11. જીવસટોસટનો જંગ
તો પણ, જાત બચાવવા જીવ પર આવી અમે બાંધેલી હાલતમાં પણ એમની તરફ ઘસ્યા. કોઈ ગબડતો એકાદા ચાંચિયા ના પગ સાથે અથડાઈ એને પછડવામાં સફળ થયો તો મેં હાથ બંધાયેલી હાલતમાં ઊંધું ઘાલી દોડી કોઈના પેટમાં માથું અથડાવી એને પાડ્યો. હજી બચી ગયેલી એક સ્ત્રી કાલના કેમ્પ ફાયરનું હજી સળગતું કોઈ લાકડું લઈ એમની તરફ દોડી. વધ્યું ઘટ્યું કાલનું ફ્યુએલ એમ જ જમીન પર વેરી એની ઉપર સળગતું લાકડું ફેંક્યું. એક ચાંચિયાનાં મોં પર વાગ્યું અને એણે જોરથી ચીસ પાડી. એ લાકડું એણે હવામાં ફેંક્યું જે નજીકમાં ઊભેલા એના સાથીના ખભે પડ્યું. એ તો દાઝ્યો, ખભે ઉઠાવેલ સ્ત્રી એનાથી છૂટી ગઈ અને એના બીજા હાથમાં કોઈ વજનદાર બેગ હતી એ પણ. સ્ત્રી બેગ લઈ નીચું જોઈ દોડી અને અમારી તરફ આવી ગઈ.
બીજાઓ એને દાઝેલો, રાડો નાખતો જોઈ પાછળ હટયા.
આમ આ કામચલાઉ મશાલ અમારી ફાયર વોલ બની ગઈ!
થોડી ક્ષણો જીવસટોસટ ની જંગ ખેલાઈ ગયો. પણ અમે એમની ઉપર જીત મેળવી શક્યા નહીં.
એ લોકો હવે જે મળ્યું એ હાથ કરી ચિચિયારીઓ પાડતા ભાગ્યા અને અમારી તરફ સળગતા કાકડા, તિક્ષ્ણ તીરો ચલાવ્યાં. અમે નીચે સૂઈ એનાથી બચ્યા.
અમે ચિચિયારીઓ બોલાવતા તેમનો પીછો કર્યો. જહાજ હજુ દૂર હતું.
એમને બોલાવવું અમને ભારે પડયું. અમે ફિલ્મી ઢબે બાંધેલા અમારા હાથ છોડવા લાગ્યા. પણ એમ ન છૂટે. પહેલાં તો મેં જ વિમાનની ફ્રેમના એક તૂટીને બહાર આવી ગયેલાં પતરાં સાથે હાથ ઘસ્યા. થોડી વારમાં હું મુક્ત થયો. બીજા કેટલાકે મારી જેમ બંધનો છોડયાં. તેમ કરતાં છોલાયા પણ ખરા. પેલા ચીની સૈનિકે અત્યારે તો પહેલાં એ જ દરિયાના પાણીથી તેમના ઘા ધોયા, ખારું પાણી અડતાં સહુએ રાડ નાખી. પછી કોઈ મોટાં પાનના લેપ કરતો હોય એમ બાંધી દીધાં. કહે કે અમે આ રીતે જ ઘા તાત્કાલિક મટાડીએ છીએ.
અમે હવે એક બીજાના હાથ પગ છોડી મુક્ત થયેલા એટલે જીવ ઉપર આવી દોડ્યા. મેં એક થોડી અણીદાર ડાળી હાથમાં આવી તે તીરની જેમ ફેંકી. એક પઠ્ઠા હબસી જેવા ચાંચિયાને વાગી અને બાવડામાં લોહી નીકળતાં તેણે ચીસ પાડી પોતે ઉપાડેલી સ્ત્રીને નીચે ફેંકી દીધી. તે સ્ત્રીએ વળી બીજા ચાંચિયાનો પગ હિંમત કરી ખેંચ્યો. તે બે ચાર મોટી બેગ ઉપાડી ભાગતો હતો તે પડી ગયો. એ સ્ત્રી પેસેન્જર લડી લેવાના મૂડમાં હતી. પેલી રશિયન નૃત્ય વાળી !
તેણે તો નૃત્ય કરતી હોય તેમ ગોળ ફરતાં ઊંચા કૂદકાઓ મારતાં તેઓને મોઢાં પર લાતો લગાવી. ત્યાં બે ચાર ચાંચિયાઓએ તેને સ્કર્ટ હાથમાં આવી જતાં પકડી, નિર્વસ્ત્ર કરી, ઢસડીને પછાડી. તે કોઈ એક ને બચકું ભરી ભાગતી અમારી તરફ દોડી આવી અને અમે તેને અમારી પાછળ કોર્ડન કરી. તેની સાથેનો સાથી કુદકા મારી એક બે ચાંચીયાઓને પટકી આવ્યો પણ કોઈએ તેને છૂટું કોઈ અણી વાળું લાકડું માર્યું જે તેને પેટમાં વાગતાં તે ચીસ પાડી પડી ગયો.
ચાંચિયાઓ તરફ અમે કોઈ સાથીએ સળગાવેલી લાકડીઓ ફેંકી. એક તો તેમના ન ફૂટેલા દારૂગોળા પર જ પડી. મોટો ભડાકો થયો અને તેઓ પોતાને બચાવવા ભાગ્યા. વધુ નુકસાન થતું અટકી ગયું. તેઓ દરિયા તરફ દોડતા ઝડપથી ઢાળ ઉતરી વહાણમાં બેસી ભાગ્યા.
દરિયો નીચે હતો અને ત્યાં સુધી જવું અત્યારે ભય ભર્યું હતું. પેલી બચકાં ભરી બે ચાર સામે લડનારી સ્ત્રી કોઈ નર્સ જેવી લાગી. તેણે પોતે લોહીલુહાણ હોવા છતાં પોતાની પાસે શરીર પર જે કઈં હતું, બ્રેસ્લેટ અને ક્રોસ, તે વડે બીજાઓનાં તેમણે જ બંધનો છોડી આપ્યાં.
જીસસ, અહીં પણ તેં લોહી વહાવી અમને નવજીવન આપ્યું!
ક્રમશ: