#કેન્સર
ભાગ 8 રિપોર્ટની રતાંધળી રાત અને વિધિની વક્રતા
ડૉ. જીવન શાહના શબ્દો 'PET Scan' હોસ્પિટલની કેબિનમાં બોમ્બ વિસ્ફોટની જેમ ફૂટ્યા હતા. હજી તો આશા અને દીપકના આવવાથી ઘરમાં આર્થિક નિરાંત થઈ હતી, હજી તો જીવિકાના માથા પર નવા વાળની કૂંપળો ફૂટી હતી, ત્યાં જ ફરીથી એક અજ્ઞાત ભયનો ઓછાયો મંડરાવા લાગ્યો.
જીવિકાના ભાભી, જેઓ અત્યાર સુધી પિયર પક્ષની મજબૂત લાકડી બનીને ઉભા હતા, તે આ સાંભળીને ફસડાઈ પડ્યા. "સાહેબ, હજી તો બધું પત્યું હતું... હજી તો એના ચહેરા પર સ્મિત આવ્યું હતું, શું હજી પણ કઈ બાકી છે?" તેમના અવાજમાં આખા પિયર પક્ષની લાચારી છલકાતી હતી. જીવિકાના પિતા જે મહેસાણાથી દોડી આવ્યા હતા, તે ખૂણામાં બેસીને શૂન્યમનસ્ક બની ગયા.
PET Scan ના સેન્ટરમાં એ મૌન
બીજા દિવસે સવારે જીવિકાને PET Scan માટે લઈ જવામાં આવી. આ સ્કેન સામાન્ય એક્સ-રે જેવો નથી હોતો. આખા શરીરમાં રેડિયોએક્ટિવ ગ્લુકોઝનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જો શરીરમાં ક્યાંય પણ કેન્સરનો એક અંશ પણ જીવંત હોય, તો તે ભાગ સ્કેનરમાં લાલ ટપકાની જેમ 'ચમકી' ઉઠે છે.
જીવિકા જ્યારે એ સાંકડા મશીનની અંદર જઈ રહી હતી, ત્યારે તેને ગૂંગળામણ થતી હતી. તેની આંખો સામે વીણાનું માસૂમ મોઢું અને જીતનો એ થાકેલો ચહેરો તરવરી રહ્યો હતો. તેણે મનોમન પ્રાર્થના કરી, "હે નાથ, હવે વધુ નહીં... કાં તો મને પૂરી સાજી કરી દે, કાં તો તારી પાસે બોલાવી લે. હવે મારે મારા પરિવારને દેવાદાર કે દુઃખી નથી જોવા."
બહાર વેઈટિંગ એરિયામાં આખું લશ્કર ઉભું હતું. એક બાજુ જીત અને તેના પિતા, બીજી બાજુ આશા અને દીપક, અને ત્રીજી બાજુ પિયર પક્ષના ભાઈ-ભાભી. દીપક સતત આશાને સાંત્વના આપતો હતો, "ચિંતા ના કર આશા, જો જરૂર પડશે તો આપણે મુંબઈ કે અમેરિકા જઈશું, પણ ભાભીને કઈ નહીં થવા દઈએ."
રિપોર્ટનો એ કાળો કવર
૨૪ કલાક પછી રિપોર્ટ આવ્યો. ડૉ. જીવન શાહે ટેબલ પર એ કાળું કવર ખોલ્યું. કેબિનમાં પિન-ડ્રોપ સાયલન્સ હતો. જીતની નજર ડૉક્ટરના ચહેરાના હાવભાવ વાંચવાની કોશિશ કરી રહી હતી.
ડૉક્ટરે ચશ્મા ઉતાર્યા અને ઊંડો શ્વાસ લીધો. "જીતભાઈ, રિપોર્ટ મિશ્ર છે. સ્તન પાસેની ગાંઠ સંપૂર્ણપણે સાફ છે, એ સારા સમાચાર છે. પણ..."
"પણ શું સાહેબ?" આશાનો અવાજ ધ્રૂજી ગયો.
"રિપોર્ટમાં જીવિકાબેનના ફેફસાં (Lungs) પાસે એક નાનો 'Hotspot' દેખાય છે. કેન્સરના કોષોએ લોહી વાટે ફેફસાં સુધી પહોંચવાની કોશિશ કરી છે. આને આપણે 'Metastasis' (મેટાસ્ટેસિસ) કહીએ છીએ. એટલે કે કેન્સર હવે સ્ટેજ-૪ ની શરૂઆત કરી રહ્યું છે."
આ સાંભળતા જ જીવિકાના ભાભીની ચીસ નીકળી ગઈ. જીત ભીંતનો ટેકો લઈને નીચે બેસી ગયો. આશાની શ્રદ્ધા ડગમગી ગઈ. દસ મહિનાની લડાઈ, લાખોનો ખર્ચ, શરીરની અસહ્ય પીડા શું આ બધું એળે ગયું હતું?
આર્થિક મોરચે દીપકની અડગતા
ડૉક્ટરે આગળ જણાવ્યું, "હવે આપણે 'Immunotherapy' (ઇમ્યુનોથેરાપી) શરૂ કરવી પડશે. આમાં એક-એક ઇન્જેક્શનની કિંમત ૧.૫ થી ૨ લાખ રૂપિયા હોય છે. આપણે ઓછામાં ઓછા ૬ ઇન્જેક્શન આપવા પડશે."
આ સાંભળીને પરિવારના હોશ ઉડી ગયા. ૧૨ લાખ રૂપિયા માત્ર ઇન્જેક્શનના? જીત ફરીથી એ જ આર્થિક ખાઈમાં પડતો દેખાયો. પણ ત્યારે જ દીપકે આગળ આવીને જીતનો હાથ પકડ્યો.
"સાહેબ, તમે સારવાર શરૂ કરો. કાલ સવારે ઇન્જેક્શન આવી જશે. રૂપિયાની ચિંતા તમે છોડી દો. મારી ભાભીનો શ્વાસ ચાલવો જોઈએ, બાકી બધું હું જોઈ લઈશ," દીપકના આ શબ્દોએ હારતા પરિવારમાં ફરીથી પ્રાણ ફૂંક્યા.
જીવિકાની મનોદશા: એક કરુણ વળાંક
પણ આ બધી ચર્ચા વચ્ચે જીવિકા સાવ શાંત હતી. તે ઘરે આવીને આરીસા સામે ઉભી રહી. તેણે જોયું કે તેના નવા ઉગી રહેલા વાળ ફરીથી ખરવા લાગશે. તેને લાગ્યું કે તે એક એવા કૂવામાં પડી છે જેનો કોઈ અંત નથી.
રાત્રે જ્યારે આખું ઘર ઊંઘતું હતું, ત્યારે જીવિકાએ ડાયરીમાં લખ્યું: "જીત, તમે અને આશા-દીપક મને બચાવવા માટે તમારી જિંદગી વેચી રહ્યા છો. પણ શું એક કાણું પડેલા માટલામાં ગમે તેટલું પાણી ભરો તો એ ભરાશે ખરું? મને દેખાય છે કે મારું શરીર હવે સાથ નથી આપી રહ્યું. મારે વીણા માટે જીવવું છે, પણ શું ઈશ્વર મને એ મોકો આપશે?"
ભાભી તે રાત્રે જીવિકાના પગ દબાવતા-દબાવતા રડી રહ્યા હતા. તેમને પસ્તાવો હતો કે તે કેમ બિઝનેસ ટૂર પર ગયા હતા અને જીવિકાને એકલી છોડી હતી.
વાસ્તવિકતા અને ગંભીરતા:
કેન્સર જ્યારે અંગ બદલે છે (Metastasis), ત્યારે તે માત્ર દર્દીને નહીં પણ સારવાર કરનાર ડૉક્ટરના આત્મવિશ્વાસને પણ હચમચાવી દે છે. આશા અને દીપકનો આર્થિક સપોર્ટ હવે વિજ્ઞાનની મર્યાદાઓ સામે ટકરાશે.
કેન્સર ધન નહીં પણ માણસ નું મન કોરી ખાય છે
#GujaratiStory #गुरातीवार्ता
#ViralPost #ShortStories
#KachnuAkash
#TrendingNow
#GujaratiLiterature
#આધુનિકવાર્તા
#BoldWriter
#MansiDesaiShastriNiVartao
#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ
#Aneri
#SuspensethrillerStory
#Booklover
#Storylover
#Viralstory