12.  દિવસો તો કાઢવા ને?
મારા ક્રૂ ની ચાર માંથી ત્રણ એર હોસ્ટેસ એ લોકો ઉપાડી ગયેલા. ચોથી ઝાડીમાં હાજતે કે કોઈ ચીજની શોધમાં હતી એ અમારા સદભાગ્યે બચી ગઈ. એ સમય વર્તી કોઈ ખાડામાં છુપાઈ ગયેલી.
અમે લૂંટાઈ તો ગયા, હવે શું? કોઈને કોઈ  રીતે જીવવું તો ખરું ને, જ્યાં સુધી કોઈ મદદ આવે ત્યાં સુધી !
અમે હવે  અમારી નાની વસાહત જેવું કરવા નક્કી કર્યું. બચેલા પુરુષો કોઈ પણ રીતે  ઝાડની ડાળીઓ,  નારિયેળીઓનાં સૂકાં પાન,  કોઈ.પથરા મળે તો એ વગેરે લાવવા લાગ્યા અને બચેલી, મોટે ભાગે વયસ્ક સ્ત્રીઓ અમુક નિશ્ચિત વિસ્તાર ફરતી વાડ કરવા લાગી.
કોઈ દોરડું કોઈના સામાન માંથી મળ્યું, ક્યાંકથી કોઈ વેલ અને મજબૂત થડ કોઈ બે ત્રણ બળુકા પુરુષો ઢસડી આવ્યા અને વાડ કરી. રાત પડે નજીકમાં અગ્નિ પ્રગટાવી બે બે પુરુષો ચોકી કરતા.
સ્ત્રીઓ જે મળે એમાંથી રાંધી આપવા પ્રયત્નો કરવા લાગી.
હતાશ, નિરાશ થઈ  અમે થોડો સમય બેસી રહ્યા.  બધે વીરતા કામ લગતી નથી. કાબે અર્જુન આમ જ લૂંટ્યો હતો.  પણ બાકી રહેલાઓએ ટકી  રહેવા ખાવું તો ખરું ને? 
આમૂક સમયે લાકડાં કે સૂકી કોઈ વસ્તુ ન મળતાં રસોઈનો પ્રશ્ન થયો. અમે બાકી રહેલી ઘરડી સ્ત્રીઓ અને પુરુષોએ કોઈની નાનીશી પાઇપથી ટાંકીમાંથી સાચવીને એર ફ્યુએલ ખેંચ્યું. મેં ચેતવ્યા કે આ તો આપણા પેટ્રોલ કરતાં અનેક ગણું જ્વલનશીલ હોય.  આખરે કોઈ પેસેન્જર, હું અને કો પાયલોટ જંગલમાં થોડે અંદર સુધી જઈને વીણી આવેલા લાકડાના ઢગલા પર તેનાં એક બે ટીપાં છાંટી અમે લાકડાં  સળગાવ્યાં  અને ખોરાક રાંધ્યો. ખોરાક એટલે? આસપાસ મળેલી વનસ્પતિનાં  પાંદડાં અને વિમાનમાંથી મળેલા કેટલાક વાસી બ્રેડના ટુકડાઓ. અમુક ઉતારુઓ નારિયેળો લઈ  આવ્યા પણ એ તોડવા કશું હતું નહીં. એરક્રાફ્ટમાં મોજુદ સળિયા અહીં કામ આવ્યા.
આમ જ જે મળે એ ખાતા,  જંગલી આદિવાસીઓથી ડરતા, પોતાની જાત બચાવતા અમે કેટલા દિવસો પસાર કર્યા એની ખબર નથી.
અહીં કોણ જાણે કેમ, દરિયાઈ આબોહવા અને એકાંત ટાપુ હતો એટલે કે કેમ, કોઈ જાનવર  નજીકમાં દેખાતું નહીં. એટલી અમને રાહત હતી.
અમે મદદનો ઇંતેજાર કરતા રહ્યા. આ ટેકરી જેવી જગ્યા ઉપરાંત ટાપુ પર  શું  શું  છે અને પેલા હુમલાખોર આદિવાસીઓ કઈ તરફ છે એનું સર્વેક્ષણ કરવા બે ત્રણ ટુકડીઓમાં વહેંચાઈ  અમે ટાપુનો ચકરાવો લેવો શરુ કર્યો.  કોઈ, લગભગ તો પેલો ચીનો  સૈનિક જ, એક ઊંચા ઝાડ પર  ચડી શક્યો અને ત્યાં તેણે  લાલ કપડું બાંધ્યું. એક મલયેશિયાના ભાઈને નારિયેળી પર  ચડતાં  આવડતું હતું. નારિયેળીનું એક ઝુંડ ટાપુ પર અમે હતા તેનાથી થોડે નીચે હતું પણ ખરું. થોડો દુર્ગમ રસ્તો હતો. કોઈ વિમાનની તૂટલી સીટનું એક હેન્ડલ કાઢવામાં સફળ થયું અને એનાથી, બીજી ડાળીઓથી માર્ગ કરતા તે નારિયેળીઓ સુધી પહોંચ્યા પણ ખરા. 
અહીં નજીકમાં કોઈ પ્રાણી પણ ન હતાં  કે શિકાર કરીએ.  એક વયસ્ક, ચાયનીઝ સ્પોર્ટ્સ શિક્ષિકા  મેડમે વૃક્ષની ડાળીમાંથી y  આકારની  ગિલોલ બનાવી બે ચાર સ્ત્રીઓની રબરબેન્ડ લઈ ઉડતાં  કાગડા કે બતક જેવાં પક્ષીઓ પાડવાનું  શરુ કર્યું અને બીજા બે ચાર લોકોને શીખવ્યું.  એ મેડમ અમારી અન્નપૂર્ણા બની રહ્યાં.  એ બતક  કે કોઈ એવી ચડેલું પક્ષી  મારીને પેલા તૂટેલા હેન્ડલ અને કોઈએ બીજે પ્લેનમાંથી જ ક્યાંકથી ખેંચી કાઢેલા પતરાંના ટુકડાથી કાપી, અગ્નિમાં શેકી અમે પેટ ભરવા લાગ્યાં અને ચારે બાજુ કોઈ આવતું જતું વહાણ  કે કોઈ મદદ  મળે તે માટે ઘુમવા લાગ્યાં.  આ સાવ અજાણ્યો ટાપુ હતો. ન ઉપરથી કોઈ વિમાન જાય ન નજીકથી કોઈ વહાણ પસાર થાય.
પેલા મલેશિયન મહાશય ઊંચાઈ પર આવેલી એક નારિયેળી પર પગ રાખવાના ખાડા બનાવી રોજ નારિયેળી ઉપર ચડી  દૂર જોવા લાગ્યા. કદાચ કોઈ  મદદ આવે તો.
ક્રમશ: