Redhat-Story ek Hacker ni - 41 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 41

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 41


      રેડ હેટ:સ્ટોરી એક હેકરની
      પ્રકરણ:41

             બીજે દિવસે એસેમ્બલીનો માહોલ કઈક અલગ જ હતો. લગભગ આખી એસેમ્બલી કોઈ દુલહનની જેમ સજાવેલી હતી.ફુગ્ગા અને રીબીનથી આખી એસેમ્બલી સજાવેલી હતી.ખાસ કરીને જગ્યાએ જગ્યાએ સફેદ ટોપીઓથી કરેલું ડેકોરેશન ધ્યાન ખેંચતુ હતું.ચારેય તરફ અલગ અલગ છોડથી એસેમ્બલીને સજાવવામાં આવી હતી.જગ્યાએ જગ્યાએ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા,ત્યાં કોઈ પીરસનાર ન હતું.બધી જ સેલ્ફ સર્વિસ હતી.આજે વાતાવરણ રોજ કરતા સહેજ ગરમ હતું.વાતાવરણનો ભેજ સહેજ ઓછો થયો હતો,ઝાકળ ન હતો અને સૂરજની સોનેરી કિરણમાં બરફ ચમકી રહ્યો હતો.તેની સાથે એસેમ્બલી આસપાસ ઘણી ગાડીઓની અવરજવર પણ હતી.અત્યારે બહાર બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યા હતા.

            લગભગ એકાદ કલાક પછી બધા લોકો એસેમ્બલીની વચ્ચે જમા થયા હતા.મુખ્ય સ્ટેજ પર અત્યારે ત્રણ જ વ્યક્તિ હતા, માસ્ટર,સમીર અને શિંદે. માસ્ટરના હાથમાં અત્યારે માઇક હતું અને તેમને બોલવાનું શરૂ કર્યું "માઇ ડિયર હેકર્સ,મને આનંદ છે કે આજે તમે અહીં આવ્યા.આ એસેમ્બલીના સ્થાપક અને માસ્ટર તરીકે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું.જ્યારે તમે આ એસેમ્બલી સાથે જોડાયા ત્યારે કદાચ તમને પણ વિશ્વાસ નહિ હોય કે તમે આ મુકામ સુધી પહોંચી શકશો! તમારા બધા દ્વારા ભારતના અલગ અલગ ખૂણે થતા કામ સરહાનિય છે તેમ છતાં મને પર્સનલી પસંદ આવેલ ત્રણ વ્યક્તિને હું વાઈટ હેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે."

                આ સાથે જ હોલમાં તાળીઓ ગળગળાટ સંભળાયો. ત્યારબાદ એક પછી એકને પુરસ્કાર અપાયો,તેમાં છેલ્લે અનાઉસમેન્ટ થયું "તો લાસ્ટ છે જે લોસ એનજલ્સમાં રહીને ભારતમાટે ખૂબ મહત્વના કામ કરી રહી છે.આજ સુધી તેને લગભગ 62થી વધુ ગેંગને નાબૂત કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે જેનું નામ છે મીસ.સેરના ચોલી." આ સાથે જ એક ત્રીસેક વર્ષની મહિલા ઉભી થઇ અને સ્ટેજ પર ગઈ,આ એજ સેરના હતી જેને માસ્ટર તેમની દીકરીની જેમ રાખતા.જ્યારે તે એસેમ્બલીમાં હતી ત્યારે તે માસ્ટરની સૌથી પ્રિય હેકર કહી શકાય.તેના એસેમ્બલી છોડવાના સમયે માસ્ટર ઘણો સમય ઉદાસ રહ્યા હતા.સેરના પોતે પણ એસેમ્બલી છોડીને જવા ઇચ્છતી નહોતી પણ એસેમ્બલીના રુલ મુજબ,અભ્યાસ પૂરો કરનાર કોઈ પણ હેકર અહીં રહી શકે નહીં.તેના ગયા પછી પણ માસ્ટર તેના કોન્ટેકમાં રહ્યા હતા.તે બન્નેએ મળીને એસેમ્બલીની એક વેબસાઈટ પણ મારીયાના વેબ પર બનાવી હતી.જે લગભગ આજ સુધી હેક નહોતી થઈ,તેને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું હતું તે લગભગ બધા માટે આશ્ચર્યજનક હતું.

           આ બધા કાર્યક્રમ પછી મુખ્ય કાર્યક્રમ શરૂ થવાનો હતો.લગભગ ઘણા હેકરો તો તેના માટે જ આવ્યા હતા,અને એ હતો એસેમ્બલીના માસ્ટર પદનો મુકાબલો,આ નિયમ અનિરુદ્ધે જ બનાવ્યો હતો કે જે વ્યક્તિ તેના કરતાં સારું હેકિંગ જાણતું હોય તે વ્યક્તિ તેના પદે આવી એસેમ્બલીની સેવા કરી શકે છે.એસેમ્બલીની સેવામાં લગભગ કોઈને રસ હોય ન હોય પણ એસેમ્બલીના એકાઉન્ટ પર બધાને રસ હતો.તેમાં લગભગ સો કરોડથી વધુ રૂપિયા પડ્યા હતા,જેના દ્વારા એસેમ્બલીનો ખર્ચો ચાલતો.આ નાણાં ઇન્ડિયાના એવા લોકો જેને બ્લેકમની ભેગી કરી કોઈ વિદેશી બેન્કમાં જમા કરેલ હતી તેને હેક કરી મેળવેલ હતા. જેની માહિતી બહુ ઓછા વ્યક્તિને હતી પણ તેમ છતાં ઘણા લોકોને ખબર હતી કે એસેમ્બલી પાસે આટલો રૂપિયો છે,પણ એ વાત સાચી હતી કે આ વાત જ્યારથી લીક થઈ હતી ત્યારથી આમાં ભાગ લેનારની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ હતી.

                આ મુકાબલો શરૂ થયા બાદ લગભગ એક જ કલાકમાં ફક્ત બે પાર્ટીસિપેટ્સ સિવાય બધાય એલિમિનેટ થઈ ગયા હતાં.તેમાંથી પ્રથમને હેકર એ. અને બીજાને હેકર બી. નામ આપી આ સ્પર્ધા આગળ ચલાવવામાં આવી હતી. તેમાં ટોટલ ત્રણ રાઉન્ડ હતા.જે વધારે રાઉન્ડ જીતે તે માસ્ટર પદે નિમણુક થાય તેવી જોગવાઈ હતી.

              પહેલો રાઉન્ડ શરૂ થયો,તેમાં એક ડમી વેબસાઈટને હેક કરવાની હતી.એ રાઉન્ડમાં માસ્ટરને કોઈ નહીં હરાવી શકે એ બધાને ખાતરી હતી.માસ્ટરે લગભગ બાર સેકન્ડમાં તેનો એક્સેસ મેળવી લીધો.બીજો રાઉન્ડ એક બેન્ક એકાઉન્ટ હેક કરવાનો હતો,તેમાં પણ માસ્ટરે લગભગ ત્રણ મિનિટમાં તે કરી બતાવ્યું બધા તે જોઈને આશ્ચર્યચકિત રહી ગયા.કેમકે તે લગભગ એક દોઢ કલાકનું કામ હતું.ત્યારબાદ છેલ્લો રાઉન્ડ એક ગવર્મેન્ટ વેબસાઈટ હેક કરવાનો ટાર્ગેટ હતો.માસ્ટરે એ રાઉન્ડ પણ લગભગ સાત મિનિટમાં નિપટાવ્યો. સૂર્યા દૂરથી આ જોઈ રહ્યો હતો.તે સમજી ગયો હતો કે ત્યાં શુ થઈ રહ્યું છે.કોઈ પણ શાતીર મગજનો હેકર સમજી જાય કે માસ્ટર કોઈ ટ્રીક યુઝ કરી રહ્યા છે.સૂર્યાએ આખી એસેમ્બલી પર નજર નાખી કોઈના મુખ પર શક સુધ્ધા નહોતો કે માસ્ટરે કોઈ ઝોલ કર્યો છે.સૂર્યાને તેના દાદા સાથે વાત કરવાની અદમ્ય ઈચ્છા થઈ પણ તેને પોતાની જિજ્ઞાસાને થોડી દબાવી અત્યારે માસ્ટરને કોઈ પણ સવાલ પૂછવો તેને યોગ્ય ન લાગ્યો.માસ્ટરના માથા પર ફરી વાઈટ હેટ પહેરાવવામાં આવી અને તેની સાથે જ એસેમ્બલી ગેધરિંગ પુરી થઈ હતી.બધા ભોજન લઈને છુટા પડ્યા હતા.

****************

         "દાદા એક વાત પૂછી શકું" સૂર્યાએ જમતા જમતા પૂછ્યું.

          "પૂછ પૂછ"

         "મને ખબર છે કે તમે માસ્ટર સ્પર્ધામાં સીધી રીતે નથી જીત્યા જરૂર કોઈને કોઈ ટ્રીક યુઝ કરી છે" સૂર્યાએ સીધી વાત કરી

          માસ્ટર એક આશ્ચર્ય સાથે સૂર્યા સામે જોઈ રહ્યા.તેમનો કોળિયો મોંમાં જ રહી ગયો.તેમને સૂર્યાના શબ્દો પર વિશ્વાસ આવતો નહોતો.તેમને ફરી એકવાર સૂર્યા સામે જોયું "હું પૂછી શકું કે તને આ વાતની જાણ કઈ રીતે થઈ?"

             "તમે રોજ વાઈટ બાયનરીમાં કોર્ડિંગ કરો છો રાઈટ? સો કોઈ જ પ્રેક્ટિસ વગર જાવા અને પાયથનમાં આ રીતે કોર્ડિંગ અશક્ય છે?,હું જાણું છું કે તમારી સ્પીડ બહુ સારી છે તેમ છતાં.. વાઈટ બાયનરી લેન્ગવેજ સિવાય ત્રણ મિનિટમાં બેન્ક એકાઉન્ટ હેક કરવું અશક્ય છે."

          "વાહ,તારું નિરીક્ષણ જબરદસ્ત છે.આ વાત આજ સુધી મારા અને સમીર વિશે જ હતી,પણ તને જાણ થઈ જ છે તો સાંભળ,આ એસેમ્બલીમાં હું એક માસ્ટર રહું એ જરૂરી નથી,પણ કોઈ આલતું ફાલતુ પણ બની જાય એ શક્ય નથી,હકીકતમાં એ કોમ્પ્યુટરથી હું કોઈ જ વસ્તુ હેક કરી રહ્યો નહોતો.તે પડદા પાછળ સમીર ફાઈવ સ્ક્રીનમાં વાઈટ બાયનરીથી કરી રહ્યો હતો અને તેનું ઈન્ટરપ્રીટેશન મારા કોમ્પ્યુટર પર પડી રહ્યું હતું. હકીકતમાં તને આ ચીટિંગ લાગશે પરંતુ જ્યારે અમે આ વાત નક્કી કરી કે એસેમ્બલીનો માસ્ટર કોઈ પણ બની શકે છે ત્યારે અમે નક્કી કરેલું કે તે જો જાવા જેવી લેંગ્વેજથી વાઇટબાયનરીને હેક કરી શકે"
 
        "પણ એ કેમ શક્ય બને? જો મને બેસાડો તો હું વાઈટ બાયનરી લેન્ગવેજથી દોઢ મિનિટમા જ બેન્ક એકાઉન્ટ હેક કરી શકું છું.પણ?.."

          "બની શકે!એના માટે તારા જેવી સ્પીડ જોઈએ,અત્યારે કદાચ એસેમ્બલીમાં સૌથી હાઈએસ્ટ સ્પીડ તારી છે"

           "સાચે જ મને એ વાતની ખબર જ નહોતી"

**************

          સૂર્યાની પ્રેક્ટિસ હવે અંતિમ ચરણોમાં પહોંચી હતી.સૂર્યાની ઉંમર અગિયાર વર્ષની થવા આવી હતી.ત્યારે લગભગ સૂર્યાની ફિઝિકલ ટ્રેનિંગ પુરી થવાનો છેલ્લો દિવસ હતો અને લગભગ હવે વાઈટ બાયનરી લેન્ગવેજ શીખવાનો પણ છેલ્લો પડાવ હતો.

           આજે સેન્ટપીટર્સબર્ગની સવારમાં કઈક અલગ જ જોમ હતું. વૃક્ષો રાત્રે થયેલી હિમવર્ષાના કણોને પ્રભાતના કિરણોમાં શેકવીને કઈક અલગ જ કિરણપુંજો ઉત્તપન્ન કરી કોઈ હીરા જેવી ચમક ઉત્પન્ન કરી રહ્યા હતા.મંદગતિએ વહેતો કોઈ થાકેલા મુસાફર જેવો પવન આજે ખૂબ શીત હતો.આજે એસેમ્બલીમાં રજા હતી.તેમ છતાં માસ્ટર સૂર્યાને લઈને અહીં આવ્યા હતા.બન્ને અત્યારે માસ્ટરની ઓફિસમાં બેઠા હતા.

            "દાદા,આજે પણ રોજની જેમ પ્રેક્ટિસ કરવાની છે?" સૂર્યાએ કહ્યું.

          "હા,કંઈક એવું જ પણ આજે કઈક અલગ રીતે."માસ્ટરે કહ્યું.

        "અલગ રીતે?"

       "એ હું તને સમજાવું થોડીવાર રાહ જો સમીર આવે પછી તને સમજાવું"

          થોડીવારમાં સમીર કોઈ તેની જ ઉંમરના વ્યક્તિ સાથે આવે છે. સમીર સાથે આવેલ વ્યક્તિના ચહેરા પર સફેદ દાઢી,મોટા ચશ્માં જે ચહેરા પર ટેકાવવા બાંધેલ ધાગો,ઉંમરના કારણે કરચલીયુક્ત ચહેરો.મોઢા પર રમતું એક સ્મિત અને કોઈ જાદુગરે બનાવેલા કબૂતર જેવી ચંચળ આંખો.

              "સૂર્યા આ છે સાયન્ટીસ્ટ કેશવ ગોત્રી.અમે તો હજી આને કીટુ કહીને જ બોલાવીએ છીએ.આ પણ અમારી સાથે જ હતો કોલેજમાં. કેમિકલનો બાદશાહ છે આજે આના ઘણા પ્રયોગો અમારા માટે ઘણી મદદ કરી દે છે"

         "હેલો અંકલ" સૂર્યાએ ઉભા થઇ પગે લાગતા કહ્યું.

         "જીવતો રહે દીકરા,તું પણ તારા દાદા જેવો જ બન્યો એમ ને?" કેશવે કહ્યું

      "અરે કિટુ,કોઈ પણ જાતના ફોર્મલ એજ્યુકેશન વગર" સમીરે કહ્યું

      "હા સાચે મને નહોતું લાગતું કે આટલું જલ્દી પૂરું થશે." માસ્ટરે કહ્યું.પછી થોડી અહીં-તહીની વાતો ચાલી. 

      "ચલો હવે વાતો બહુ થઈ,આજે જે કામ માટે આવ્યા છીએ એ કરી લઈએ" માસ્ટરે ઉભા થતા કહ્યું.

        "હવે તો કહો દાદા કે કયું કામ " સૂર્યાએ કહ્યું.

        "એક એવું કામ,જેના માટે હું ઘણા દિવસથી રાહ જોઈ રહ્યો હતો.એ તારા માટે એક ખૂબ જરૂરી હતું.એસેમ્બલીમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે.આના વિશે સમીર જ તને કહેશે" માસ્ટરે કહ્યું.

*********

ક્રમશ: