#કેન્સર
ભાગ 7 આશાનો ઉદય અને સંબંધોની સરવાણી
ભાગ-૬ ના અંતે જીવિકા રેડિયેશનની અગ્નિપરીક્ષામાંથી બહાર આવી હતી, પણ તેનું શરીર કાળું પડી ગયું હતું અને મન થાકી ગયું હતું. ઘરની આર્થિક સ્થિતિ પાયમાલ થઈ ચુકી હતી. જીત ના ખભા દેવા અને ચિંતાના બોજ નીચે ઝૂકી ગયા હતા. ત્યારે જ, 'શુભમ એપાર્ટમેન્ટ'ના ફ્લેટ નંબર ૪૦૨ નો ડોરબેલ વાગ્યો અને એક એવો અવાજ ગુંજ્યો જેણે આખા ઘરના માહોલમાં પ્રાણ ફૂંકી દીધા.
"ભાભી! અમે આવી ગયા!"
બારણે ઉભી હતી જીતની નાની બહેન આશા અને તેનો પતિ દીપક. આશા અને દીપક છેલ્લા છ મહિનાથી તેમના ટેક્સટાઈલ બિઝનેસના કામ અર્થે વિદેશની લાંબી ટૂર પર હતા. તેમને જીવિકાની બીમારી વિશે ખબર તો હતી, પણ પરિસ્થિતિ આટલી ગંભીર હશે અને જીત આર્થિક રીતે આટલો તૂટી ગયો હશે તેનો અંદાજ નહોતો.
આશા જેવી રૂમમાં પ્રવેશી, જીવિકાને જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. જે ભાભી હમેશા તૈયાર થઈને મહેકતા રહેતા, તેના માથા પર રૂમાલ હતો, ચહેરો સુકાઈને હાડપિંજર જેવો થઈ ગયો હતો અને આંખોમાં એક અજીબ શૂન્યતા હતી. આશા દોડીને જીવિકાને વળગી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
"ભાભી... તમે આ શું હાલત કરી નાખી? કેમ અમને પહેલા ના બોલાવ્યા? મને ખબર હોત કે કીમો આટલો આકરો છે તો હું બધું છોડીને પહેલા આવી હોત," આશાનો અવાજ ડસકે ભરાયો હતો.
દીપકે જીતના ખભે હાથ મૂક્યો. તેણે જોયું કે જીતની આંખો નીચે કાળા કુંડાળા ઉતરી ગયા હતા. "જીત, તું આટલો બધો કેમ ઓગળી ગયો છે ભાઈ? તું એકલો આટલું બધું સહન કરતો રહ્યો?"
જીત કઈ બોલી ના શક્યો, બસ દીપકને ગળે લગાડીને મૌન રૂદન કરવા લાગ્યો. આ દસ મહિનામાં પહેલીવાર જીતને લાગ્યું કે તેનો ભાર વહેંચવા માટે કોઈ ખભો મળ્યો છે.
સાંજે જ્યારે ઘરના બધા સભ્યો ભેગા થયા, ત્યારે દીપકે મક્કમ અવાજે જાહેરાત કરી. "પપ્પા, જીત... અત્યાર સુધી જે થયું તે થયું. પણ આજથી જીવિકા ભાભીની દવાઓ બાકી નો ખર્ચો ઘરનો અને વીણાની સ્કૂલની ફીનો તમામ ખર્ચ હું અને આશા ઉપાડીશું."
જીતે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, "પણ દીપક, આ બહુ મોટો ખર્ચ છે, દેવું ઘણું મોટુ છે "
દીપકે તેને વચ્ચે જ અટકાવ્યો, "જીત, સંબંધો રૂપિયામાં નથી તોલાતા. અમે વિદેશમાં કમાયા છીએ એ કોના માટે? જો આ સમયે આપણે પરિવારની પડખે ના ઉભા રહીએ તો એ કમાણીનો કોઈ અર્થ નથી. વીણાની આખા વર્ષની ફી મેં આજે જ ઓનલાઈન ભરી દીધી છે. અને હવે પછીના દરેક ચેકઅપ ઘર ખર્ચ ના બીલો સીધા મારા મેઈલ પર આવશે."
આશાએ પણ ઉમેર્યું, "અને ભાભી, કાલથી હું તમારી સાથે જ રહીશ . તમારે હવે રૂમમાં ભરાઈ રહેવાની જરૂર નથી. આપણે ફરીથી એ જ ખુશમિજાજ જીવિકા ભાભીને પાછા લાવવા છે."
આગળ જોયું હતું કે રેડિયેશનને કારણે જીવિકાની ચામડી કોલસા જેવી કાળી પડી ગઈ હતી. આશાએ હવે પોતે નર્સ બનીને જીવિકાની સેવા શરૂ કરી. તે રોજ સાંજે જીવિકાના બળેલા ભાગો પર ઠંડી જેલ લગાવતી અને તેને પ્રેરણાદાયી વાર્તાઓ સંભળાવતી.
જીવિકાને 'Phantom Pain' (જે અંગ નથી ત્યાં દુખાવો થવો) ની જે તકલીફ હતી, તેને દૂર કરવા આશાએ ઘરના વાતાવરણને બદલી નાખ્યું. તેણે ઘરમાં હળવું સંગીત વગાડવાનું શરૂ કર્યું અને વીણાને જીવિકા સાથે વધુ સમય વિતાવવા પ્રેરી. દીપકે જીતને આર્થિક ટેન્શનમાંથી મુક્ત કર્યો, જેથી જીત હવે જીવિકાને પૂરતો સમય આપી શકતો હતો.
ધીમે ધીમે જીવિકાના મુંડન કરેલા માથા પર બારીક રૂંવાટી (નવા વાળ) આવવા લાગ્યા. આ જોઈને આશાએ ઉત્સવ મનાવ્યો. "જુઓ ભાભી, તમારા રેશમી વાળ પાછા આવી રહ્યા છે! આ તમારા પુનર્જન્મની નિશાની છે."
એક રવિવારે સોસાયટીની મીટિંગ હતી. જીવિકા બહાર જવાની હિંમત નહોતી કરતી, પણ આશાએ જીદ કરી. "ભાભી, તમે કોઈ ગુનો નથી કર્યો. તમે એક યોદ્ધા છો. ચાલો મારી સાથે."
આશા અને જીવિકા જેવી સોસાયટીના ગાર્ડનમાં પહોંચી, લોકોની નજરો બદલાઈ ગઈ. કોઈ દયાથી જોતું હતું તો કોઈ ડરથી. પણ આશાએ બુલંદ અવાજે બધાને સંભળાવ્યું, "આ મારી ભાભી છે, જેણે મોતના મુખમાંથી પાછા આવીને સાબિત કર્યું છે કે હિંમત હોય તો કેન્સર પણ હારી જાય છે. જેમને દયા ખાવી હોય એ દૂર રહે, જેમને સન્માન આપવું હોય એ જ નજીક આવે."
આ સાંભળીને સોસાયટીના લોકો સ્તબ્ધ થઈ ગયા. જીવિકાને પહેલીવાર અહેસાસ થયો કે તેની પાસે માત્ર એક મજબૂત પતિ જ નહીં, પણ એક જાંબાઝ નણંદ પણ છે.
આર્થિક રીતે હવે દીપકે બધું સંભાળી લીધું હતું. જીત પર રહેલું દેવું ચૂકવવા માટે દીપકે પોતાની બિઝનેસ લોનનો ઉપયોગ કર્યો. ઘરની આર્થિક પાયમાલી હવે ધીમે ધીમે દૂર થઈ રહી હતી. પણ કેન્સરની લડાઈમાં હજી એક મોટો વળાંક બાકી હતો.
રેડિયેશન પછીના ફોલો-અપ ચેકઅપમાં ડૉ. જીવન શાહે જીવિકાના લોહીના રિપોર્ટ્સ જોયા અને સહેજ ગંભીર થયા. "જીવિકાબેન, આપણે એક PET Scan કરાવવો પડશે. મારે જોવું છે કે કેન્સરના કણો બીજા કોઈ અંગમાં તો નથી ફેલાયા ને?"
આ સાંભળતા જ આખા પરિવારમાં ફરી સન્નાટો છવાઈ ગયો. શું આશા અને દીપકના આવવાથી આવેલી ખુશીઓ ક્ષણભંગુર હતી? શું કેન્સર ફરીથી દસ્તક દઈ રહ્યું હતું?
જીવિકા ના ભાભી પણ આ સાંભળી ને આંચકા માં આવી પડ્યા હતા પિયર પક્ષ ફરી ઉભો થયો
#MansiDesaiShastriNiVartao
#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ
#Aneri
#SuspensethrillerStory
#Booklover
#Storylover
#Viralstory