MOJISTAN - SERIES 2 - Part 8 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 8

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 8

બાબાનો સન્માન સમારંભ પૂરો થયો.

ગામલોકો બાબા પ્રત્યે અહોભાવ લઈને પોતપોતાના ઘરે ગયા. જાદવો અને ચંચો બહાર નીકળ્યા એટલે એ લોકોની રાહ જોઈને ઊભેલા ટેમુએ એ બેઉને આંતરીને ઊભા રાખ્યા.

"તમે બેય સભામાં બેઠાબેઠા જે વાતું કરતા'તા ઈ મેં સાંભળી છે. હું તમારી વાંહે જ બેઠો'તો. તમારી દ્રષ્ટિએ આ ગામમાં કોઈ માણસ સારો નથી બરોબર? બાબાને, તખુભાને ને હુકમચંદજીને તમે બેય ગાળ્યું દેતા હતા ઈ મેં કાનોકાન સાંભળ્યું છે. તમે બેય કેવીના છો ઈ તો આખું ગામ જાણે છે!"

જાદવો અને ચંચો ટેમુની વાત સાંભળીને ગભરાયા. જાદવો તરત બોલ્યો, "ઈ તો આ ચંચિયો ડોઢ ડાયો થાતો'તો. હું ઈને કેતો'તો કે બવ નો બોલ્ય. બાબાલાલ તો ગનાનની વાતું કરતા'તા. તખુભા તો મારા ભગવાન સે હું ઈમને ગાળ્યું થોડો દવ? હુકમસંદ જેવા સર્પસ બીજું કોય નો થઈ હકે. આ ચંચિયાને સું ભાન પડે..બે બદામનો હાળો. આની પાંહેય નો બેહાય હે હે હે..."

"સાવ ઈમ નો હોય હો..હું એકલો કાંય નોતો કે'તો. જાદવાભય તમે ફરી નો જાવ. તખુભા તમારી ભેંસ ખઈ જ્યા સે ઈમ તમે નો'તું કીધું? બાબાલાલનેય તમે ગાળ્યું દીધી'તી. આતરે બધું મારી ઉપર્ય નો નાંખો યાર.."

"કાં..? ફાટી રયને બેયની? વેંત નો હોય ને તો વાતું નો કરાય. હવે તમે બેય જોઈ લેજો. તખુભા તોડી નાખશે ને હુકમચંદ હલાલ કરી નાંખશે. મોઢે મીઠું મીઠું બોલો છો ને પાછળથી ગાળો આપો છો. બેયની ખેર નથી જોઈ લેજો.."

 જાદવો અને ચંચો એકબીજાને તાકી રહ્યા. હવે ટેમુના પગ પકડ્યા વગર છૂટકો નહોતો.

"ભાય ટેમુ તારી ગા છવી. ભલો થયન કોયને કાંય કેતો નય. તું જીમ કશ ઈમ કરવા તિયાર છવી.." જાદવાએ હાથ જોડયા. 

"ટેમુડા..સોરી હો. ભૂલ્ય થય જય. હવે કાંય નો બોલવી બસ?" ચંચો પણ ગભરાઈને બોલ્યો.

  "ઠીક સે. હું ફોન કરું એટલે આવી જાજો. મારું કામ કરી દેવું જોશે. નકર હું તમારી વાટ લગાડી દશ. જાવ હવે જાતા હો ત્યાં.." ટેમુએ બેઉને છુટ્ટા કર્યા.

*

 જાદવાની પત્ની જડીને છાતીએ જડવાની અબળખા રઘલાને ભારે પડી હતી. છેલ્લે લખમણિયા ભૂતનો વેશ લઈ એ જાદવાના ઘરમાં ઘુસેલો એ યાદ છે ને? એ વખતે ભેંસને ભાગતી રોકવાનો ડેરો લઈને જાદવાએ રઘલાને ધોયો હતો. ડો. લાભુ રામાણીએ એની ભાંગી ગયેલી કમર માંડ સાજી કરેલી. છતાં એ જડીને ભૂલતો નહોતો. જડી એની સાથે ન રહી ખડી એ વાતનો એને જેટલો અફસોસ નહોતો એના કરતાં દસગણો અફસોસ જડી ધૂળિયાની ધૂળમાં પડી એ વાતનો અફસોસ રઘલાને હતો.

ધુળિયો જાદવાની ગેરહાજરીમાં જડીને જડતો. રઘલાને એ બહુ ખૂંચતુ હતું. જેટલું ધ્યાન જાદવો રાખી શકતો નહોતો એટલું ધ્યાન રઘલો રાખવા લાગ્યો હતો. પોતાને ન મળેલી જડીને, નડીને રઘલો ખુશ થતો. 

 ગામની સભામાં જાદવાને જોયો એટલે રઘલો તરત જાદવાના ઘર તરફ ભાગ્યો. ધુળિયો અને જડીના મિલનમાં રોડું નાખવાની એને મજા આવતી હતી. 

   રઘલો જાદવાના ઘર પાસે પહોંચ્યો ત્યારે ડેલાની બારી ખુલ્લી હતી. રઘલો તરત જ બારીને ધકેલીને અંદર ઘૂસ્યો. ફળિયું સુમસામ હતું. ઢાળીયામાં બાંધેલી ભેંસે જાણે  રઘલાને  આવકારો આપતી હોય એમ એને જોઈ 'ઓંયહક..' કર્યું. 

 ઓસરીમાં પણ કોઈ નહોતું. રઘલો વિચારમાં પડ્યો, "મારું બેટુ ઘરમાં ચીમ કોય સે નય..! જડકી ઘર ઉઘાડું મેલીને ચ્યાં ગુડાણી હશે? ધુડિયાના ઘરે જય હોય તોય ઘર ઉઘાડું મેલીને તો નો જ જાય ને!" 

 રઘલો ઓસરીની ધારે આવીને બેઠો. ભેંસ 'ઓંહયક...ઓંહયક' કરતી ડોળા કાઢતી હતી. રઘલાને હવે શું કરવું એ સૂઝતું નહોતું. ઓસરીમાં પડતા બંને રૂમના દરવાજા તો બંધ હતા. ધુળિયો ઘરમાં ઘૂસ્યો હોય તોય ડેલીનું બારણું ખુલ્લું તો ન જ હોય એ રઘલો સમજતો હતો. જાદવાના ઘરમાં ચોરી કરવાની તક હતી પણ રઘલાને ચોરીમાં રસ નહોતો. એને તો જડી સાથે જ જડાવું હતું! રઘલો વિચાર કરતો બેઠો ત્યાં જ ડેલા બહાર જડીનો અવાજ સંભળાયો. કોઈ ડોશી જોડે જડી ઘરની કંઈક વાત કરતી હતી. રઘલો ઘરની બહાર નીકળવા ઊભો થયો પણ જડી એ વખતે જ ડેલામાં પ્રવેશીને ડેલું અંદરથી બંધ કરવા અવળું ફરી. રઘલો ઓસરી ચડીને ઓસરીમાં ખૂણામાં પડેલા કપાસના ઢગલા તરફ દોડ્યો. ડેલાની બાજુમાં જ ઢાળીયાની દીવાલ હતી એટલે ડેલામાં આવનાર થોડું આગળ આવે ત્યારે જ ઓસરીમાં ધ્યાન પડતું. જડી એ દીવાલ વટાવીને ઓસરી તરફ આગળ વધે એ પહેલાં રઘલો કપાસના ઢગલાને ઢાંકેલું કપડું ઊંચું કરીને ઢગલામાં ઘુસી ગયો. 

 જડી આવી એટલે ભેંસે ફરી ઓંયહક કર્યું. એટલે જડીએ ભેંસને કહ્યું, "શીના ઓંયકારા કરછ વાલામુઈ. ભારો એક રજકો તો ઝાપટી જઈ સો. પાણીય ગુડયું સે. હજી ભૂખી સો..? તો લે ને મારી બય થોડુંક નીરૂ તને." 

  ભેંસની ગમાણમાં થોડું ઘાસ નાંખી  જડી ઓસરીમાં આવીને બેઠી. ઘરકામ તો ક્યારનું પતી ગયું હતું. બપોરની રસોઈમાં રીંગણાનું શાક અને બાજરાના રોટલા બનાવવાના હતા. રસોઈ કરવાને હજી વાર હોઈ જડી ઓસરીમાં બાંધેલી ખાટે બેસીને ફોનમાં જોવા લાગી. 

  કપાસના ઢગલામાં ઊંધા મોંએ પડેલો રઘલો થોડીવારમાં અકળાયો. શ્વાસ લેવા માટે મોં ઊંચું રાખીને એની ડોક દુઃખી ગઈ. વળી કપાસને જાડું બુંગણ ઢાંકેલુ હતું એટલે ગરમી પણ થવા લાગી. રઘલો પરસેવાથી નિતરવા લાગ્યો. જડીના ફોનમાંથી જુદા જુદા અવાજો આવતા હતા પણ રઘલો એને જોઈ શકતો નહોતો. કપાસના પુમડાં એના મોં પર ચોંટી જતા હતા. રઘલાને હવે ઊંધું સુઈ રહેવું પોસાય તેમ નહોતું. પણ પડખું ફરીને સવળો થવા જાય તો કદાચ જડી જોઈ જવાની બીક હતી.  બૂંગણની આરપાર જરાય દેખાતું નહોતું. રઘલાને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. 

   રઘલાને કલાસના ઢગલામાં સંતાવા બદલ પસ્તાવો થવા લાગ્યો. હવે બહાર નીકળ્યા વગર ચાલે તેમ નહોતું. જે થાય તે જોયું જશે એમ વિચારીને રઘલો બૂંગણ હટાવવા જ જતો હતો ત્યાં જ ડેલું ખખડયું. 

"જડીબોન, ડેલું ઉઘાડો..કપાની ગાંહડિયું માલિકોર નાંખવાની સે.." ડેલી બહારથી સાદ પડ્યો. 

"એ હા...ઉઘાડું હો..'' એમ કહી જડી જઈને ડેલું ખોલ્યું. રઘલાને હવે બહાર નીકળવામાં જોખમ લાગ્યું. 

 જાદવાની વાડીમાં કપાસ વીંણવાનું કામ ચાલતું હતું. વીંણાયેલા કપાસની ગાંસડીઓ લઈ બે મજૂરણો એ કપાસ ઘરે નાંખવા આવી હતી.

"જડીબોન જોખવાનો બાકી સે એટલે આ ગાંહડિયું ઈમ ને ઈમ મેલવાની સે. ચ્યાં મુકવી?" 

 કપાસ વીંણવાની મજુરી વજન પર ચૂકવાતી હોય છે. એટલે જેટલો કપાસ વીણાયો હોય એનું વજન સાંજે કરવામાં આવતું. એ પ્રમાણે મજુરીની હિસાબ થતો. 

"ઓંશરીમાં જો ઓલ્યો ઢગલો પડ્યો સે ને? ઈની ઉપર્ય તમારી ગાંહડિયું મેકી દયો. હજી બીજી ગાંહડિયું આવશે ને?" જડીએ ગાંસડી મુકવાની જગ્યા બતાવી. 

 કપાસના ઢગલા પર ઊંધો પડેલો રઘલો ગભરાયો. પણ રાહ જોવા સિવાય કંઈ થઈ શકે તેમ નહોતું. પેલી બે મજૂરણો ગાંસડીઓ લઈ ઓસરીમાં આવી.

"ઈ ઢગલા માથે મૂકી દે.'' જડીએ કહ્યું.

 પેલી મજૂરણોએ માથા પરથીબંને ગાંસડીઓ ઢગલા ફેંકી. અઢી ત્રણ મણની એ ગાંસડીઓ રઘલાના ડેબા પર ગોઠવાઈ ગઈ. ઊંધો પડેલો રઘલો કપાસમાં બરાબરનો દબાઈ ગયો. એનું માથું કપાસમાં બરાબરનું ફસાયું. ડોક ઊંચી રાખીને એ માંડ શ્વાસ લઈ રહ્યો હતો.

મજૂરણો ગાંસડીઓ નાંખીને જતી રહી. જડી ખાટ પર બેસીને ફોનમાં રીલ્સ જોતી હતી.

રઘલો ડોકી ઊંચી રાખીને થાક્યો. આ રીતે જાદવાના ઘરમાં સંતાવા બદલ હવે એને પસ્તાવો થવા લાગ્યો બળ કરીને એણે ગાંસડીઓ ઊંચી કરી. ગાંસડીઓ લસરીને નીચે પડી.

એકાએક ગાંસડીઓ નીચે પડી એટલે રીલ્સ જોતી જડીનું ધ્યાન ખેંચાયું. કપાસના ઢગલાને ઢાંકેલા કપડાં નીચે એણે માનવદેહ જોયો. તરત જ એ ઢાળીયામાં જઈ ભેંસ હાંકવાનો જાડો સોટો લઈ આવી. પળનોય વિલંબ કર્યા વગર રઘલાની પૂંઠ ઉપર જડીએ ધડાધડ સોટા ઝીંકવા માંડ્યા.

"કોણ સો કુતરી રાંડના..? મારા ઘરમાં હંતાણો સો?" 

રઘલો તરત જ ઊભો થઈ કપડું ઊંચું કરીને બહાર નીકળ્યો. એના મોં, માથા અને હાથ પર કપાસના પુમડાં ચોંટી ગયા હતા. જડીએ બમણા જોરથી એના પગમાં લાકડી ફટકારી.

''ઓય હોય મરી જ્યો..રે..એ..અલી જડકી માર્યમાં...'' એમ બરાડતો રઘલો ઓસરીમાંથી ફળિયામાં નાઠો. 

માથે, મોઢા પર અને હાથે ચોંટેલા કપાસના પુમડાંને કારણે એ ભૂત જેવો લાગતો હતો. એ જોઈ ઢાળીયામાં બાંધેલી ભેંસ ભડકી. એક જ આંચકે ખીલો ખેંચીને ભેંસ ભૂરાંટી થઈ. ઊંચું પૂછડું લેતી એ રઘલાને ગોથું મારવા ધસી. જડી લાકડી લઈને રઘલાની પાછળ દોડી. રઘલો ડેલી તરફ ભાગ્યો. રઘલો ડેલીએ પહોંચે એ પહેલાં ભેંસનું ગોથું એની પૂંઠે આંબી ગયું. ભેંસના ગોથાથી રઘલો હવામાં ઉછળ્યો. બરાબર એ જ વખતે ઘરે આવેલા જાદવો ડેલી ખોલીને અંદર આવ્યો. ઘરમાં ભેંસના બરાડા અને જડીના બુમરાણની એને કંઈ સમજ પડે એ પહેલાં હવામાં ઉછળેલો રઘલો જાદવા પર પડ્યો. જડી લાકડી લઈને દોડી આવી. ભેંસ પણ ફૂંફાડા મારતી ઊભી રહી ગઈ. જાદવો "ઓયહોય બાપલીયા..." કરતો ડેલીના બારણાં સાથે અથડાઈને ગળોટિયું ખાઈને ગયો. ભેંસ, જડી અને જાદવાને જોઈ રઘલો ઊભો થઈને બારી બહાર નીકળીને ભાગ્યો. એ જેવો ડેલી બહાર નીકળ્યો કે તરત જાદવના રોટલા ખાઈને ડેલા પાસે એના ગલુડિયાને ઉછેરી રહેલા ભુરી કુતરી અને કાળિયો કૂતરો હરકતમાં આવ્યા. શરીરે કપાસ ચોંટાડીને ભાગતા માણસની પિંડિયો તોડવી અત્યંત જરૂરી લાગતા એ શ્વાન દંપતીએ રઘલાની પાછળ ભસતા ભસતા દોટ મૂકી.

 રઘલાએ પાછળ આવતા કૂતરાના ભયે સ્પીડ વધારી. પણ જડીએ મારેલી લાકડીઓ અને ભેંસના ગોથાથી ઘાયલ થયેલા રઘલાના શરીરે બહુ સાથ આપ્યો નહિ. એક એક પગે ભુરી અને કળિયો ચોંટી ગયા. બજારે જતા આવતા લોકોએ એ દ્રશ્ય જોઈ કૂતરાઓને તગેડયા ન હોત તો રઘલાને એ બંને કૂતરા ફાડી જ ખાત.

  લોકોનું ટોળું ભેગું થઈ ગયું. રઘલાને તાત્કાલિક દવાખાના ભેગો કરવામાં આવ્યો. આ તરફ ડેલીમાં પડેલા જાદવાને પણ ઈજાઓ થઈ હતી. એનું મોઢું ફળીયાની જમીન સાથે બુરી રીતે ઘસાયું હતું. નાક અને ગાલ પરની ચામડી ઉતરડાઈ ગઈ હતી.

"કોણ હતો ઈ કાળમુખો..નિસના પેટનો આપડા ઘરમાં શું કરતો'તો..'' જાદવાએ રાડ પાડીને જડીને પૂછ્યું.

"રાંડનો કપાના ઢગલામાં હંતાણો'તો. મેં લાકડી લઈને ઢીબ્યો અટલે ભાગ્યો. ઈને ભાળીને ભેંસ ભડકી. પણ તમે આંધળા હતા? ઈ કાળમુખો  ધોડીને તમારી હાર્યે ભટકાણો. ઈને પકડવો નો જોવે? હતો કોણ ઈ રાંડનો..?" જડીએ પણ સામી રાડ પાડી.

"ઈ તો તને ખબર્ય હશે ને! હું ઘરે નો હોય ઈ વખતે કોણ ઘરમાં આવે સે ને જાય સે ઈનો હિસાબ હું રાખું સુ? હાળી પાસી મને પુસે સે." જાદવાએ ખિજાઈને કહ્યું.

"તમારું ડાસુ સોલાઈ જયું સે. જાવ આમ દવાખાને. કોણ આવે સે ને કોણ જાય સે ઈનો હશાબ રાખતા હોય તો હું ચ્યાં ના પાડું સુ. ગામની પંસાતમાંથી ને તખુભાની સમસાગીરીમાંથી ઊંસા આવો તો ઘરની ખબર્ય રેય ને!" કહી જડીએ ભેંસને ખીલે બાંધી.

જાદવાને લાકડી લઈ જડીને ઢીબવાનું મન થયું. પણ જડી જબરી હતી. એને ઢીબવા જતા પોતે જ ઢીબાઈ જશે એની જાદવાને ખબર હતી. એટલે એ કંઈ બોલ્યા વગર દવાખાને જવા ડેલીમાંથી બહાર નીકળ્યો.

 દવાખાને એને રઘલાનો ભેટો થવાનો હતો!

(ક્રમશ:)