5. અવકાશી તોફાનની એ ક્ષણો
પણ હું ભગવાન ન હતો. મેં એક થડકાર સાંભળ્યો. એક આંચકો. આ બેય શબ્દો અત્યંત નાના છે. બૉમ્બ ફૂટ્યો હોય એમ બહાર ભયાનક ગર્જના સાથે વિમાન ધણધણી ઉઠયું. હવાની એક જોરદાર થપાટે એ આડું પડયું અને ઘુમરડી ખાઈ ઊંધું પણ પડી ગયું. મેં મુશ્કેલીથી એને ફરી ઝટકા મારી ચત્તું તો કર્યું. ઓક્સિજન માસ્ક લેવા પેસેન્જરોને એનાઉન્સ કર્યું પણ વિમાન સ્થિર થાય તો એ લોકો મોં પર માસ્ક લઈ શકે ને? કાન ફાડી નાખે એવા મોટા ગડગડાટ અને સામે આંખો આંજી દે તેવો છેક ઉપરથી નીચે જમીન સુધી પ્રચંડ વીજ પ્રકાશ. મેં થાય એટલી ગતિ વધારી, વિમાન સીધું રોકેટની જેમ સડસડાટ ઊંચે લીધું. હું અને ઉતારુઓ સીટમાં પછડાઈ છત ભણી જોઈ રહ્યા. વાદળમાં ઘસાતાં સરરર.. અવાજ આવ્યો.
અહીં કયો કંટ્રોલ ટાવર મને સૂચના આપે?
આવા ભયાનક તોફાનમાં મને ઓચિંતી મારા પ્રિય ગીતની પંક્તિ યાદ આવી
“ગરૂડ સમાણું વિમાન મારૂં સરરર ઊંચે ચડશે
વીજ વિલસતાં વાદળ વીંધી આકાશે જઈ અડશે”.
મને મારી પર જ ગુસ્સો આવ્યો.અત્યારે આ ગીત યાદ કરવાનો સમય છે?
એક જોરદાર ધક્કો લાગ્યો અને વિમાન ની એક પાંખ વળી ગઇ. વીમાન ભમરડા ની જેમ ચક્કર ચક્કર ફર્યું. મેં અને મારા કો.પાયલોટે એને જેમ તેમ કરી અંકુશમાં લીધું. હવે અમને પરમિટેડ ઊંચાઈથી વધુ ઊંચાઈએ વિમાન લઈ જવું મુનાસિબ લાગ્યું. હવામાન થોડું શાંત થાય એટલે નીચે લઈએ.
બાકી હતું તે દિશાસૂચક ડાયલ અને કંપાસ પણ આમ તેમ ધ્રૂજે. કોઈ કંટ્રોલ કામ ન કરે.
કોઈ આપણને વાળ પકડી ડુબાડે એમ ઉપરથી 35 ડિગ્રીના ખૂણેથી જોરદાર ફોર્સ આવ્યો અને વિમાન નોઝ ડાઈવ લેતું હોય એમ સીધું જમીન તરફ ઘસ્યું. નિફ્ટી ઘૂમરી ખાવા જઈ રહેલ વિમાનને એક જોરદાર આંચકાથી ટર્ન આપી સીધું રાખ્યું. મેં પૂરી તાકાતથી થ્રોટલ ખેંચી વિમાન વાદળો અને વીજળીના ગડગડાટ વચ્ચે થી ઊંચે લીધું. વાદળો એના કરતાં ક્યાંય વધુ બળથી ટકરાયાં.
અમે કશું જ જોઈ શકતા ન હતા. વીજળીના તોફાનની અસરે થોડી જ વારમાં બધા કંટ્રોલ ઠપ્પ કરી નાખ્યા.
મેં જોયું કે અમારો જીપીએસ કામ કરતો બંધ થઈ ગયો હતો. એટલા બળવાન જર્ક પછી સ્પીડોમીટર નો કાંટો અને.. લો, દિશાસૂચક કંપાસ પણ બંધ થઈ ગયાં!
તોફાન થોડું ધીમું પડ્યું પણ અમે હવે સાવ ભગવાન ભરોસે, ના , કોઈ પણ ભરોસા વિના દિશાહીન આમ થી તેમ ફંગોળાતા ઉડી રહ્યા હતા. ના દિશા સૂઝે, ના કેટલે ઊંચે અને ક્યાં છીએ એની ખબર પડે. એક નુકસાન પામેલી પાંખ સાથે અમે જેમ તેમ કરી ઊડવાનું ચાલુ રાખ્યું. વિમાનની બધી જ લાઈટો પણ ફેલ થઈ ગઈ. ટ્રાન્સપોન્ડર પણ નિષ્ક્રિય થઈ ગયું. મરણ પામતા ડચકાં ખાતા માણસ ની જેમ મેપ પણ આમ થી તેમ ગોળગોળ ફરી બંધ થઈ ગયો. છતાં હજુ સંદેશ જવા ચાલુ હતા એમ લાગ્યું. મેં પૃથ્વી તરફ સિગ્નલો મોકલવાં શરૂ કર્યાં.
અથડાઇને કોઈ સિગ્નલ પરત મળ્યાં પણ ખરાં.
મને વળી કડીઓ યાદ આવી -
“ગરવા રવ વિમાનના મારા પૃથ્વી પર પડઘાશે
ઝીલીશ એને હું એ તો આભ મહીં ફેલાશે.”
મેં નજીક જે હોય તે કંટ્રોલ ટાવરને SOS મેસેજ મોકલ્યો પણ અમારી સંદેશાવ્યવહારની સિસ્ટિમ પણ બંધ થઇ ગઈ હતી!
છેલ્લે બેંગકોક કંટ્રોલે મને ચેતવેલો કે આગળ હવામાન ખરાબ હોઈ શકે છે પણ આવી તો કોઈને કલ્પના નહીં હોય. હવે નજીક કોણ? હોંગકોંગ કે બૈજિંગ?
કોઈ નહીં. માત્ર અને માત્ર ભગવાન. એ પણ તો જ મદદ કરે જો હું સમજીને હિંમત કરૂં. મને લાગ્યું કે હું ઉત્તર ને બદલે દક્ષિણમાં સુકાન ફેરવી ગયો છું અથવા પેલા નાના તોફાને ફેરવી નાખ્યું છે. પેલી ઉષાની લાલિમા દેખાતી ન હતી, ન તો હિમાલય. અત્યારે તો પુરપાટ દોડતા જ્યાં નજીક કોઈ જમીન દેખાય ત્યાં પહોંચવું બહુ જરૂરી હતું.
ક્રમશ: