MOJISTAN - SERIES 2 - Part 9 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 9

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 9

રઘલાને દવાખાને લવાયો ત્યારે લાભુ રામાણી એમના કવાટર પર આવીને બેઠા હતા. નર્સ ચંપા સાંજની બસમાં બરવાળા જતી રહી હતી. દવાખાને કમ્પાઉન્ડર કમ પ્યુન ઉગો હાજર હતો. બંને પિંડીઓમાંથી વહેતુ લોહી જોઈ એણે તરત નિદાન કર્યું, "કૂતરાએ પિંડીયુના લોંશરા કાઢી નાયખા લાગેસ. આ કેસ આંય રીપેર નય થાય. ઝટ આને બરવાળા ભેગો કરવો પડશે નકર આને હડકવા ઉપડી જાતાં વાર નય લાગે. હું પાટાપિંડી કરી આલું.. હુવડાવી દયો બાંકડા ઉપર્ય."

"અલ્યા ઉગલીના..તું દાગતર સો? નાજા દાનાને કૂતરું કયડયું'તું ઈ વખતે તો આંય જ અંજીસન દીધા'તા. ચ્યાં સે દાગતર? પેલા ઈમને જોવા તો દે.'' રઘલા સાથે આવેલા અરજણે કહ્યું.

"દાગતર સાયેબ... ઈમ બોલવાનું હમજ્યો? તું કાંય ઈમની કરતા મોટો નથ તે ખાલી દાગતર કેસ. ગામમાં સભા હતી ઈમાં ભાષણ કરવા જ્યા સે. અતારે ઈ થાકી જ્યા હોય. અટલે આવી નો હકે. હું કવ ઈમ કરો..આને જલ્દી ડુંટી ફરતે સવુદ અંજીસન ઠોકવા જોહે. બરવાળે નો જાવું હોય તો પેલું અંજીસન હું ઘોદાવી દવ. ઈમ તો સંપાબેન નો હોય તો હું ઘણાને અંજીસનનો ઘોદો ઝીંકી જ દવ સુ. મને ફાવે સે..પણ મારું કામ અંજીસન દેવાનું સે નય. સતાં તમારે દેવરાવવું હોય તો ઈનો સારજ અલગથી દેવો જોહે. અંજીસન ઘોદાવવાના હું પચ્ચા રૂપિયા લશ." ઉગલાએ કહ્યું.

"તું દોઢ ડાયો થિયા વગર્ય સાનુમુનો દાગતરને બોલાય. નો જોયો હોય તો મોટો અંજીસનનો ઘોદો મારવાવાળીનો! તને દવાખાનામાં કસરાપોતા કરવા રાયખો સે. તું તારી જાતયને દાગતર શીનો હમજી બેઠો સો. જા આમ ઝટ બોલાવી લાવ્ય દાગતરને..!" રઘલા સાથે આવેલા પમાએ ખિજાઈને કહ્યું.

"દાગતર સાએબ ઈમ બોલવાનું સું? તોસડાઈ આંય નય હાલે. ચ્યાંથી કૂતરું કયડાવીને લાયા સો?" ઉગલો વહીવટ મુકતો નહોતો.

"અલ્યા કયડાવીને નથી લાયા. આ રઘલો બજારે ધોડ્યો ઈમાં વાંહે થિયા હશે. તું વાયડું થિયા વગર્ય જા ને ઝટ દાગતરને બોલાય ને..!" અરજણને હવે દાઝ ચડી રહી હતી.

"તોય દાગતર બોલ્યો? કીધું ને તોસડાઈ નય કરવાની. તે હું ઈમ પુસુ સુ કે આ રઘલો બજારે ધોડ્યો સું કામ? ઈમ બજારે કૂતરાં બેઠા હોય ન્યા ધોડાય? આમાં કૂતરાંને સું હમજવાનું? કૂતરાંને વાંહે ધોડવું પડે એવું સું લેવા કરવું પડ્યું ઈનું કારણ લખાવવું જોહે. કારણ કે ઈમ સરકાર કાંય નવરીની નથી તે મફતના અંજીસન દેતી ફરે. પચ્ચા રૂપિયા હોય તો હું પેલું અંજીસન ઘોદાવીને પાટા પિંડી કરી આલું. તમે બરવાળે જાસો તોય પચ્ચાનું પેટ્રોલ તો બળી જ જાશે. લ્યો ઝટ નક્કી કરો."

  રઘલો દવાખાનાના પગથિયાં પર બેસી પડ્યો હતો. એની બંને પિંડીઓ બળતી હતી.

"અલ્યા આ સરકારી દવાખાનું સે. તું પચ્ચા રૂપિયા શીનો માંગસ. તારી ફર્યાદ સરપંચને કરવી જોહે. મારે તારી કને અંજીસન મરાવવું નથી. જા ઝટ લયન દાગતરસાહેબને બોલાવી લાવ્ય." રઘલાએ કહ્યું.

"તો કાંય નય. દાગતરસાયેબ તો અતારે દવાખાને નય આવે. મોડું થાહે તો હડકવા ઉપડસે. મારા બાપનું હું જાય સે." કહીને ઉગલો દાંત ખોતરવા લાગ્યો.

 "જા ભાય અરજણ તું સાયેબને બોલાય. આ નવરીનો પચ્ચા રૂપિયા માંગે સે ઈય કેજે." ફુલાએ અરજણને કહ્યું. 

 બરાબર એ જ વખતે જાદવો છોલાયેલુ મોં લઈને દવાખાને આવ્યો. એણે રઘલાને ઓટલા પર બેઠેલો જોયો. એણે પહેરેલા કપડાં પરથી જાદવાએ એને ઓળખ્યો.

"તારી જાતનો રઘલો મારું..મારા ઘરમાં સું લેવા હંતાણો'તો. નીસના તું મારી ઉપર્ય પડ્યો ને મારુ ઝાડુ સોલી નાયખું. હું તને આજ જીવતો નય મેલું.." કહી જાદવો રઘલાને મારવા દોડ્યો. 

જાદવાને જોઈ રઘલો ભડક્યો. ઊભો થઈને એ દવાખાનામાં ઘૂસ્યો. રઘલાને દવાખાને લઈને આવેલા અરજણ સહિતના બે ચાર જણ જાદવા આડા ફર્યા. જાદવાએ એ લોકોને ધક્કો માર્યો. પમલાએ જાદવાનો બુશકોટ એની ડોકી પાછળથી પકડ્યો. ભાગતા જાદવાનો બુશકોટ પાછળથી ખેંચાતા એના બટન તૂટી ગયા. ચરરર..અવાજ સાથે બુશકોટ પણ ફાટ્યો. જાદવાએ પાછળ ફરીને બુશકોટ પકડનાર પમલાના મોઢા પર એક ઢીકો ઠોકયો.

અરજણે દોડીને જાદવાના હાથ પકડ્યા. ગુસ્સે ભરાયેલા જાદવાએ અરજણના પગમાં પાટુ માર્યું. એ વખતે દવાખાનામાં પેસેલા રઘલાને જોઈ ઉગલો ખીજાયો. એને પચાસ રૂપિયા આપવાની ના પાડનાર રઘલો મફતમાં સારવાર કરાવવા અંદર ઘૂસ્યો હોવાનું સમજી એણે રઘલાને ધક્કો માર્યો. રઘલો ગબડીને બાંકડે બેઠેલા હરજી પર પડ્યો. હરજીને તાવ આવતો હતો એટલે એની ઘરવાળી એને દવાખાને લઈને આવી હતી. હરજી પર પડેલા રઘલાને ગાળ દઈને હરજીની ઘરવાળીએ એના મોઢા પર બે લાફા મારી દીધા. બીજા એક દર્દીએ રઘલાના પગ પકડીને એને ઢસડયો. એ વખતે ઉગલાએ રઘલાના પેટમાં પાટુ ઝીંકયું. રઘલાએ ઉગલાનો પગ પકડીને મરડ્યો. ઉગલો હરજીની ઘરવાળી પર પડ્યો.

હરજીની ઘરવાળી કડેઘડે હતી. "હાય મુવા આઘો મર્યને..!" એમ રાડ પાડીને એણે ઉગલાને ધક્કો માર્યો. રઘલો એ વખતે બેઠો થઈ ગયો હતો. ઉગલો હડસેલાઈને એક ખૂણામાં મુકેલી લોખંડના સળિયાની ઘોડી સાથે અથડાયો. એ ઘોડી પર મુકેલું પાણીના માટલું ઉગલાના ઢીંચણ પર પડીને ફૂટ્યું. ઉગલાના ગળામાંથી રાડ નીકળી ગઈ. દવાખાનામાં પાણીના રેલા ચાલ્યા. બેઠા થયેલા રઘલાએ ઉગલાનો એક પગ ખેંચીને મરડ્યો. અંદર મચેલું દંગલ જોઈ બહારથી રઘલાનો દોસ્ત ફૂલો દોડીને અંદર આવ્યો. પાણી ઢોળાવાથી ચીકણી થયેલી લાદીને કારણે લપસીને એ રઘલા અને ઉગલા પર ઝીંકાયો. 

  જોરાવર જાદવો અરજણ અને પમલાને મારીને અંદર ધસ્યો. પમો અને અરજણ એને પકડવા એની પાછળ ધસ્યા. માટલાનું પાણી બારણાં સુધી ફેલાયું હતું. રઘલો, ઉગલો અને ફૂલો ઉભા થવા જતા હતા એ વખતે જાદવાએ લપસીને ગડથોલિયુ ખાધું. બેઠી દડીનો જાડિયો જાદવો પેલા ત્રણેય પર ઝીંકાયો. પાછળ આવતા અરજણ અને પમલો કંઈ સમજે એ પહેલાં એ પણ લપસીને જાદવા પર પડ્યા.

  જાદવાનો મગજ ફાટફાટ થઈ ગયો. સૌથી નીચે પડેલો ઉગલો રાડો પાડતો હતો. રઘલો એને ગાળો દેતો હતો. ફૂલો જાદવા નીચેથી બહાર નીકળવા મથતો હતો. પમો અને અરજણ બેઠા થઈને ચારેકોર જોઈ રહ્યા હતા. જાદવાએ એ બેઉના બરડામાં એક એક ઢીકો ઠોકીને  રઘલાના વાળ પકડ્યા. રઘલાએ જાદવાના ગાલ પર નખ ભરાવ્યાં. ફુલાએ જાદવાના ડેબા પર ઢીકા ઠોક્યાં. ઉગલો સરકીને માંડમાંડ દૂર ખસ્યો. 

   પમા અને અરજણે પણ હવે મગજ ગુમાવ્યા હતા. જાદવાના પડખામાં એ બેઉએ ઢીકા મારવા માંડ્યા. જાદવો રઘલાને લાદી પર ચત્તો પાડીને એની છાતી પર ચડી બેઠો. જાદવાએ એક હાથે રઘલના વાળ પકડીને બીજા હાથે એના મોં પર ગડદા ઠોક્યાં. જાદવાનો બુશકોટ ફાટી ગયો હતો. એના ખુલ્લા ડેબામાં ફૂલો ઢીકા મારવા લાગ્યો.

  દૂર ગયેલો ઉગલો ઊભો થઈને પાછળના ભાગેથી લાકડી લઈ આવ્યો. જાદવાને મારતા ફુલા, અરજણ અને પમલાને એણે એક એક લાકડી ઠોકી.

 હરજીની ઘરવાળી સાચવીને દવાખાના બહાર નીકળી. 

"એ ધોડજો.. ધોડજો...દવાખાનામાં ધીંગાણું થિયું સે..ઝટ હાલો નકર એક બે જણાના ખૂન થઈ જાહે.."

  દવાખાના બહાર ઢોરને પાણી પીવા માટેનો અવેડો હતો. ભુરો અને ભીમો એના બકરા લઈને અવેડા તરફ જતા હતા. હરજીની ઘરવાળીની રાડ સાંભળીને એ બેઉ તરત જ દોડી આવ્યા. એની પાછળ બીજા એક બે જણ પણ દોડી આવ્યા. દવાખાના અંદર મચેલું દ્રશ્ય જોઈને ભુરો અને ભીમો તરત જ અંદર ગયા. ઉગલાના હાથમાંથી લાકડી લઈને એને ભૂરાએ એકબાજુ ધકેલ્યો. ભીમાએ પમાં અને અરજણને પકડી રાખ્યા. બીજા એક જણે ફુલાને પકડ્યો. રઘલા પર ચડી બેઠેલા જાદવાને ભૂરાએ બથમાં લઈને એકબાજુ ખેંચ્યો ત્યારે રઘલો માંડ છૂટ્યો. 

   દરેકના મોંમાંથી નીકળે એવી ગાળો વરસી રહી હતી. જીવ પર આવી જઈ ઝગડી રહેલા જાદવા અને રઘલાની ટોળીને માંડ શાંત પાડવામાં આવી. 

"દવાખાને આવીન માટલું ફોડી નાયખું સે. દવાખાનાના કરમસારી ઉપર્ય હુમલો કર્યો સે. હું કોયને નય સોડું. હું રઘલા, ફૂલીયા, પમલા અને અરજણીયા ઉપર્ય કેસ કરીસ. ઈવડા ઈ આવીને દાદાગીરી કરતા'તા. મને ધકો મારીને પાડી દીધો'તો. જાદવો મને બસાવવા આયો તો ઈને પણ મારવા મંડ્યા." ઉગલાએ રીપોર્ટ આપવાનું શરૂ કર્યું.

"રઘલાને કૂતરું કયડયું'તું અટલે અમે ઈને લયન દવાખાને આયા'તા. ઈણે અંજીસન મારવાના પચ્ચા રૂપિયા માંયગા. નીસનો સરકારી દવાખાનામાં પૈસા માંગે સે. આ હરજીડાની વવ ઉપર્ય ઈ પડ્યો. ઈમાં આ હંધુય થિયું. જાદવો આવીન સીધો અમને મારવા માંડ્યો. અમારો કાંય વાંક નથી.." અરજણે દલીલ કરી.

થોડીવારમાં જ દવાખાના મચેલા દંગલની વાત ગામમાં પહોંચી. જેણે પણ સાંભળ્યું એ બધા કામ મૂકીને દવાખાને દોડ્યા. દવાખાના બહાર લોકોનું ટોળું ભેગું થઈને દેકારો કરવા લાગ્યું. કવાટરમાં આરામ કરતા લાભુ રામાણીને કોઈએ દોડાદોડ જઈને જાણ કરી.

 તખુભા અને હુકમચંદને કોઈએ ફોન કર્યો. ''દવાખાનામાં ધીંગાણું થિયું સે. બે ત્રણ જણા ઉકલી ગયા સે. ઉગલા કમ્પાઉન્ડરને રઘલાએ મારી નાંખ્યો સે. રઘલાને જાદવાએ મારી નાંખ્યો સે. ભુરો ને ભીમો ભરવાડ જાદવાને મારે સે. લગભગ જાદવોય નય બસે. ઝટ હાલો..!"

 ટોળું એટલે મોં માથા અને મેળ વગરની આઈટમ! હકીકતમાં શું બન્યું છે એની કોઈને ખબર હોતી જ નથી. જે જેટલું સાંભળે એમાં પોતાનું કંઈક ઉમેરીને આગળ મોકલે! દવાખાનામાં બહાર ઊભેલા ખીમાંએ તખુભા અને હુકમચંદને ઉપર મુજબ જાણકારી આપી.

   ગામમાં હો હા મચી પડી. હજી સુધી આ ગામમાં ક્યારેય ખૂન ખરાબા થયા નહોતા. હજી તો બાબાનો સન્માન સમારંભ પતાવીને સૌ પોતપોતાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં અચાનક દવાખાનામાં ધીંગાણું થયું હોવાની વાત વંટોળીયો બનીને ગામમાં ફરી વળી.

  લાભુ રામાણી હાંફળાફાંફળા થઈને લગભગ દોડતા જ દવાખાને પહોંચ્યા. ટોળાએ એમને અંદર જવાનો રસ્તો તરત કરી આપ્યો. 

"આ દાગતર દવાખાના કરતા કોટરમાં જ જાજો પડ્યો રેય સે. હાળો મરતોય નથી ને દવાખાનું મુકતોય નથી.." ટોળામાંથી કોઈએ ડોકટર પર દાઝ ઉતારી.

 ડોકટરે ડોક ઊંચી કરીને બોલનારને શોધવા ટોળામાં દ્રષ્ટિ કરી. પણ ટોળાને તો મોં માથું થોડું હોય? 

  ડોકટર અંદર ગયા ત્યારે જાદવો હાંફતો હાંફતો એક ખૂણામાં બેઠો હતો. રઘલો ટૂંટિયું વળીને બાંકડા પાસે પડ્યો હતો. અરજણ, ફૂલો અને પમો પણ એકબાજુ બેઠા હતા. ભીમો અને ભુરો ભરવાડ લાકડીઓ લઈને દરવાજામાં જ ઊભા હતા. એ બંનેએ બહારના કોઈને પણ અંદર આવવા દીધા નહોતા. લડતા ઝગડતા અને ગાળો બોલતા એ બધાને આખરે ભીમા અને ભૂરાએ લાકડીઓ બતાવીને શાંત પાડ્યા હતા. ઉગલો તૂટેલી ખુરશી પર સાવ તૂટીને પડ્યો હતો. 

  તાવમાં ભરાયેલો હરજી બાંકડા પર સૂતો હતો. એની ઘરવાળી એના પગ પાસે બેઠી હતી. એક બે બીજા દર્દીઓ પણ ચુપચાપ બેઠા હતા.

  દવાખાનાના બારણામાંથી ટોળું ડોક ઊંચી કરીને અંદરનું દ્રશ્ય જોઈ માહિતી મેળવવા મથી રહ્યું હતું. 

"શું છે આ બધું અલ્યા? અહીં આવી રીતે લડાઈ કેમ થઈ?" ડોકટરે ભૂરાને પૂછ્યું.

"અમને તો કાંય ખબર્ય નથ. અમે તો અમારા બકરા સરાવીને અવેડે પાણી પાતા'તા. આ હરજીના વવે દેકારો કરતા કરતા ધોડીને અમને હાદ કરીયો..અમે ધોડીને માલિકોર્ય આયા તારે આ બધા બાજતા'તા. અમે માંડ સુટા પાડ્યા. હવે આમાં કોનો વાંક સે ને કોણ કોની હાર્યે સું કામ બાજયું ઈ તો અમને કાંય ખબર્ય નથી." ભૂરાએ અહેવાલ આપ્યો.

"આ નિસના પેટનો મારા ઘરમાં હંતાણો'તો..સોરી કરવા..કપાના ઢગલામાં ગર્યો'તો. મારી હારે ભટકાયને મને પાડી દીધો. બજારે ઈની વાંહે કૂતરા ધોડીને ઈને કયડયાં. મારું મોઢું સોલી નાયખું સે..આજ તો હું ઈને જીવતો નથી મેલવાનો..!" જાદવો રાડ પાડીને રઘલા તરફ ધસ્યો.

"અય..જાદવા. ન્યાં ને ન્યાં બેઠો રેજે. નકર એક લાકડી ભેગો અવળો થઈ જાવો સો. હવે આંય બાજવાનું નથ હમજ્યો?" ભીમાએ લાકડી ઉંચી કરીને જાદવાને ડરાવ્યો.

"હું કાંય સોરી કરવા નો'તો જ્યો. મારે તો બીજું કામ હતું. પણ કપામાં બવ ફાવ્યું નય એટલે હું ભાયગો. કૂતરાંએ મારી પીંડીના લોંશરા કાઢી નાયખા..અરજણ, પમો ને આ ફૂલો મને દવાખાને લાયા પણ આ હરામીના પેટના ઉગલાએ પચ્ચા રૂપિયા માંગ્યા. ઈમાં આ બધી લપ થઈ." રઘલાએ જવાબ આપ્યો.

"મેં  ઈને કીધું કે દાગતરને બોલાય.. પણ તમે નો હોવ તારે ઈ રાંડનો પોતે જ દાગતર થયને બેહી જાય સે.." અરજણે ઉગલાને ચોપડાવતા કહ્યું. 

 ડૉક્ટરને કોની સારવાર પહેલા કરવી એ સૂઝતું નહોતું. ઉગલો, રઘલો, જાદવો, ફૂલો, પમલો અને અરજણ. આ બધા જ ઘવાયા હતા. એ બધાને પડતા મૂકી ડોકટરે પહેલા હરજી અને અન્ય દર્દીઓને તપાસવાનું શરૂ કરતાં પહેલાં બહાર ઊભેલા ટોળાને વીંખેરી મુકવા ભૂરા અને ભીમાને કહ્યું.

  ભીમા ભરવાડે બહાર નીકળીને મોટેથી કહ્યું, "ભાયો ને બેનો..હંધાય હવહવના ધીરે વેતીના થાવ. આંય કોઈના બાપે કાંય ડાટયું નથી તે ગોળના દડબા ઉપર્ય માખ્યું સોટે ઈમ સોટી જ્યા સો. દાગતરશાબ આયી જ્યા સે. અમે હંધાયને સુટા પાડી દીધા સે. અટલે હાલતીના થય જાવ નકર ખાહો અમારા હાથની એક બે!"

ભીમા ભરવાડને એની જિંદગીમાં પ્રથમવાર ભીડ સમક્ષ પ્રવચન કરવાનું નસીબ થયેલું. ટોળામાં કોઈ સ્ત્રી ન હોવા છતાં એણે ક્યાંક સાંભળ્યા મુજબ ટોળાને સંબોધન કરીને એની ભાષામાં પોતપોતાના ઘરે જતા રહેવાની વિનંતી કરી. 

 ભીમાના ટૂંકા પ્રવચનથી ટોળામાં હસહસ થઈ. કેટલાક ગુસ્સે પણ થયા.

"અલ્યા ગોકળી.. આંય કોઈ બેનું નથી. તું શીદને લય હાલ્યો સો. અને ગાળ્યું શીનો દેસ અમને! તેં કાંય દવાખાનાનો ઠેકો નથી રાયખો.."

"તો તું વિયો આવ્ય. સાનુમાનું ઘર ભેગીનું થા ને! જાતુ હોય ન્યાં જા ને! નકામુ થય જાહે હમણે તારી કવ ઈ."

    બરાબર એ જ વખતે તખુભા આવી ચડ્યા. એની પાછળ પાછળ હુકમચંદ પણ આવ્યા. દવાખાનામાં ખૂન ખરાબો થયો હોવાની માહિતી લઈને એ બેઉ આવ્યા હતા. ટોળું એમની ફરતે ફરી વળ્યું. ટોળાનો દેકારો સમજાય એવો નહોતો. હુકમચંદ અને તખુભાને ભૂરાએ અંદર આવવા દઈ દવાખાનાના બારણાં બંધ કર્યા.

 એ જોઈ ટોળું ઘાંઘુ થયું. વીંખવાને બદલે વધુ ને વધુ લોકો બહાર ભેગા થવા લાગ્યા. નક્કી કંઈક ગંભીર બનાવ દવાખાનામાં બન્યો હોવાની શંકા વધુ દ્રઢ થઈ.

(ક્રમશ:)