MH 370 - 10 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 10

Featured Books
Categories
Share

MH 370 - 10

10. ચાંચિયાઓનો પ્રતિકાર.

પણ આ શું? વહાણમાંથી તો  રુષ્ટપુષ્ટ, ઊંચા, કાળા, પઠ્ઠા  હબસીઓ  જેવા લાગતા લોકો ઉતર્યા. તેઓ વિચિત્ર ચિચિયારીઓ પાડતા  અમારી તરફ આવવા લાગ્યા. મારું  ધ્યાન ગયું કે એમનાં વહાણ પર  કોઈ દેશનો  ધ્વજ ન હતો. માર્યા ઠાર! આ તો ચાંચીયા. મધ દરિયે માણસોની બૂમો સાંભળી બદઇરાદે  જ દોડી આવ્યા હશે. 

તેઓએ ઝડપથી આગળ વધી પહેલાં તો   અમારી દેખાવડી યુવાન એરહોસ્ટેસોની પાછળ પડ્યા. તેઓ  સ્ત્રીઓએ કરેલી આડશ તરફ ભાગી.  મેઈન એર હોસ્ટેસે પ્રતિકાર કરવા ખજૂરી કે  તાડનું પાન તેમની તરફ  ઉગામી વીંઝવા માંડ્યું. એક માણસ પાછળ હટ્યો પણ ખરો. એર હોસ્ટેસ આગળ જઈ તેમને પાછળ હટાવે ત્યાં પાછળથી આવી બીજા સાગરીતે તેને ઊંચકી લીધી અને ખભે નાખી દોડતો દરિયા તરફ ભાગવા લાગ્યો. 

એક હોસ્ટેસને પકડવા કોઈ ગયો ત્યાં તેણીએ  પોતાના પગનું  લાંબું મોજું એના  નાક સાથે ઘસ્યું. પેલો ગુંગળાઈને પક્કડ છોડે ત્યાં તો એ સરકતી ક્યાંક ચાલી ગઈ.

પછી અમે હોકાટા પાડતા એ હબસી જેવા માણસો તરફ ઘસ્યા.

થોડી ક્ષણો   ધીંગાણું મચી રહ્યું. ચીસો પાડતી સ્ત્રીઓ કિનારાથી દૂર ભાગવા લાગી.

એ લોકો પાશવી હતા. અમારું  એમની સામે વગર હથિયારે ખાસ ચાલ્યું નહીં. તેઓ ગમે ત્યાંથી પકડી પકડીને ઉતારુઓમાંની યુવાન સ્ત્રીઓને ઉઠાવી, ખેંચી ભાગવા લાગ્યા. સ્ત્રીઓએ મોટેથી ચીસાચીસ કરી મુકી. હું અને ક્રુ  લાકડીઓ લઈ દોડયા. 

વિમાનમાં કોઈ પણ હથિયાર, છરી સુદ્ધા લઇ જવા દેતા નથી એટલે અમે હથિયાર વગર લાચાર હતા. અમે પુરુષો તેમનાથી સંખ્યામાં વધારે હતા પણ તેઓ પાસે તમંચા અને તીક્ષ્ણ હથિયારો હતાં જ્યારે અમારી પાસે કોઈ હથિયાર ન હતું. બીજા ઉતારુઓ આસપાસ દેખાય એવા નાના ઢેખાળા જેવા પથ્થરો  ફેંકતા દોડયા પણ અમારું કંઈ  જ ચાલ્યું નહીં. 

જોતજોતામાં એ લોકોએ પુરુષો પર  હુમલો કર્યો. હવે તો પેલા બટાકા પણ ફેંકવા માટે આસપાસ ન હતા. અમે ઝપાઝપી કરી. 

ગમે તેમ કરી જે બચ્યો એ સામાન, સ્ત્રીઓ અને અમને પોતાને બચાવી લેવા અમારે મરણિયા બનવું જરૂરી હતું. એ લોકોના શરણે થઈ જઈએ તો તો એમના ગુલામ બની જિંદગી કાઢવી પડે! સદભાગ્યે મારા યાત્રીઓમાં ચીનાઓ, હોંગકોંગ તરફના લોકો હતા જેમના કેટલાક તો લશ્કરમાં હતા એટલે લડી લેવાના  મૂડમાં હતા અને એમને એ ફાવે એમ પણ હતું.

કોઈને સહેજ દૂર કીડીઓની રાફડો હાથમાં આવ્યો તે એક કેળ ના પાનથી પણ મોટાં જંગલી પાન પર સેરવી તેમના તરફ ફેંકતો ધસ્યો. તેઓએ તો પ્રતિકારમાં પાણીના કોઈ ડ્રમ જેવી ચીજ લાવી ઢોળી.

અમે હવે સામસામે આવી ગયા. એક ચીનો તો તાઇવાનના લશ્કરમાં હતો. એણે  કોઈ એક ચાંચિયાને પાછળથી હાથ પકડી મરડયો. એને સુવાડી બાનમાં લઇ બાકીનાને છોડાવવાનો એ ચીના સૈનિકનો ઈરાદો હતો એમ લાગ્યું. પણ ત્યાં તો પાછળથી વધુ ઊંચા, જોરાવર ચાંચિયાએ એને જોરદાર લાત મારી ભોંય ભેગો કરી દીધો. એ ઉભો થાય ત્યાં તો ચાંચિયાએ દેશી તમંચો ધર્યો. એ સૈનિકની પાસે પણ ગન, પિસ્તોલ કે એવું કોઈ હથિયાર ક્યાંથી હોય?  અમારી નજર સામે એને ગોળી મારી દેવામાં આવી.

એ ચાંચિયો ભાગે એ પહેલાં અમારા કોઈ બહાદુર યાત્રી ડાઇવ મારી એની તરફ કૂદ્યા પણ એને પકડી બાથ ભરી પછાડે ત્યાં પાછળથી બીજા ચાંચિયાએ એની પીઠમાં દૂરથી ખંજર ફેંક્યું. એ ખૂંપી જતાં જ લોહીના ફુવારા સાથે એ યાત્રી ઢળી પડ્યા.

અમને પકડીને એ લોકોએ પુરુષોના હાથ બાંધ્યા. જોતજોતામાં એ લોકો  અમારા સામાનમાં સારી લાગતી બેગો પણ ઉઠાવી ગયા અને 45 વર્ષથી નીચેની બધી જ સ્ત્રીઓને  પણ વાળ પકડી ઢસડતા, ખભે ઉપાડીને લઇ ગયા. 

હાથ બાંધેલા અમે એની પાછળ દોડયા પણ જે એકાદો દોડવીર તેમને આંબી શક્યો એનો  એ લોકોએ ઊંચકીને  દરિયામાં ઘા કર્યો.  એણે બાંધેલા હાથે કિનારા તરફ  તરતાં આવવા કોશિશ કરી પણ એક પ્રચંડ મોજાં સાથે દરિયામાં ખેંચાઈ ગયો. અમે એની  તીવ્ર મરણચીસ સાંભળી. શું કરી શકીએ?

ક્રમશ: