Redhat-Story ek Hacker ni - 1 in Gujarati Thriller by Divyesh Labkamana books and stories PDF | રેડહેટ-સ્ટોરી એક હેકરની - 1

Featured Books
Categories
Share

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 1

રેડ હેટ : સ્ટોરી એક હેકરની
પ્રકરણ 1

      દસ દિવસ પહેલા,તારાપુર

     વરસાદની ઝરમર થંભી હતી. હવાનું ઝોર વધ્યું હતું. વાતાવરણમાં કોઈ ગજબ શાંતિ રાત્રીના ભેંકાર સાથે ભળી વાતાવરણ બિહામણું બનાવી રહી હતી. વાતાવરણની આ શાંતિને દૂર જંગલ તરફથી આવતા કોઈ ચીમરીના,તો કોઈ શેરીના કૂતરાંના,તો કોઈ એકલ-દોકલ વાહનના હોર્નના અવાજો ખલેલ પાડી રહ્યા હતા. શહેરની એકમાત્ર નદી 'રૂપેણ'ના શાંત નીર પર પડતા ચન્દ્રમાંના પ્રકાશથી ઉભું થતું દ્રશ્ય કોઈ અદભુત કળાથી દોરેલા ચિતારાના ચિત્ર જેવું લાગી રહ્યું હતું. તારાપુર શહેરના શાંત વતાવરણમાં એક ઓડી ખૂબ વધારે રફતારથી જંગલના રસ્તે જઈ રહી હતી. તે એક જ રફતારથી જંગલના કાચા રસ્તા પર ચાલી રહી હતી. તે જંગલની અંદર આવેલા એક ખંડેર જેવી હાલતમાં રહેલા બંગલાના ચોગાનમાં પ્રવેશી. તેની લાઈટના પ્રકાશમાં બહાર રહેલું એક બોર્ડ દ્રશ્યમાન થયું. તેમાં લખેલું હતું કે 'આ બંગલામાં વરુઓએ વાસ કરેલ છે,અંદર જવાની સખ્ત મનાઈ છે' ડ્રાઇવરે તેની કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર ગાડી અંદર લીધી. તે ગાડી સીધી બંગલાના પાછળના ભાગમાં જઈ થંભી.

              ધૂળની એક ડમરી ઉડી. કારનું એન્જીન બંધ થયું. તે કારમાંથી એક આધેડવયનો વ્યક્તિ બહાર આવ્યો. તેનો ચહેરો અંધારાની આડમાં છુપાઈ રહ્યો હતો. તેમ છતાં એ કળવુ મુશ્કેલ નહોતું કે તે ગાડીનો ડ્રાઇવર છે. બીજી તરફથી એક નવયુવાન નીચે ઉતાર્યો.તેના હાથમાં એક ફ્રેન્ચ ડિઝાઇનની રિવોલ્વર હતી. તેને તે કોટના અંદરના ભાગમાં સરકાવી.તેની ઉંમર માંડ ઓગણીસ-વીસ વર્ષની દેખાતી હતી. તેનો ચહેરો બંગલાની પાછળની તરફથી આવતા રહસ્યમય પ્રકાશમાં દ્રશ્યમાન થઈ રહ્યો હતો. તેનો બાંધો એકવડો કહી શકાય તેવો સુડોળ હતો. તેના મુખ પર આવેલ સ્મિત તેના ચહેરાને એક સુંદરતા બક્ષી રહ્યુ હતું. તેની આંખો ગૂઢ અને રહસ્યમય હતી. તેના કાંડામાં એક રુદ્રાક્ષની માળા હતી. તે બધાથી અલગ તેની ડોકમાં લટકતું એક સફેદ ટોપીનું લોકેટ ધ્યાનાકર્ષક હતું. તેને મુખ પર એક લાંબી યાત્રાની ઝાંખી થકાવટ દેખાઈ રહી હતી. તેનો એ ચહેરો પણ કોઈ વૈશાખના બળેલા બપોરના સૂર્યની જેમ ચમકી રહ્યો હતો. તેના કપાળમાંથી કોઈ તેજપુંજ નીકળતા હોય તેવી ભ્રાંતી થઈ રહી હતી. તે થોડીવાર ત્યાં ઉભો રહ્યો અને પછી બંગલામાં પ્રવેશ્યો.
 
 ***************
 
    વર્તમાન સમય

          " આ જો મમ્મી મને એમ કે દીદી કોલેજના શરૂઆતના બે ત્રણ દિવસ સુધી મેકઅપમાં વધુ સમય લેશે પણ આજે દસ દિવસ થવા આવ્યા તો પણ તે સવારમાં અરીસાને ચીપકેલી રહે છે" આરવે વંદનાબહેનને કહ્યું
    "તું ચૂપ રે થોડી વાર તૈયાર થવા દે એને, મારી રિયાનો વટ પડવો જોઈએ આખી કોલેજ માં" વંદના બહેને છણકો કરતા કહ્યું
              આરવ કંટાળીને સોફા પર બેઠા ત્યાં ટીવીમાં ન્યૂઝ ચેનલ લગાવેલી હતી. તેમાં ન્યૂઝ આવી રહ્યા હતા કે “આજે શહેરની બહાર બંધ પડેલી એ.કે ગોદમમાંથી ડ્રગ્સ મળી આવ્યાં છે. કોઈ વ્યક્તિ ત્યાંથી ઝડપાયો નથી.આ ગોદામ એક એન.આર.આઈની માલિકીની છે.જે લગભગ ઘણા વર્ષોથી બંધ પડેલ છે.પોલીસને ઘણા વ્યક્તિઓ પર શંકા છે પણ કોઈ ઠોસ પુરાવાના અભાવે કોઈની ધડપકળ થઈ નથી.વધુ તપાસ માટે કેસ લોકલ પોલીસના હાથમાંથી લઈને ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.” થોડીવાર આરવે ન્યુઝ જોયાં પણ પછી તેણે કંટાળો આવ્યો,કેમકે કોઈક ડ્રગ ડીલિંગ,ચોરી,હત્યા અને કોઈકવાર બૉમ્બબ્લાસ્ટનું હબ તરીકે ઓળખાતા તારાપુરમાં આ બધું કોમન હતું.તેને ટીવી બંધ કર્યું અને રિયાને કહ્યુ"તું આવજે હું બહાર રાહ જોવું છું" આરવ આટલું કહીને બહાર તરફ નીકળ્યો.
     "હા...બસ બે મિનિટ" રિયાનો અવાજ આવ્યો.
        આરવ અને રિયા બંને ટ્વિન્સ ભાઈ બહેન હતા. તેમના પિતા મનોહરભાઈ અને મમ્મી વંદનાબેન. મનોહરભાઈને શહેરમાં એક જ્વેલરીની દુકાન હતી.બીજા ઘણા શહેરોમાં તેની બ્રાન્ચો હતી.અત્યારે તેઓ ત્યાં મુલાકાતે ગયા હોવાથી ઘરે નહોતા. આરવને બાઇક અને ગેમનો ખૂબ નશો હતો.તે તેનો ફ્રી સમય તેમાં જ આપતો હતો. રિયાને મેકઅપનો અને પાર્ટીનો ગજબનો શોખ હતો.તે પણ અવારનવાર નવા બ્યુટીપાર્લર ટ્રાય કરતી રહેતી હતી. તેઓએ BSC માં એડમિશન લીધું હતું અને કોલેજ શરૂ થયાને આજે દસેક દિવસ પણ થવા આવ્યા હતા.
        આરવે થોડી વાર રાહ જોઈ એટલે રિયા બહાર આવી આજે તેને એક લાલ શર્ટ અને જીન્સ પહેર્યું હતું તે આજે ખરેખર સુંદર દેખાઇ રહી હતી.તે આવી એટલે આરવે તેનું બાઇક શરૂ કર્યું અને બને નીકળી પડ્યા કોલેજ તરફ.
        " ઓય આજે પહેલો લેકચર કોનો છે?" આરવે બાઇક ચલાવતા ચલાવતા પ્રશ્ન પૂછ્યો
       "શ્વેતા મેમનો" રિયાએ ટૂંકમાં જવાબ આપ્યો
     "કદાચ આજે પણ ફ્રી હશે"આરવે હસતા હસતા કહ્યું
    "હા એ મેમ પણ કમાલ છે નહીં અઠવાડિયામાં બે લેકચરતો બહુ મુશ્કેલીથી લે બાકી ગુલ્લી" રિયાએ હસતા હસતા કહ્યું
   "હમ્મ..કોલેજમાં તો એવા કેટલાય અજીબ પાત્રો ફરે છે.. આપડા ક્લાસના પે'લા ત્રીજી બેન્ચ વાળા છોકરાને જ લઇલે" આરવે બાઇક ચલાવતા ચલાવતા કહ્યું
    "હા એ તો છે એ કોઈ સાથે વાત કરતો મેં આજ સુધી નહીં જોયો પણ આમ તો એ છોકરો મને સારો લાગે છે" રિયાએ કહ્યું

      "છોડ ને યાર કોઈની જિંદગી સાથે આપડે કોઈ લેવાદેવા ન હોવું જોઈએ."
    " એવું કંઈ નથી કહેતી હું, હા આજે આપણે વાત કરીએ એની સાથે કદાચ કોઈ વસ્તુની જરૂરત હોય એને" રિયાએ કહ્યું
    "હા,એ પણ છે " આરવે કહ્યું
     બન્નેએ એટલી વાત કરી ત્યાં કોલેજ આવી ગઈ.
***************
         આરવ અને રિયા ક્લાસમાં ગયા ત્યાં બધા પોત-પોતાની મસ્તીમાં મશગૂલ હતા.કેટલાક ટોળું વળીને વાતો કરી રહ્યા હતા.તો કેટલાક ગેમ રમી રહ્યા હતા.કેટલાક કપલ્સ છેલ્લી બેન્ચ પર બેસીને વાતો કરી રહ્યા હતા.એ સૌથી અલગ એક છોકરો ત્રીજી બેન્ચ પર શાંતિથી બેસીને કોઈ મેપ જોઈ રહ્યો હતો,તેના મુખ પર એક ચમક હતી.તેને પહેરેલા ચશ્મા પણ ધ્યાનાકર્ષક હતા અને સૌથી ધ્યાન આકર્ષક હતું તેને ગળા પર પહેરેલું એક વિચિત્ર ટોપી આકારનું સફેદ લોકેટ!
      આરવ અને રિયા તેની પાસે ગયા અને કહ્યું "હેલ્લો,ગુડ મોર્નિંગ"
     "ઓહ ગુડ મોર્નિંગ,બેસો" એટલું કહી તે અંદર તરફ ખસી ગયો. આથી આરવ ત્યાં બેસ્યો અને રિયા આરવની બાજુમાં બેસી.
       "કેમ તું કોલેજમાં કોઈ સાથે વાત કરતો નથી કોઈ પ્રોબ્લેમ હોય તો અમને કહે?" આરવે પૂછ્યું
      "ના એવું કશુ નથી તમને કેમ એવું લાગ્યું?" તે છોકરાએ કહ્યું
      "અરે કોલેજ શરૂ થઈ એના 10 દિવસ થયા અને અમને હજી તારું નામ પણ ખબર નથી એટલે થયું કે કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લઈએ" રિયાએ કહ્યું
      "ઓહ...મારુ નામ સૂર્યા છે, હા હું વધારે સોશિઅલ નથી." સૂર્યાએ કહ્યું
       "અચ્છા પણ કેમ એવું તને કોઈ મિત્ર બનાવવા નથી ગમતા?" આરવે કહ્યું
       "ના એવું નથી પણ કોલેજ મિત્રો કોલેજ સુધી રહે એવું હું ઈચ્છું છું કોઈ મારી પર્સનલ લાઈફમાં પૂછપરછ કરે એ મને નહીં પસંદ" સૂર્યાએ કહ્યું
      "પણ કેમ એવું??" આરવે આશ્ચર્ય સાથે પૂછ્યું
     "બસ એમ જ કોઈ રહસ્ય રહસ્ય જ રહે એ જ સારું" સૂર્યાએ એક રહસ્યમય સ્મિત સાથે કહ્યું.
       આરવને સમજાયું નહીં કે તે શુ કહેવા માંગે છે,પછી તેને કંઈક વિચારીની કહ્યું " ઓકે અમે તને પર્સનલ લાઈફ વિશે ક્યારેય નહીં પુછીયે આમારો દોસ્ત બનીશ" આરવે હાથ લંબાવીને કહ્યું
      સૂર્યાએ પણ હાથ મિલાવ્યો એટલે આરવે કહ્યું "મારુ નામ આરવ છે અને આ મારી બહેન રિયા"

         "હેલો હું સૂર્યા" સૂર્યાએ ઔપચારિક પરિચય આપતા કહ્યું.
       "અરે આ તો આપડા શહેરનો નકશો છે ને? પણ આમાં શુ કરે છે?" રિયાએ બેન્ચ પર રહેલા નકશાને જોતા કહ્યું
    "કાઈ નહીં એમ જ શહેરમાં નવો છું તો બસ સ્થળો જોઈ રહ્યો છું" સૂર્યાએ કહ્યું
    "અચ્છા ક્યાં રહે છે?" આરવે પૂછ્યું
         આ સાંભળી સૂર્યા તેની તરફ જોઈ રહ્યો, એટલે રિયાએ તેના માથા પર એક તાપલી મારી એટલે આરવે કહ્યું "અરે! હા હું તો ભૂલી જ ગયો કે તને કોઈ પર્સનલ સવાલ કરે એ પસંદ નથી"
           "ઓહ ગાઇસ તમે અહીં શુ કરો છો?" એક છોકરીએ પ્રવેશતા જ આરવ તરફ નજર કરતા કહ્યું
    "ઓહ,આવ કિંજલ અમે આ નવા ફ્રેન્ડનું ઇટરોડક્શન લઈ રહ્યા હતા" આરવે કહ્યું
    "અચ્છા,શુ માહિતી મળી?" કિંજલે મજકિયા સ્વરમાં કહ્યું
    "તેનું નામ સૂર્યા છે તે શહેરમાં નવો છે અને તેને કોઈ પર્સનલ સવાલ કરે એ પસંદ નથી" આરવે એક શ્વાસે કહ્યું આ જોઈ બધા હસવા લાગ્યા
    "ઓકે ફાઇન, સૂર્યા,આઈ એમ કિંજલ" કિંજલ હાથ આગળ કરતા કહ્યું
     "ઓહ, નાઇસ ટુ મીટ યુ" સૂર્યાએ હાથ મિલાવતા કહ્યું. આજે પહેલીવાર સૂર્યા કોઈકની ખૂબસૂરતીથી અંજાયો હતો,તે કિનજલનું રૂપ તેને આકર્ષી રહ્યું હતું.તે કદાચ તેને એક નજરે જોવા માંગતો હતો પણ પહેલી જ મુલાકાત તે ખરાબ કરવા નહોતો માંગતો એટલે તેને તેનું ધ્યાન બીજી તરફ ફેરવી લીધું.
       "ઓકે,શુ પ્લાન છે આજનો?" રિયાએ કહ્યું
      "હા આજે શનિવાર છે તો કોઈ મુવી જોવા જઇયે રાત્રે 9 થી 12" કિંજલે કહ્યું
      "હા કેમ નહીં એ સૂર્યા તું પણ ચાલ સાથે" આરવે કહ્યું
        આ સાંભળી સૂર્યાએ મોબાઈલ કાઢ્યો અને તેમાં કંઈક ચેક કરવા લાગ્યો અને પછી કહ્યું "ઓકે હું પણ આવું છું. બધાને થોડું અજીબ જરૂર લાગ્યું પણ કોઈએ એટલું ધ્યાન ન આપ્યું"
       "ઓકે કયું મુવી જોઈશું?" કિંજલે કહ્યું
     એટલે સૂર્યાએ મોબાઈલ બતાવતા કહ્યું મેં ચાર ટીકીટ બુક કરી દીધી છે. એ જોઈ આરવે કહ્યું "અરે સૂર્યા બધાની ટીકીટ કેમ તે કરાવી? જો અમારા ગ્રૂપનો એક રૂલ છે કે ક્યાંય પણ જઇયે પોતાનો ખર્ચો પોતાએ કરવાનો"
           "અરે યાર કોઈ નહીં આજે હું તમારા ગ્રૂપમાં એડ થયો એટલે મારા તરફથી એક ટ્રીટ આગળથી નિયમ મુજબ કરશું" કહી સૂર્યા હસવા લાગ્યો.તેની સાથે બધાના મુખ પર સ્મિત આવી ગયું

ક્રમશ:...