Robbery of Aurganzeb's Ganj-E-Savai - 5 in Gujarati Adventure Stories by Bhaveshkumar K Chudasama books and stories PDF | ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 5

Featured Books
Categories
Share

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 5

પ્રકરણ -૫ ફેન્સીમાં સુધારો

થોડીવાર પહેલાં થયેલા યુદ્ધ બાદ ફેન્સીને થયેલા નુકસાનનું આંકલન કરી સુકાન વિલિયમને સોંપી હેન્રી તૂતક પર ઊભી સમુદ્રમાં દૂર નજર કરતો કોઈક ઊંડા વિચારોમાં ગરકાવ હતો. એની દૃષ્ટિ સમક્ષ વારંવાર દુશ્મનના જહાજમાંથી છૂટેલો તોપગોળો આવતો હતો. જહાજની ઝડપ અને સંતુલન જાળવી રાખવા માટેના તમામ વિચારો એના મગજમાં ફરી રહ્યા હતા. સારી એવી વાર સુધી એ જ સ્થિતિમાં ઉભા રહી અનેક વિચારો કર્યા બાદ તેમણે તેના બધા જ સાથીદારોને બોલાવ્યા અને આદેશ આપ્યો;

"ફેન્સીના દરેક ખૂણેથી બધો જ નકામો સમાન દૂર કરો! જૂના બેરલ, વધારાના લાકડા, ભારે દોરડાં જે કંઈ નકામું હોય એને ફેંકી દયો. યુદ્ધ દરમિયાન જહાજ તેજ અને સ્ફૂર્તિલું રહેવું જોઈએ."

ત્યાર બાદ કંપાસમાં દિશા જોઈ વિલિયમને સંબોધતા કહ્યું;

"જહાજને પૂર્વ દિશામાં હાંકીને બેનીનના અખાતમાં આવેલા બેઓકો ટાપુ તરફ લઈ લે. સવાર સુધીમાં આપણે બેઓકો ટાપુ પહોંચી જઈશું, આખી રાત સુકાન તારે જ સંભાળવાનું છે. હું આજની રાત આરામ કરવા માંગુ છું."

નાવિકોએ વધારાનો, નકામો તમામ સમાન સમુદ્રમાં ફેંકી દીધો. જહાજ થોડું હળવું થયું. વિલિયમ તેજ ગતિથી ફેન્સીને બેઓકો ટાપુ તરફ હંકારવા લાગ્યો અને હેન્રી તેની કેબિનમાં જઈ સૂઈ ગયો.

વહેલી સવારે જ્યારે તે જાગ્યો ત્યારે ફેન્સીના તેના ક્રૂ એ તેની સામે ત્રણ યુવાનો, થોડો માલ અને થોડું સોનું હાજર કર્યું.

"કોણ છો તમે લોકો?"

હેન્રીએ હંમેશ મુજબની તેની કઠોરતા પૂર્વક પૂછ્યું.

"બાજુના ટાપુ પરના માછીમારો છે સા’બ. અમારી પાસે કંઈ નથી. અમારું સોનું, સિક્કાઓ રાખી લો પણ અમને જીવતા જવા દો. અમારા નાના નાના છોકરાઓ છે."

અવાજમાં આજીજી સાથે, કરગરતા સ્વરે એમાંનો એક યુવક બોલ્યો.

થોડીવાર એમની સામે જોઈ, એમની પરિસ્થિતિનો અંદાજ તેમજ આજીજીમાં રહેલી સત્યતાને માપી, તેની પોતાની થેલીમાંથી થોડાક સિક્કાઓ કાઢી ત્રણે ને થોડા થોડા આપી, હેન્રીએ તેના સાથીદારોને આદેશ આપ્યો.

"આ લોકોને એમની બોટ સુધી પાછા મૂકી આવો, આપણે સમુદ્રના રાજાઓ છીએ, ગરીબોને લૂંટનારા નહી!"

સાથીદારો એ તેના આદેશનું પાલન કર્યું અને ત્રણે યુવાનોને બોટમાં મૂકી આવવામાં આવ્યા."

કેટલું દૂર છે બેઓકો?"

વિલિયમ તરફ જોઈને પૂછ્યું.

"બસ થોડાક માઈલ"

વિલિયમે ટુંકો જવાબ આપ્યો.

હેન્રી એ વિલિયમને આછું સ્મિત આપ્યું અને ડેક પાસે જઈ ઊભો રહ્યો, તેનું ધ્યાન એક ખૂણામાં પડેલી ચામડાની પોથી પર ગયું, કદાચ કોઈ નાવિક એ નકામી વસ્તુને સમુદ્રમાં ફેંકવાનું ભૂલી ગયો હશે એમ વિચારી હેન્રીએ એ પોથી ઉપાડી. તેના પર જીણા અક્ષરે એક નામ લખેલું હતું. હેન્રીએ તે વાંચ્યું. 'જેમ્સ હેન્રી એવરી’ હેન્રીને યાદ આવ્યું કે એ પોથી તેને તેના પિતાજીએ,  જ્યારે તે નાનો હતો ત્યારે આપી હતી. એ પોથીને તાકી રહેલી તેની આંખો, થોડીવાર માટે ખુલી ને ખુલી જ રહી ગઈ. ભૂતકાળની અનેક યાદો તેના સ્મૃતિ પટ પર એક પછી એક પથરાવા લાગી. સાગરની લહેરોના પછડાટ સાથે ભૂતકાળના અનેક અવાજોના પડઘાઓ તેના કાનમાં ગુંજવા લાગ્યા. મમ્મીનો મીઠો ગુસ્સો, પપ્પાની સારી શિખામણો, ક્યારેક ઠપકો, ક્યારેક માર અને માર પછીનો ખૂબ જ વધુ પ્રેમ અને સારા નરસાની શીખ, એ ગામ અને ગામની ગલીઓ જ્યાં તે ભર્યા બપોર સુધી કે મોડી સાંજ સુધી રઝળ્યા કરતો અને મમ્મી કે મોટી બેન તેને જમવાના સમયે શોધવા આવતી, કાન પકડી ઘરે લઈ જતી. બ્રિટિશ નેવીમાં નોકરી મળી ત્યારે ગામ લોકો તેને શુભેચ્છા સાથે અર્ધે સુધી વળાવવા આવેલા એ તમામ દૃશ્યો એક પછી એક તાજા થઈ ગયા. થોડાક અશ્રુબિંદુ એ પોથી પર ટપકી પડ્યા અને હેન્રીએ એ પોથીને પોતાની છાતી સરસી ચાંપી લીધી!

"કેપ્ટન આપણે બીઓકો ના બારામાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. પણ ત્યાં એક બ્રિટિશ જહાજ લાંગરેલું દેખાય છે. શું કરું? બારામા પ્રવેશ કરવું કે પાછું વાળું?"

વિલિયમે દુરબીનમાં જોઈને મોટા સાદે ડેક પર ઉભેલા હેન્રી  ને પૂછ્યું.

હેન્રી એ પોતાની કમર પર બાંધેલું દૂરબીન લગાવી બ્રિટિશ જહાજનું નિરીક્ષણ કર્યું, તેના સાથીઓને આદેશ આપ્યો.

"ડેક પર ફરતા બેરેલ ગોઠવી દો જેથી જહાજનો દેખાવ વેપારી જહાજ જેવો લાગે. અને વિલિયમ! તું ફેન્સી ને બારા માં હાંકી શિપિંગયાર્ડમાં લંગર નાખ. સમારકામ જરૂરી છે."

આદેશનું પાલન થયું, જહાજના હથિયારોને છુપાવવા ફેન્સીની ફરતી બાજુએ બેરલ ગોઠવાઈ ગયા અને તેને એક વ્યાપારી જહાજના દેખાવમાં તબદીલ કરી દેવામાં આવ્યું. દરમિયાનમાં વિલિયમ, ફેન્સી ને ધીમી ગતિએ બંદરમાં આવેલા શીપયાર્ડ તરફ હંકારી ગયો અને ત્યાં પહોંચી લંગર નાખવામાં આવ્યા.

"સાથીઓ! આપણને મળેલ લૂંટના પૈસામાંથી જરૂરી વસ્તુઓ ખરીદી લો, જેવા કે સઢ અને પતંગા માટે થોડું જાડું અને ટકાઉ કાપડ, ઓછા પવનમાં પણ ફેન્સી ની ગતિ અવરોધાય નહી એ માટે પતંગા ની સંખ્યા વધારવી છે. તો એ મુજબ જરૂરી કાપડ. વળી, ફેન્સીના સંતુલન માટે તેને સપાટીએથી સમતલ બનાવવા માટે જરૂરી પાટિયા, તળિયા નું માપ લઈ તે મુજબ લઈ આવવાના છે. ફેન્સીનો વધારાનો અને નકામો ભાગ દૂર કરવાનો છે. બધા સાથીઓએ ત્રણ ટુકડીમાં વહેંચાઈ જઈ પાળી મૂજબ કામ કરવાનું છે અને આ બધા કર્યો ત્રણ દિવસમાં પૂરા કરવાના છે. તો લાગી જાઓ કામ પર! પૂરા જોશ સાથે! પૈસા ઓછા પડે, તો લુટેલો માલ વેચી મારવાનો છે. અને પાળીમાં કામ કર્યા પછીના સમયે આપ લોકો ટાપુ પર ફરવા જવા માટે મુક્ત છો."

હેન્રીએ પોતાનું તકનિકી જ્ઞાન કામે લગાડી ફેન્સીની ઝડપ અને સ્ફૂર્તિ સુધારવા માટેના તમામ કામોની વહેચણી તેના ક્રૂના સભ્યોની ત્રણ ટુકડીઓ વચ્ચે કરી દીધી. બધા જ સાથીદારો ઉત્સાહપૂર્વક કામે લાગી ગયા અને સોંપેલું કામ મહેનત પૂર્વક કરવા લાગ્યા. જે કોઈનો શીફ્ટમાં વારો ન હોય તે ટાપુ પર લટાર મારવા, દારૂના પીઠામાં, કોઈ બાગ બગીચામાં રખડવા પણ જતા. હેન્રી અને વિલિયમ પણ અન્ય સાથીઓ સાથે તેમના ફુરસતના સમયે લટાર મારવા નીકળી જતા.

કામ કરતી વખતે સાથીદારોમાંના કોઈક પોતાના ઘર કે પરિવારની યાદમાં કોઈક ગીત ગણગણતા, ક્યારેક બાગમાં બેઠેલો કોઈક સાથીદાર, ત્યાં પ્રેમગોષ્ટી કરતા યુગલોને જોઈ પોતાની પત્ની અને બાળકોને યાદ કરતા, તો ક્યારેક કોઈક બારમાં બેઠેલા, દારૂના નશામાં કોઈક ક્રૂ મેમ્બર તેના ખુશહાલ પરિવાર કે બાળકોની વાતો કરતા. આ બધી બાબતો હેન્રીના ધ્યાને પણ આવતી. જ્યારે ક્યારેય પણ તે પોતાના કોઈ સાથીદારને આવી અવસ્થામાં જોતો, ત્યારે તેની સામે પણ ક્ષણવાર માટે પેલી ચામડાની પોથી આવી જતી અને એ પછી તરત જ તેની ભૂતકાળની યાદો તાજી થઈ જતી, એ પોતે પણ પોતાના ભૂતકાળમાં ખોવાઈ જઈ, ઉદાસ થઈ જતો.

એક દિવસ ઘર, પરિવાર, માતા, પિતા, ગામ બધાની યાદોથી વ્યથિત થયેલો એ પેલી ચામડાની પોથીને પોતાના હાથમાં લઈને તેને એકીટીસે નીરખતો ઊભો હતો. એની ભીંજાયેલી આંખોમાં ઘર પ્રત્યેની મમતા છલકાતી હતી, એનું હૃદય વ્હાલસોયાને ફરી મળવું છે એવું કહી ધબકતું હતું અને કપાળ પરની રેખાઓ એના મસ્તિષ્કમાં ચાલતા કોઈ નિર્ણયનું આગમન સૂચવતી હતી, ત્યારે તેણે પોતાના જમણા હાથથી પોથીને વ્હાલથી પંપાળતા અને તેની સજળ આંખમાં રહેલા પાણીને એક અજાણી ક્રોધાગ્ની દ્વારા સૂકવી નાખીને  નિર્ણય લીધો — ’હવે માત્ર એક લૂંટ! એક એવી લૂંટ કે જીવનભર રાજા બની જીવીએ, એક એવી લૂંટ કે જેના પછી કંઈ કરવાની જરૂર જ ન રહે. એ પછી પરિવાર અને ખુશીઓ, મારા એકની જ નહી! ફેન્સીના મારા તમામ સાથી મિત્રોની જિંદગી પણ ખુશહાલ!

સમય પણ આ સાહસિકના એ નિર્ણયને વધાવીને ઇતિહાસના પાના પર અંકિત થવા ઉતાવળી ચાલે આવી રહ્યો હતો, સમયની ઘડીઓ પણ એ ઘટનાનો આકાર લેવા થનગની રહી હતી પણ હજુ વાર હતી! હજુ ઘણા બનાવો બાકી હતા!