Astitva - 9 in Gujarati Thriller by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 9

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 9

અનુરાધાએ આસ્થાને પાણી આપ્યું, અને તેઓ એના ચહેરાને જોઈ જ રહ્યા! બદલાયેલ ચહેરો, જૂનું કઈ જ યાદ નથી અને કોઈ જ ઓળખ તેની પોતાની પાસે નહોવાથી એમને આસ્થા કોણ હશે? અને એનો પરિવાર ક્યાં હશે એ પ્રશ્ન હવે ખુબ મુંઝવી રહ્યો હતો. ખરી કસોટી હવે શરૂ થઈ હતી. એનો ચહેરો બદલાઈ ગયો છે એ હકીકત એની કેમ રજૂ કરવી એ પ્રશ્ન મનોમન એને ખૂબ મૂંઝવી રહ્યો હતો.

"મમ્મી હું એક વાત પૂછું?"

"પૂછને બેટા! તારે કઈ પણ બેજિજક પૂછવું. તને જે પણ જાણવું હોય એ તું જાણી શકે છે!"

"મમ્મી હું અહીં હોસ્પિટલ ક્યારે એડમિટ થઈ? મને માથામાં તો કઈ જ નથી. પણ મારા પેટ ઉપર મને ઓપરેશન થયું હોય એવા નિશાન છે. હું જયારે ન્હાવા ગઈ હતી ત્યારે મેં એ નિશાન જોયા. હું જોઈને સહેજ ગભરાઈ ગઈ!"

"તું છેલ્લા બાવન દિવસથી અહીં હોસ્પિટલમાં છે. તારું એકસીડન્ટ એટલું બધું ભયાનક રીતે થયું હતું કે તને માથામાં તો ઈજા હતી જ સાથોસાથ પેટમાં પણ વાગ્યું હતું. તારા ચહેરા પર પણ અનેક ઈજાઓ થઈ હતી આથી એ ઈજાના કારણે તને ઇન્ફેક્શન થવાથી તારા ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરવી પડી હતી. આથી તારો ચહેરો પણ બદલી ગયો છે. તું ખુબ જ ગંભીર હાલતમાં હતી. તારા બચવાના કોઈ જ ચાન્સ નહોતા. બેટા! તું એમ સમજ તને આ નવું જીવન જ મળ્યું છે." કુદરતે જાણે તક આપી હોય એમ સમજી આ તકને ઝડપી લેતા એને હકીકતથી વાકેફ કરવા અનુરાધાએ હિંમત કરી થોડું સત્ય રજુ કર્યું હતું.

"ઓહહ! આ મારો ખરો ચહેરો નથી? તો મારો ખરો ચહેરો કેવો હતો? મને મારો જૂનો ફોટો બતાવો. મને મારો પહેલા ચહેરો કેવો હતો એ હું જોવા ઈચ્છું છું."

આસ્થાના પ્રશ્નથી અનુરાધા એકદમ ગભરાઈ ગઈ! એની આંખમાંથી રીતસર આંસુ સરવા લાગ્યા. એ શું કહે? કેમ આસ્થાને પોતાની વાત સાચી રજુ કરવી એ વિચારમાં રીતસર પીસાઈ રહી હતી. ર્ડો. સુમન એજ સમયે ચેકઅપ માટે આવ્યા. એમણે આસ્થાના શબ્દો રૂમની બહાર સાંભળી જ લીધા હતા.

"તારો જૂનો ફોટો ક્યાંય નહીં હોય! તું નવું જીવન નવા ચહેરા સાથે શાંતિથી જીવી શકે એ માટે તારા મમ્મીને મેં જ બધા ફોટા દૂર કરવા કહ્યા હતા. તારા ઘરમાં પણ કોઈ જ ફોટા નહીં હોય! અમે ઘણા પેશન્ટ એવા જોયા છે જે પોતાનો નવો ચહેરો સ્વીકારી શકતા નથી. અને તારા કેસમાં અમને સંદેહ હતો કે, તું કદાચ જૂનું બધું ભૂલી જ ગઈ હોઈશ!

જો બેટા! તું આ તારું નવું જીવન એકદમ શાંતિથી વીતાવ! બધું જ સમય પર છોડી દે! અમુક જૂની પરિસ્થિતિ આંખ સામે આવે એટલે ઘણા દર્દીને ફરી જૂની યાદશક્તિ જાગૃત થતી અમે જોઈ છે. તું જરા પણ તારા મગજ પર જોર આપતી નહીં. સમય સાથે તારાથી બધું જ ધીમે ધીમે સ્વીકારાતું જશે. બસ! તું તારા મમ્મી પર વિશ્વાસ રાખ એ બધું જ સાચવી લેશે!"

ડોક્ટરની વાત આસ્થાને એક તિર ભોંકાયું હોય એવો ઘા આપી ગઈ! એ પોતાના ચહેરાને પોતાના જ હાથ વડે સ્પર્શીને સહેજ નર્વસ થઈ ગઈ હોય એવું એની આંખના ખૂણામાં ધસી આવેલ આંસુ સ્પષ્ટ જણાવી રહ્યા હતા.

આસ્થાનો ચહેરો જોઈ અત્યાર સુધી પોતાની લાગણીને પાલવે બાંધી ઉભી રહેલ અનુરાધા એકદમ ભાવુક થઈ ને રડતા રડતા એને ભેટી જ પડી! ડૂમો ભરી ગળે અટવાયેલ પોતાની ખોટી વાતની અકળામણ એકાએક તૂટી અને એ બોલ્યા, "બેટા! મને માફ કરીશ ને! મારી ભૂલના લીધે તું મારાથી દૂર તો નહીં જતી રહે ને!" લાગણીમાં તણાઈ જતા પોતાના મનના શબ્દો હોઠ પર આવી ચુક્યા હતા.

"ના મમ્મી તમે રડો નહીં. એમાં તમારો કોઈ વાંક નથી. તમને તો ડોક્ટરે કહ્યું એ તમે કર્યું હતું. કોઈ મા પોતાના સંતાન માટે કઈ ખરાબ થોડી કરે? તમારે મારી માંફી થોડી માંગવાની હોય!" એકદમ સહજતાથી વાતને સમજીને આસ્થા બોલી હતી.

કુદરત પણ બધી પરિસ્થિતિમાં સાથ આપતી હતી એની ખાતરી અનુરાધાને થઈ ચુકી હતી. એને આસ્થાના કપાળ પર એક હળવું ચુંબન કર્યું હતું. આસ્થા એને ફરી ભેટી પડી હતી. બંને એકબીજાને ગળે લાગી એકબીજાનું પીઠબળ હોવાનો અહેસાસ કરાવી રહ્યા હતા.

ર્ડો. સુમન પણ આ દ્રશ્ય જોઈ થોડા ભાવુક થઈ ગયા હતા. એમને બંનેના મનની સ્થિતિ સ્પર્શી રહી હતી. તેઓ બોલ્યા, "ચાલો તમે બંને હવે મને મારુ કામ કરવા દો! નહીતો બીજા પેશન્ટો પણ અહીં આવી જશે!" હસતા સ્વરે બંનેને નોર્મલ કરવાના હેતુથી એમણે કહ્યું હતું. બધું જ ચેકઅપ કરી તેઓ હવે જતા રહ્યા હતા. આસ્થા એમ જ બેડ પર આરામ કરી રહી હતી.

અનુરાધા મનમાં જ ગણેશજીનો ખુબ ખુબ આભાર માની રહ્યા હતા. પ્રભુમાં મન ખોવાઈ જતા તેઓ ભૂતકાળમાં સરી પડ્યા હતા.

*****************************

"મેં તમને ના પાડી. પ્લીઝ તમે મારો રસ્તો ના રોકશો. હું મારા માતા પિતાનું એક જ સંતાન છું. હું એમને છોડીને ક્યાંય જઈશ નહીં, આથી મેરેજ કરી સાસરે જવું એ તો મારે માટે બહુ દૂરની વાત થઈ! તમે તમારો સમય મારી પાછળ ન વેડફો, તમને હું ક્યારેય હા કહીશ નહીં!" અનુરાધા વિનંતીના સૂરે બોલ્યા હતા.

"તમે જે આ ગણેશજીને પ્રાર્થના કરી રહ્યા છો, એ તમારા ગણેશજી પર મને પૂરો વિશ્વાસ છે કે, એ અવશ્ય તમને મારા જીવનમાં મોકલશે." પુરા આત્મવિશ્વાસ સાથે ગિરિધર બોલ્યો હતો.

ગિરિધર તો આવું કહી જતો રહ્યો પણ તેના શબ્દ એક ઊંડી અસર અનુરાધાના મનમાં છોડી ગયા હતા. આજે ગણેશવિસર્જનની પૂજામાં આવેલ અનુરાધા ગિરિધરની લાગણીથી ખુબ ખેંચાઈ રહી હતી. એના મનમાં પ્રેમનું બીજ ફલિત થઈ ચૂક્યું હતું.

અજાણી વ્યક્તિ તરફનો આ જુદો જ અહેસાસ છે,

હર શ્વાસે પ્રવેશે મહેક એની ભીતરે જે ખાસ છે,

વિચારોમાં હાજરી પૂરાવતો ચહેરો જાણે સતત આસપાસ છે,

પ્રેમની અનુભૂતિ કરાવતો એ મારા જીવનમાં ખાસ છે.

અનુરાધાના મનના પટાંગણમાં પ્રેમના પુષ્પ ખીલી ચુક્યા હતા. મન પતંગિયું બની ઘડી ઘડી ગિરિધરની આસપાસ પહોંચી જતું હતું. પણ, ખુબ જ સમજુ અને જવાબદારી હેઠળ જીવન વિતાવતી અનુરાધા એમ ઝડપથી પોતાના પ્રેમનો એકરાર કરે એ શક્ય નહોતું જ! હંમેશની જેમ આજે પણ એ પોતાની લાગણી છુપાવી રહી હતી.

"શું થયું ક્યાં ખોવાયેલી છે?" કલ્પ અનુરાધાનાં ચહેરા સામે ચપટી વગાડતા બોલ્યો.

"અરે ના કઈ જ નહીં."

"હું જોઈ રહ્યો છું તારું ધ્યાન આરતી કે થાળ બંનેમાં નહોતું. ખોટું તો તું ન જ બોલ. પ્લીઝ..."

"અરે કઈ નહીં. ખરેખર..."

"અચ્છા.. તો પેલો ગિરિધર શું આવ્યો હતો તારી પાસે?"

મનમાં જ સહેજ હસતા ચોરી પકડાય ગઈ હોય એવા ભાવ સાથે અનુરાધા પોતાની નજર નીચે તરફ કરી ચુપચાપ પોતાની ઓઢણીની કિનારી સાથે આંગળીઓથી રમત કરી રહી હતી.

"તું ક્યાં સુધી હકીકતથી દૂર જતી રહીશ? તારા ચહેરાને ક્યારેય તે અરીસામાં જોયો છે? ચોખ્ખું એ જણાવે છે કે, તને પણ ગિરિધર પસંદ જ છે. તું એક જ એવી વ્યક્તિ થોડી છે જે પોતાના માતાપિતાનું એકનુંએક સંતાન હોય! સમય પર બધું છોડી દે! અને ગિરિધરના પ્રેમનો સ્વીકાર કરી લે! બહુ ભાગ્યશાળીને જ આવો પ્રેમ કરનાર મળે છે. છેલ્લા ૧૫ વર્ષથી એ તારી જ રાહ જોઈ જીવન જીવી રહ્યો છે." અનુરાધાને સમજાવવામાં હેતુથી કલ્પ બોલ્યો હતો. ગણપતિબાપા મોરિયાના ધૂનના અવાજથી અનુરાધા ફરી વાસ્તવિક જીવનમાં આવી હતી.

*****************************

કલ્પ ICU રૂમમાં પ્રવેશ્યો હતો. અને આસ્થા તથા અનુરાધાએ બંનેએ એના તરફ હળવું સ્મિત આપ્યું હતું.

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻