આસ્થા માટેની બધી જ જરૂરી વાત ર્ડો. સુમને અનુરાધાને જણાવી હતી. આસ્થાને દાઝી જવાથી ચહેરા પર ઇન્ફેકશન થયું એ કન્ટ્રોલમાં આવતું ન હોવાથી એને પ્લાસ્ટિક સર્જરીથી જ અંકુશમાં લેવું જરૂરી હતું. આસ્થાને પ્લાસ્ટિક સર્જરી ર્ડો. દિનેશ કરવાના હતા.
આસ્થાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. અનુરાધા ઓપરેશન થિયેટરની બહાર બેઠી ખુબ ચિંતિત હતી. આસ્થાનો ચહેરો બદલાઈ જશે એનું દુઃખ એને ખુબ થઈ રહ્યું હતું. દરેક સ્ત્રીને પોતાના ચહેરાનું એક અલગ મહત્વ હોય છે, એ અજાણતા જ આસ્થાથી છીનવાય જવાનો રંજ અનુરાધાને થઈ રહ્યો હતો. અનુરાધા બધું જ કુદરત પર છોડીને અત્યારે પોતાના કર્મને પ્રાધાન્ય આપી આગળ વધી રહ્યા હતા.
આસ્થાને પ્લાસ્ટિક સર્જરી ખૂબ સરસ થઈ ગઈ હતી. સમયાંતરે ચહેરા પરનું ડ્રેસિંગ કરવાની જરૂરિયાત પણ જતી રહી હતી. એના ચહેરા પરથી પાટાઓ પણ હટી ગયા હતા. એક સુંદર નવા જ ચહેરા સાથે આસ્થા નવા જીવનમાં પગરવ કરી ચુકી હતી, જે વાતથી હજુ એ અજાણ જ હતી. એના રિપોર્ટ્સમાં પણ થોડો ફેર આવ્યો હતો, છતાં હજુ આસ્થા તરફથી કોઈ જ રીએકશન મળતું નહોતું. અનુરાધાને ભગવાન પર પૂરો ભરોસો હતો, આથી સમય સાથે અનુરાધા વધુ મક્કમ થઈ રહ્યા હતા. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા હતા. આસ્થાની સાથોસાથ બીજી જવાબદારીઓ પણ અનુરાધા બખુબી નિભાવી રહ્યા હતા.
સમયનું ચક્ર ખુબ ઝડપી ફરવા લાગ્યું હતું. આસ્થાને હવે વેન્ટિલેટર પર ઓક્સિજનની માત્રા પહેલા કરતા ઓછી આપવી પડતી હતી જે આસ્થા માટે ખુબ સારું હતું. આસ્થા છેલ્લા દોઢ મહિનાથી કોમામાં જ હતી, પણ બે દિવસથી આસ્થાના રિપોર્ટ્સમાં થોડો સુધારો જણાઈ રહ્યો હતો.
ર્ડો. સુમને આજે આસ્થાનું ચેકઅપ કરીને અનુરાધાને એમની કેબિનમાં બોલાવ્યા હતા. અનુરાધા ચિંતામાં આવી ગયા, અમને થયું ફરી કોઈ તકલીફ આસ્થાના રિપોર્ટ્સમાં આવી હશે! કેબિનમાં આવીને એમણે તરત પૂછ્યું, "આસ્થાને ફરી કોઈ તકલીફ તો નથી ને?"
"અરે અનુરાધા! કેમ નબળી વાત વિચારો છો? તમારી આસ્થા માટે ભગવાનને કરેલી પ્રાર્થના અસર દેખાડી રહી છે. આસ્થાની તબિયતમાં થોડો સુધારો છે. જે બે દિવસથી હું નોંધી રહી છું. આ કુદરતનો ચમત્કાર જ સમજો, કારણકે આસ્થાના બચવાના કોઈ ચાન્સ જ નહોતા, પણ બે દિવસથી જે એના તરફથી રિસ્પોન્સ મળી રહ્યા છે એ જોઈ ને લાગે છે કે, તમારી પ્રાર્થના જ ભાગ ભજવી રહી છે. બસ, હવે એને ક્યારે પૂરું ભાન આવે એજ જોવાનું છે." એકદમ ખુશ થઈને ર્ડો. સુમન બોલ્યા.
ર્ડો. સુમનની વાત સાંભળીને અનુરાધા ખુબ જ ખુશ થઈ ગયા અને હરખના આંસુ છલકાવતી આંખે બોલ્યા, "તો એમ સમજો મારા જીવમાં પણ જીવ આવશે! હું ફક્ત આ વાત સાંભળીને જ આટલી ખુશ છું તો એ જયારે ભાનમાં આવશે ત્યારે મને કેટલો આનંદ થશે એ કલ્પના માત્રથી હું ભાવવિભોર થઈ રહી છું. ભગવાનની જાણે મારા પરની વર્ષોથી થતી કસોટી હવે પુરી થવાની...."
અનુરાધા હજુ એમનો હરખ જતાવી જ રહ્યા હતા પણ એમની વાતને વચ્ચેથી જ અટકાવતા ર્ડો. સુમન બોલ્યા, "અનુરાધા તમારી લાગણી હું સમજુ છું, પણ આસ્થા ભાનમાં આવે પછી એ શું રિએક્ટ કરે એ તો એના ભાનમાં આવ્યા બાદ જ ખબર પડે! તમે બધા જ પરિણામ માટે તૈયાર રહેજો. બની શકે કે, એ તમને ન પણ સ્વીકારે. હું તમને કોઈ નકારાત્મક વિચાર જણાવી દુઃખી કરવા નથી ઈચ્છતી પરંતુ હું ઈચ્છું છું કે આસ્થા તરફથી જે પણ પ્રતિભાવ તમને મળે એ સ્વીકારવાની તમારી માનસિક તૈયારી હોવી જોઈએ."
"હા.. તમે ચિંતા ન કરો હું આસ્થા તરફથી જે પણ મારે માટે પ્રતિભાવ હશે એ હું સ્વીકારવા તૈયાર જ રહીશ. બસ.. મારી આસ્થા એકવાર ભાનમાં આવી જાય એટલે મારા મનનો ભાર હળવો થાય!."
"આટલો સમય રાહ જોઈ હવે બહુ જાજો સમય રાહ જોવી નહીં પડે!" અનુરાધાના હાથ પર પોતાનો હાથ મૂકી દિલાસો આપતા ર્ડો. સુમન બોલ્યા હતા.
આસ્થાની પરિસ્થિતિમાં સુધાર આવી રહ્યો હતો. આસ્થાના હાથની આંગળીઓ સહેજ હલતી તો ક્યારેક પગના પંજામાં સહેજ હલનચલન થતું હતું એ નર્સના ધ્યાનમાં આવી જતું હતું. ર્ડો. સુમને એમની આખી ટીમને બોલાવીને બધા જ રિપોર્ટની ચર્ચા કરી હતી. બધા જ ડોક્ટરોએ ભેગા થઈ અમુક મેડિસિનના ડોઝમાં ફરી ફેરફાર કર્યો હતો. આમને આમ હજુ પાંચ દિવસ નીકળી ગયા હતા.
અનુરાધા પોતાના ઘરેથી આવી સીધી જ આસ્થાને જોવા ગઈ હતી. આજે કંઈક અલગ જ ભાવ અનુરાધાના મનમાં જન્મી રહ્યા હતા. અનુરાધા એક નજરે આસ્થાના ચહેરાને જોઈ રહી હતી. પ્લાસ્ટિક સર્જરી બાદ આસ્થાને મળેલ ચહેરો ખુબ જ સુંદર હતો. એકદમ નમણો અને ગોરા વાન સાથે ઝળહળતો આસ્થાનો ચહેરો આજ કંઈક અનુરાધાને જણાવી રહ્યો હોય એવું અનુરાધાને થઈ રહ્યું હતું. આસ્થાની હાથની આંગળીઓમાં પણ સહેજ સળવળાટ થતા અનુરાધાએ એના હાથ પર હાથ સાંત્વના આપવાના હેતુથી મુક્યો હતો. અનુરાધાના હાથનો સ્પર્શ આસ્થાને થતા એના ચહેરાના હાવભાવ થોડા બગડ્યા હતા. આસ્થા જાણે અંદરને અંદર ગૂંગળાતી હોય એવું એના ચહેરા પરથી વર્તાય રહ્યું હતું. અનુરાધાએ તરત નર્સને બોલાવી અને કલ્પ તથા ર્ડો. સુમનને ફોન કરી ICU રૂમમાં હાજર થવા કહ્યું હતું.
એ બધા જ અમુક જ મિનિટમાં ICU રૂમમાં આવી ગયા હતા. આસ્થા પોતાના હાથને અનુરાધાના હાથથી અર્ધજાગ્રત અવસ્થામાં ધીરેથી છોડાવી રહી હતી. અનુરાધા લાગણીવશ પ્રેમથી એના માથા પર હાથ મૂકી પોતાની હાજરી આસ્થાને કરાવી રહી હતી. માથા પર જેવો આસ્થાને હાથનો સ્પર્શ થયો એની આંખ બંધ પરંતુ એ કંઈક બોલવાનો પ્રયત્ન કરતી હતી. એના હાથપગ તરફડીયા મારતી હોય એમ હલી રહી હતી.
અનુરાધા ખુબ ગભરાઈ ગઈ હતી, પરંતુ ર્ડો સુમનને અંદાજ આવી ગયો કે એ થોડી જાગૃત અવસ્થામાં આવી રહી છે. એમણે અનુરાધાના ખંભા પર હાથ મૂકી એમને ચિંતા ન કરવા આંખથી ઈશારો કર્યો હતો.
આસ્થાને એના માથા પર રહેલ હાથ કદાચ અકળાવી રહ્યો હતો. એણે અર્ધજાગ્રત અવસ્થામાં જ જોરથી "નહીંહીંહીં..." શબ્દની ભંયકર દર્દિલા અવાજ સાથે ચીસ પાડી હતી. આ ચીસ બાદ આસ્થા શાંત થઈ ગઈ હતી. આસ્થાના અવાજના પડઘાનું કંપન ત્યાં ઉપસ્થિત દરેકના ધબકારને વધારી ગયું હતું. આ ભંયકર ચીસથી દરેકને અનુમાન આવી જ ગયું કે, આસ્થા બેભાન થઈ એ પહેલાની ક્ષણને જ અનુભવીને ચીસ દ્વારા દર્દને વ્યક્ત કરી રહી હતી. આસ્થા ફરી ઘેનમાં સરી પડી હતી.
ર્ડો. સુમને બધાને જણાવ્યું કે, "નરાધમોએ આપેલ દર્દથી એના શરીર પર થયેલ ઈજા, ઉઝરડા, જીવલેણ માથા પરનો ઘા અને અનેક જગ્યાએ પડેલા ચાઠ્ઠા, ગર્ભાશયનું નુકશાન અને મોઢાને તેજાબથી કરેલ નુકશાન બધું જ સુંવાળી ચામડીમાં બદલી ગયું છે, પરંતુ માનસિક રીતે થયેલ ઈજા એને હજુ ખુબ પીડા આપી રહી હોય એવું મને અનુમાન થઈ રહ્યું છે. આસ્થા હજુ એ અંતિમ ક્ષણમાં જ અટકી ગઈ હોય એવું લાગે છે. એ સંપૂર્ણ ભાનમાં આવે ત્યારે એની ખરી માનસિકતાનો અંદાજ આવશે! એની એક નાના બાળકની જેમ દેખરેખ કરવી પડશે! આવનાર અમુક જ કલાકમાં એ સંપૂર્ણ ભાનમાં આવે એવો અણસાર આવી રહ્યો છે. હવે આસ્થાની સાથે સતત કોઈક એક વ્યક્તિની હાજરી અવશ્ય જોશે!"
"હા, હું હવે અહીં જ રહીશ! મારે આસ્થાને હવે એકલી મુકવી નથી. રીતસર એક દર્દનું ડૂસકું ભરતાં અનુરાધા બોલ્યા હતા."
"અરે અનુરાધા આમ તમે ઢીલા થઈ જાવ તો કેમ ચાલશે? હવે જ એની ખરી દેખરેખ રાખવાની શરૂઆત થશે. આસ્થા માટે જિંદગીની સાચી લડાઈ હવે જ શરુ થવાની છે. અને તમારે જ એને આ લડાઈ જીતવામાં મદદ કરવાની છે." ખુબ જ પ્રેમથી હિંમત આપવાના સૂરે ર્ડો. સુમન બોલ્યા હતા.
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻