હતી. હોસ્પિટલની બહાર આવી ત્યારે રોલ્સ રોય કાર પાર્કિંગ માંથી લઈને કલ્પ આવી ચુક્યો હતો. આસ્થાને કારમાં બેસાડી અનુરાધા એની પાસે બેઠી હતી. બારીની બહાર બધું જ જોતી આસ્થા પોતાના ઘર તરફ જઈ રહી હતી. એક ખુબ જ સુંદર હવેલીમાં કાર પ્રવેશી ત્યારે બહાર લખેલી સુંદર નેમ પ્લેટ પર આસ્થાની નજર અટકી હતી. "ચૌધરી વિલાસ" વાંચીને તેણે તરત પૂછ્યું, "મમ્મી આપણી અટક ચૌધરી છે?"
"હા. બેટા."
"આ આપણી હવેલી છે ને?"
"હા, બેટા."
આસ્થા કુતુહલવશ બધું જોઈ રહી હતી. ગેટની અંદર પ્રવેશતાની સાથે સુંદર બગીચાની વચ્ચે રહેલી હવેલી જોઈને તે તરત બોલી, "વાહ આ હવેલી કેટલી સુંદર છે! બહારથી જ આટલી સરસ છે તો અંદરથી કેટલી સરસ હશે!"
આસ્થાના શબ્દો અનુરાધાને ખૂબ ખુશ કરી રહ્યા હતા. એ મનોમન હરખાયા કે, આસ્થાએ આ જગ્યા તો પસંદ કરી.
"અરે! તું હજુ અંદર તો આવ! તારા માટે ઘણું બધું સરપ્રાઈઝ છે. તું આપણા ઘરમાં ફરી નવા જીવન સાથે પ્રવેશ કરવાની છે, આ ક્ષણ તારી સાથે મને પણ નવું જીવન આપવાની છે." હરખ જતાવતા અનુરાધા બોલી હતી.
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻