મને હજી પણ એમ જ હતું કે પપ્પા અત્યારે મારા લગ્ન માટે ઉતાવળ નહીં કરે કારણ કે હજી ભાઈ સરખી નોકરી નથી કરતો. મમ્મીએ મામાને પણ કહ્યું કે મેં તારા બનેવીને કહ્યું છે કે હવે આના માટે છોકરો જોવાનું શરૂ કરે તો તરત જ મામાએ મમ્મીને કહ્યું મોટીબેન તમે બનેવીને કહેજો કે સારો છોકરો જુએ આ તો તમે જ્યાં કહેશો ત્યાં કરી દેશે એને ગમે છે કે નથી ગમતું કંઈ જ નહીં કહે એટલે સમજી વિચારીને છોકરો જોજો. મામાની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે મામા આટલું સારી રીતે મને ઓળખે છે કે પછી મામાને ખબર હશે કે મને એમના મિત્ર ગમતાં હતાં પણ મેં પપ્પાને દુ:ખ ન થાય એટલે કંઈ કહ્યું નથી. આમ જ થોડા દિવસ વિત્યા ને એેક દિવસ પપ્પાએ મમ્મીને કહ્યું કે આપણા ગામમાં જે તલાટી છે તેણે એક છોકરાની વિગત આપી છે પણ એે છોકરાની બહેન આપણા માસીના ઘરની બાજુમાં પરણેલી છે. ને તરત મમ્મીએ પૂછયું કે માસીના ઘરની બાજુમાં એટલે પેલો છોકરો જે કંઈ કરતો નથી અને ફર્યા જ કરે છે. પપ્પાએ હા પાડી. મમ્મીએ કહ્યું તમે બરાબર તપાસ કરજો આમ તો આ લોકોના ઘરમાં એમની દિકરી છે એટલે ઘર તો સારું જ હશે છતાં જોઈ લેજો. પછી જ વાત આગળ ચલાવજો. આ સાંભળીને મને બિલકુલ સારું ન લાગ્યું કારણ હજી હું લગ્ન માટે તૈયાર ન હતી. હું અંદર ને અંદર ઘુંટાતી હતી. જો હું લગ્ન માટે ના પાડું તો મારે કારણ આપવું પડે જે હું ઈચ્છતી ન હતી કે એ લોકો જાણે. એટલે હું ચૂપ હતી. એક દિવસ પપ્પા એમના માસીના ઘરે ગયા. હું સમજી ગઈ કે એ શું કામ ગયા હશે ? પણ હું એમને કંઈ કહી જ ન શકી. પપ્પા સાંજે ઘરે આવ્યા પણ કંઈ બોલ્યા નહીં. એટલે મને થયું હાશ આ વાત હવે આગળ નહીં ચાલે. અને હું પાછી મારી નોકરી અને ભાણિયામાં વ્યસ્ત થઈ ગઈ. થોડા દિવસ પછી પપ્પાના માસીના ઘરની બાજુમાં એમના જે મિત્ર હતા એ ઘરે આવ્યા. હું એ સમયે ભાણિયાને ટયુશન મોકલવા માટે તૈયાર કરી હતી અને પછી એને મૂકવા માટે નીકળી ગઈ અને ત્યાંથી સીધી મારી નોકરીએ જવાની હતી. એટલે ઘરે શું વાત થઈ મને ખબર ન પડી. સાંજે આવ્યા પછી પણ કોઈએ કંઈ કહ્યું નહીં અને મને એમ લાગ્યું કે આ વાત હવે પૂરી થઈ ગઈ. પણ થોડા દિવસ પછી પપ્પાએ મને કહ્યું કે તમે મને મળવા આવશો મારી ઓફિસ પર. મેં પપ્પાને પૂછ્યું કે ઓફિસ પર કેમ ? ત્યાં તો ઘણા બધા હશે અને મને કંઈ પૂછશે તો હું શું જવાબ આપીશ ? પણ પપ્પાએ કહ્યું ઘરે બોલાવે તો બધાને ખબર પડે અને કદાચ નક્કી ન થાય તો વાત બહાર પણ ન આવે એટલા માટે. હું કંઈ બોલી નહીં. અને તમે આવ્યા ઓફિસ પર. મામાએ કહ્યું હતું એમ મારે તો કંઈ પૂછવાનું કે જોવાનું હતું નહીં પણ મેં તમને કહ્યું હતું કે તમારે જે પૂછવું હોય તે પૂછો. અને તમે પણ કંઈ પૂછયું ન હતું. બસ થોડી ઔપચારિક વાતો કરીને તમે નીકળી ગયા. પણ પછી મને યાદ આવ્યું કે મારા પગ પર જે ડાઘા છે તેની તમને જાણ છે કે નહીં એ તો પૂછયું જ નહીં. અને મેં ઘરે આવીને પપ્પાને કહ્યું કે તમે મારા પગ પરના ડાઘાની વાત કરી છે કે નહીં ? એમણે મને ના પાડી અને તરત જ મેં પપ્પાને કહ્યું કે આ તો કહેવું જ પડે નહીંતર એમ થશે કે આપણે એમને છેતર્યા છે.