MH 370 - 13 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 13

Featured Books
Categories
Share

MH 370 - 13

13.  જીવતે જીવ નર્ક

હવે અમારે ખાવા પીવાની તકલીફો વધવા લાગી. ત્યાં એક દિવસ કોઈ ખૂણે મોડી  રાત્રે ચોકી કરતાં પેલા સૈનિક ભાઈને કોઈ સાપ મળ્યો. એણે ત્યાં ને ત્યાં કોઈ ડાળીથી  એને દબાવી એક ચપ્પુથી સાપનું ડોકું અને પૂંછડી ઉડાવી દીધાં અને નજીકમાં સળગાવી રાખેલા અગ્નિમાં નાખી શેકી દીધો.

અમારે કાંઈ અહીં બ્રેકફાસ્ટ, મીલ, ડિનર ના ટાઈમ થોડા હોય? ખોરાક મળે એટલે ખાઈ લઈએ. એ સાપનું જ માંસ ટુકડો ટુકડો ઘણા યાત્રીઓએ ખાધું.

ચીનાઓ કહ્યા એટલે થઇ રહ્યું. એ લોકોને પેલા સૈનિકે બતાવ્યું એટલે  રોજ એ તરફ જઈ જ્યારે મળે ત્યારે કોઈ સાપ પકડી એનું માથું, પૂંછડી કાપી ટુકડા કરી ખાવો શરુ કર્યો.

બીજા બધાને પણ આવું ન છૂટકે ખાવું પડ્યું. પીવાના પાણીનું શું? હવે અમે સો સવાસો લોકો બચેલા. કોઈ જળસ્ત્રોત નજીકમાં ન લાગ્યો. અત્યારે પ્લેનમાંથી જ મળેલ કોઈ વાસણમાં દરિયાનું પાણી ઉકાળી જેવું રહે એવું સાવ ઓછું પીવા લાગ્યા.

અમારાં વસ્ત્રો ફાટી જવા લાગ્યાં અને હતાં તે સખત ગંધાવા લાગ્યાં. કોઈ ને કોઈ કામ માટે પરસેવો પાડવો પડતો અને દરિયાનું જ પાણી નજીકમાં ઝંપલાવી ડૂબકી મારી નહાઈને ત્યાં જ કપડું બોળી લેવાનું એને કપડાં ધોયાં ગણી લો. ખારાં પાણીને કારણે કપડાં જલ્દીથી જાડાં થઈ ગયાં, ચિરાવા લાગ્યાં.

અમે હવે જીર્ણ થઈ ગયેલી સીટો નાં કવર ખેંચી ફાડી પ્રથમ  બચેલી સ્ત્રીઓને ઉપર નીચેના અંગો ઢાંકવા આપ્યાં, વધ્યાં ઘટ્યાં અમે કેડ નીચે જેમ તેમ કરી વીંટવાં શરૂ કર્યાં. હવે કોઈને બીજા સ્ત્રી કે પુરુષનું નગ્ન શરીર જોઈ કોઈ જ લાગણી થતી ન હતી. આમેય અમે ગંધારા, વાળ દાઢી વધી ગયેલા કુરૂપ દેખાતા હતા.

તો આવી આદિવાસી જિંદગી ક્યાં સુધી જીવવી? અમે પુરુષોએ એક તરફ અને રહી સહી સ્ત્રીઓએ બીજી તરફ જઈ ટાપુ નજીકમાંથી કોઈ દરિયાઈ માર્ગે એક વખત  અહીંથી બહાર નીકળવા નક્કી કર્યું.

એ માટે હવે ગમે ત્યાંથી, ગમે તેવાં લાકડાં ભેગાં કરી તરાપા બનાવવાનું નક્કી કર્યું પણ અહીં સરખાં લાકડાં પણ મળતાં નહીં. કાં તો કોહવાઈ ગયેલાં હોય કાં તો ભાંગી જ ન શકાય એવાં મજબૂત. છતાં અમે પ્રયત્નો ચાલુ રાખ્યા.

આમને આમ બીજા  થોડા દિવસો વહી ગયા. કો પાઇલોટ અને કોઈ ઉતારુએ  લૂંટાઈ ગયા પછી બચેલી ખાલી સૂટકેસમાં પાણી ભરી લાકડીઓ ખોસી તરાપા  બનાવ્યા. પણ એ  ટચૂકડા તરાપા ટાપુની આજુબાજુ જવા કામ લાગે, એના ઉપર હજાર માઈલ  જેટલે દૂર થોડું જવાય? 

જેનામાં શક્તિ બચી હતી એવા  કેટલાક લોકો  લાકડાંઓ કાપી, રેસાઓથી તરાપો બનાવવા લાગ્યા. પણ મધ દરિયે આપણું સ્થાન જાણ્યા વગર તરાપો કઈ દિશામાં, કેટલે દૂર લઇ જવો? તરાપો તૈયાર થાય એટલે ટાપુથી થોડા દૂર જવું એમ નક્કી કર્યું. 

 

અમારા પ્રયત્નો ચાલુ જ હતા.  આ ટાપુ એવી વિચિત્ર જગ્યાએ હતો કે અહીં સાચે જ કાળો કાગડો પણ ફરકતો ન હતો. કોઈ પ્રાણીનું અસ્તિત્વ જ ન હતું. ખાવા માટે બે ચાર દિવસ સુધી કશું મળતું નહીં.

હવે રહેલા સહ યાત્રીઓ ગમે તે ખૂણે જઇ જે મળે એ ખાવા લાગ્યા.

એટલું સારું હતું કે ઉનાળો શરૂ થતાં અહીં મચ્છરો પણ હવે નહોતાં!  એટલે કોઈ મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા તાવથી મર્યું નહીં.

છતાં, ગમે તે ખાઈને  કે ભૂખમરાથી થોડા ઉતારુઓ મૃત્યુ  પામ્યા. રોજ બે ચાર લોકો એમ મરવા લાગ્યા. કોઈ ખોરાક મળતો ન હતો, ઉનાળો શરૂ થતાં પાણી પણ મળવું દુષ્કર હતું.

જેઓ મર્યાં એનાં  શરીર ખાવા બીજા કેટલાકે પ્રયત્ન કર્યો પણ મેં એમને બળપુર્વક અંકુશમાં લઇ લીધા. જીવવા માટે અંદરોઅંદર લડાઈઓ થવા લાગી. 

કાંઈ ન મળે તો જે મર્યા એને શેકીને ખાઈ જવા સુધી એ બધા તૈયાર થઈ ગયા! મેં અને કો પાયલોટ, બચેલી એક માત્ર એર હોસ્ટેસે એમને માંડ અંકુશમાં રાખ્યા.

અત્યારે પેલા આદિવાસીઓ ક્યાંથી આવ્યા હશે? એ શોધવું જરૂરી લાગ્યું.

ક્રમશ: