પ્રકરણ - 3જહાજનું નામકરણ
રાત્રે શું બન્યું હશે એ જાણવાની ઉત્કંઠા સાથે, બીજા દિવસે સવારે ઉતાવળે ઉગેલા સૂરજે જ્યારે ક્ષિતિજ પર ખોડાતાં સાથે જ પોતાની અધખૂલી આંખો વડે આછેરું અંજન પાથરીને પૃથ્વી તરફ જોયું, ત્યારે એ જહાજ ગુલામીની અંધકારમય ઝંઝીરોને તોડીને આઝાદીના આછેરા પ્રકાશ સુધી પહોંચી ગયું હતું. મધદરિયે હંકારાતું એ જહાજ સમુદ્રની લહેરો વચ્ચે જાણે આઝાદીની ખુશીથી ઝૂમી રહ્યું હતું. પવનની લહેરખીઓથી ફરકતા સઢ, પતંગાના પડદાઓ એક આઝાદી ગીત જેવો ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યા હતા, જાણે કે જહાજને નાચવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. જહાજના આગળના પહોળા ભાગ સાથે અથડાતો પવન અને જહાજ સાથે વારંવાર અથડાતી અને શમી જતી લહેરો જાણે સઢના આ આઝાદી ગીતને સંગીત પૂરું પાડી રહી હતી! જહાજ દૈદિપ્યમાન પ્રકાશની દિશામાં આગળ વધી રહ્યું હતું, ઇતિહાસનું એક પ્રકરણ લખવા!
પૂર્વ કેપ્ટન ગિબ્સન પોતાની કેબિનમાં રાત્રિના નશામાંથી જાગ્યો અને આંખો ચોળીને બારીની બહાર જોયું તો તે આશ્ચર્યમાં પડ્યો. કિનારો ગાયબ! પોતે મધદરિયે! રાત્રિના નશાને લીધે તેનું માથું ધખધખતું હતું અને શું બન્યું છે તે તે જલ્દી નક્કી કરી શક્યો નહીં.
લથડિયાં ખાતો એ કેબિનની બહાર નીકળી ડેક પર આવ્યો અને જોયું, ત્યારે તેને ખાતરી થઈ કે પોતે નશામાં નથી અને જહાજ સાચે જ મધદરિયે છે.
ગુસ્સાથી તે રાતો પીળો થયો અને સુકાન કોના હાથમાં છે એ જાણવા માટે તે અંગારા ઝરતી આંખો લઈને સુકાન તરફ ઝડપભેર દોડ્યો. રસ્તામાં એક નાવિકે તેને અભિવાદન કર્યું, પણ તેને ધક્કો દઈને તે ઉતાવળી ચાલે સુકાન તરફ જતો રહ્યો. ત્યાં તેણે વિલિયમને સુકાન સંભાળીને બેઠેલો જોયો, એટલે ઘોઘરા અવાજે ઘાંટો પાડીને બરાડી ઉઠ્યો,
"મને કહીશ કે તું આ જહાજને હંકારીને ક્યાં લઈ આવ્યો છે? આ ખેપની તને પરવાનગી કોણે આપી?"
"આ જહાજ હવે આપણું છે, કેપ્ટન! ચાર્લ્સ-II પર હવે આપણું રાજ છે. રાત્રે બળવો થયો અને આપણે આ જહાજ લઈને આઝાદીના માર્ગે નીકળી પડ્યા છીએ. હવે આપણે સમુદ્રના રાજાઓ બનવાનું છે,"
વિલિયમ ચૂપ જ રહ્યો પણ પાછળથી આવેલા હેન્રીએ જવાબ આપ્યો.
"શું? બળવો? એટલે તમે લોકોએ બળવો કર્યો? અને હવે... ઓહ ભગવાન! આ શું કર્યું છે તમે લોકોએ?"
પૂર્વ કેપ્ટનનો અવાજ વધુ ઉગ્ર બન્યો અને તેણે ગુસ્સા સાથે પ્રશ્નોની ઝડી વરસાવી.
ક્ષણવાર ગિબ્સનની આંખમાં આંખ પરોવીને હેન્રી ચૂપ રહ્યો અને પછી પોતાનો ચહેરો વિમુખ કરતાં બોલ્યો,
"રાત્રે દારૂના નશામાં આપ પણ આપની કફોડી હાલતનું વર્ણન કરતા હતા. આપની હાલત પણ અમારાથી જુદી નથી. અને આમ ક્યાં સુધી જીવીશું! અમે નિર્ણય કર્યો છે કે હવે સમુદ્રી લૂંટો કરી નિર્વાહ કરીશું."
"સમુદ્રી લૂંટો! પાયરસી! મરશો બધા, ફાંસીએ ચઢશો!" અકળ એવી મનોસ્થિતિના આવેગ સાથે ગિબ્સન બોલ્યો.
"એ તો હવે પ્રારબ્ધ પર! અમે તો હિંમતના સથવારે નીકળી જ ચૂક્યા છીએ. હવે અટકવાના નથી. અને આપ જો સાથે રહેવા ઈચ્છતા હોવ તો કેપ્ટન પદ આપનું જ છે. હું પ્રથમ સાથી રહીને આપની સેવા માટે તત્પર રહીશ,"
ખૂબ જ શાંત ચિત્તે હેન્રીએ પોતાનો અફર નિર્ણય જણાવ્યો અને સાથે રહેવા અરજ પણ કરી.
હેન્રીની હિંમત, શાલીનતા અને તેમના પ્રત્યેનો સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોઈને ગિબ્સન થોડો નરમ પડ્યો અને કહ્યું,
"ઠીક છે! તું અને તારા સાથી મિત્રો તમારા માર્ગે સિધાવો, પણ પાયરસી જેવા કૃત્યમાં હું સાથે રહેવા નથી માગતો. મારી પરત જવાની કંઈક વ્યવસ્થા કરી આપ."
"ઠીક છે! જહાજ જ્યારે નજીકના ટાપુ પાસેથી પસાર થશે, ત્યારે તમને તેમજ જેઓ મારા કાર્યમાં સાથે રહેવા ન ઈચ્છતા હોય, એ તમામને બોટ દ્વારા ટાપુ પર છોડી દેવામાં આવશે,"
હેન્રીએ કહ્યું.
ત્યારબાદ ડેક પર પહોંચી, હેન્રીએ મોટા અવાજે સંદેશો કહ્યો,
"કેપ્ટન ગિબ્સન આપણી સાથે જોડાવા નથી માગતા. બીજા પણ કોઈ હોય કે જેઓ પાયરસી જેવા કામમાં જોડાવા ન માગતા હોય, તેમને બોટ દ્વારા નજીકના ટાપુ પર છોડી દેવામાં આવશે. તો જેઓ જોડાવા ન માગતા હોય, એ ટાપુ પર જવા તૈયાર રહે."
ટાપુઓ નજીક આવ્યા, એટલે પૂર્વ કેપ્ટન ગિબ્સન અને તેના બે સાથી મિત્રોને બોટ દ્વારા કિનારે છોડવામાં આવ્યા અને જહાજ ત્યાંથી કેપ વર્ડેની દિશામાં આગળ વધ્યું. ટાપુના કિનારાઓ આંખથી ઓજલ થયા, એટલે હેન્રીએ તેના તમામ નાવિક સાથીઓને એકઠા કરીને સંબોધન કર્યું,
"મારા સાથી મિત્રો! આ જહાજ અને આપણે આજથી કોઈના ગુલામ નથી. આપણે સૌ જેમ આજથી દરિયાના રાજા બનીશું, એ જ રીતે આ જહાજને પણ આઝાદીના પ્રતીક રૂપે હું તેના જૂના નામ ચાર્લ્સ-IIને તિલાંજલિ આપી, નવું નામ આપું છું - ફેન્સી!"
"આજથી આ જહાજ ફેન્સી નામથી ઓળખાશે અને ચાંચિયાઓની દુનિયામાં ફેન્સીનો વિજય ધ્વજ હંમેશા ફરકતો રહેશે."
બે વાક્યો કહીને હેન્રીએ તેના સાથી મિત્રોમાં એક અનેરો ઉત્સાહ અને જુસ્સો ભરી દીધો અને સૌ એક સાથે બોલી ઉઠ્યા,
"હા! ફેન્સીનો વિજય ધ્વજ ફરકતો રહેશે!"