4. શું બન્યું એ દિવસે?
હું 32000 ફીટની ઊંચાઈએ ઉડી રહ્યો હતો. કલાકના 1000 નોટિકલ માઇલની ઝડપે. વિશાળ આકાશમાં પ્રભાત ખીલવાને થોડી વાર હતી. માના ખોળે શિશુ સુવે એમ મારા પેસેન્જરો પાછલી રાતની મીઠી ઊંઘ માણી રહયા હતા. બૈજીંગ કંટ્રોલ ટાવરનો સંપર્ક હવે થશે એટલે એમને ઉઠાડીશ. આહ, કેવા ઉત્સાહથી તેઓ તેમના સગાવહાલાને ભેટશે, મળશે? સગાંઓ તો રાહ જોતાં ઉભાં જ હશે. મારી ફ્લાઇટ ક્યારેય મોડી ન જ પડે.
મારા મનમાં મારૂં પ્રિય ગીત સ્ફુર્યું:
“વિશાલ આ વિશ્વ તણો હું બનીશ એક વિમાની.
નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઈં નાની….”.
હાસ્તો. મારી દરેક ફ્લાઇટ હું પુરા હોંશથી ઉડાડું છું.
મેં મારાં મુઠી જેવડાં હૃદયમાં મહત્વાકાંક્ષાઓ તો આકાશને આંબવા જેવી સમાવી છે.
મેં મનમાં વિચાર્યું, ‘ચાલો, બહુ વાતો કરી. હવે કામે લાગું.‘ તો હવે સામે દેખાતા કંટ્રોલ બટનો અને ડાયલો સામે જોઉં.
મેં જોયું તો અત્યાર સુધીમાં મેં ઘણું ખરું અંતર કાપી નાખેલું. ઇન્ડોનેશિયાના જાકાર્તા કંટ્રોલે મને ગો અહેડ સિગ્નલ ક્યારનું આપી દીધેલું. થોડી વારમાં હોંગકોંગ કંટ્રોલનો સંપર્ક થશે. નથી થયો એટલી જ વાર.
દૂર આકાશમાં એક લાલ રેખા નીચે ક્ષિતિજે દેખાઈ. ઉગવાની તૈયારી કરતા આદિત્યને મેં મારા ભારતીય રિવાજ પ્રમાણે નમસ્કાર કરવા મસ્તક નમાવ્યું. મનમાં ગાયત્રીમંત્રનું પઠન કર્યું. આગળ સ્વચ્છ, ભુરાશ પડતું કાળું આકાશ હતું. દુર સફેદ વાદળો દ્રષ્ટિગોચર થયાં.
મેં વિમાનને થોડે ઊંચે લીધું.
મને પંક્તિ યાદ આવી
“ ગરુડ સમાણું વિમાન મારું સરરર ઊંચે ચડશે..”
અને મનમાં મારા પ્રિય યાત્રિકોને સંદેશો પાઠવ્યો-
“...વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં
સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું .”
કદાચ સમયથી થોડો વહેલો પણ. જો પવન અનુકૂળ હોય અને તુરત ઉતરવાનું સિગ્નલ મળે તો.
1200 નોટિકલ માઇલ્સ પ્રતિ કલાકની તેજ ગતિ પર પણ મારી ગરુડ જેવી આંખો નીચે પુરી ચાંપતી નજર રાખતી હતી. આસપાસ મારા અંકુશમાં હતું.
મને બીજું શાળામાં ભણેલું ગીત યાદ આવ્યું
“God is in his heaven
All is right with the world.”
મારી બાજ નજરે ક્ષિતિજમાં દ્રષ્ટિ કરી. All was not right. ઓચિંતાં સફેદ પર્વત જેવાં, ઉડતા હિમાલય જેવાં વિશાળ અને વિકરાળ વાદળો ડાબેથી વેગભર્યા પવનો સાથે મારા વિમાન તરફ ધસતાં દેખાયાં. ઠીક, હિમાલય તરફથી તોફાન આવી રહ્યું છે. મેં રફ વેધર હોઈ સહુને પટ્ટીઓ બાંધવા એનાઉંસ કર્યું. નીચે વિમાનને અથડાતાં વાદળો કે હવાનાં પોકેટ ઉબડખાબડ રસ્તા પર આવતા પથ્થરો જેવું કામ કરે. વિમાન એની સાથે ટકરાય તો સંભાળવું ખૂબ મુશ્કેલ બને. અને એ ઉછાળો પાંચ છ ઇંચ નો નહિ, પાંચસો ફૂટનો હોય. હવા જ જો ઓટોપાયલોટ પર ભર દોર માં પતંગ ઉડે તેમ સરર .. ઉડાડે તો એ જ હવા મોટી દીવાલ બની વિમાનના ચૂરેચૂરા પણ કરી શકે. વિમાન હવાના પડળો અને વાદળો સાથે અથડાતું ઉછળવા લાગ્યું. આડું અવળું થતું પછડાટો ખાવા લાગ્યું. ગાઢ વાદળો વચ્ચેથી ઘનઘોર અંધકારમાંથી પસાર થયું. હવાની થપાટો ખાતું આમથી તેમ અથડાવા લાગ્યું. મારે ઘડીમાં એને સીધું દિવાળીના રોકેટની જેમ આકાશ તરફ લેવું પડ્યું તો ઘડીમાં એકદમ નીચે ડાઇવ મારી મહા મહેનતે ગાઢ વાદળો અને તોફાની હવાના પેકેટો થી બચાવવું પડ્યું. મહા મહેનતે એને અંકુશમાં રાખ્યું. યુદ્ધમાં ઘેરાયેલા સુદર્શનચક્રધારી શ્રીકૃષ્ણ જેમ યોદ્ધાઓના બાણો વચ્ચેથી રથ ભગાવી ગયેલા એમ આ 239 અર્જુનો સાથે હું મારો રથ લઈ ભાગ્યો. એ કલ્પિત સુદર્શનચક્રથી જે વચ્ચે આવે એનો વિનાશ કરતો હું ચાલ્યો. કરેંગે યા મરેંગે. ના. મરવું શું કામ? કરેંગે, ઔર જીતેંગે. હોંગકોંગનો હોંકારો મળે એટલી જ વાર.
પણ ત્યાં તો ચારે બાજુ વીજળી પણ થવા લાગી. આ તો અવકાશી વીજળી. વિમાનને એક ક્ષણમાં બાળી પણ નાખે.
એ વિરાટ સામે બાથ ભીડી જીતે એ ભગવાન.
ક્રમશ: