મારી વાત સાંભળીને પપ્પાએ કહયું કે ના મેં વાત નથી કરી. એટલે મેં એમને કહ્યું કે તો પછી વાત કરો અને પછી આ વાતને આગળ વધારજો. પપ્પાએ કહ્યું હું મારા મિત્રને કહીશ. તમે ફરી એક વાર મળજો અને ત્યારે તું વાત કરી દેજે. આ પહેલી વખત હતું કે પપ્પાએ કોઈ વાત જાતે ન કરીને મારી પાસે કહેવડાવી હોય. (પણ મને અત્યારે એટલે કે મારા પચાસ વર્ષ પૂરા થયા ત્યારે ખબર પડી કે પપ્પા હકીકતનો સામનો જાતે કરતા ન હતા ને મારી પાસે કરાવતા હતા, બધું બરાબર થઈ જાય પછી નિરાંતે બેસી જતા). મેં હા પાડી. મને એક એવી આાશા હતી કે મારી વાત સાંભળીને તમે લગ્ન માટે ના પાડી દેશો. લગભગ બે ત્રણ મહિના પછી ફરી તમે મળવા આવ્યા. મેં સીધું જ તમને મારા પગની પાની બતાવી દીધી જેના પર ડાઘા હતા. તમે મને પૂછ્યું બીજે ક્યાંક છે ? મેં ના પાડી. તો તમે કહ્યું મને કંઈ જ વાંધો નથી પણ ઘરે એકવાર વાત કરી લઉં. પછી ખબર પડે. મેં હા પાડી. પપ્પાએ મને પૂછયું શું કહ્યું તમે ? મેં કહ્યું કે ઘરે વાત કરીને જણાવશે એમ કહ્યું. હવે તમારો જવાબ આવે એની રાહ જોવાની હતી. મારે તો કંઈ વિચારવાનું જ ન હતું. કારણ કે પપ્પાએ સમજી વિચારીને જ તમારી સાથે સંબંધ બાંધવાનું કહયું હોય ને. અને એકાદ મહિના પછી તમારે ત્યાંથી કહેવડાવવામાં આવ્યું કે તમે તમારી મમ્મી અને બેન સાથે મને મળવા આવવાના છો. પપ્પાએ મને કહ્યું કે એ લોકો આવે ને જે વાત કરવી હોય તે કરી લેજે. મારે તો કોઈ વાત કરવાની જ ન હતી. તમે આવ્યા તમારી મમ્મી અને બેન સાથે. મેં એમને પણ ડાઘા બતાવી દીધા. ત્યારે તમારી મમ્મી એમ બોલ્યા કે અમને કંઈ વાંધો નથી. અમારે ખાલી એ જોવું હતું કે ડાઘા સફેદ તો નથી ને. બાકી અમે તો તૈયાર છે લગ્ન માટે. અમે તો વેવાઈને કહયું જ હતું કે અમારે તો નોકરી કરતી છોકરી જ જોઈએ છે. મને આ સાંભળીને જરા વિચિત્ર લાગેલું પણ કંઈ બોલાયેલું નહીં. ઘરે આવીને પપ્પાએ પૂછયું કે શું કહ્યું ? ને મેં પપ્પાને જે વાત થઈ હતી તે કહી. આટલા વખતમાં જેટલી પણ વખત આપણે મળ્યા એક પણ વાર મમ્મી કે પપ્પા કોઈ પણ મારી સાથે આવ્યું ન હતું. તમારા મમ્મી આવ્યા ત્યારે પણ કોઈ ન આવ્યું મારી સાથે. મને કંઈ સારું ન લાગ્યું પણ હું બોલી નહીં. આમ પણ મને લગ્ન નો ઉત્સાહ તો હતો નહીં. તમારે ત્યાંથી જ્યારે હા આવી ત્યારે પપ્પાએ એમ કહ્યું કે હવે આપણે એમને ઘરે બોલાવીએ. અને એક દિવસ નક્કી થયો. એ દિવસે મામા, ફોઈ ફુઆ બધાને ઘરે બોલાવ્યા હતા. તમારા બનેવીનું એક ઘર મામાના ગામમાં હતું એટલે મામા એમને સારી રીતે ઓળખતા હતા. અમારા ઘરમાં પણ બધા તમારા બનેવીને સારી રીતે ઓળખતા હતા. અમે બધા તમારા બનેવીને રખડેલ છોકરા તરીકે જ ઓળખતા હતા. પણ એમના લગ્ન પછી અમે કોઈ દિવસ મળ્યા ન હતા અને પપ્પાએ કહ્યું એ લગ્ન પછી સુધરી ગયા છે. એટલે આગળ જતાં કંઈ વાંધો નહીં આવે. તમારા બનેવીને લગતો સવાલ મામાને જ આવ્યો હતો અને મામાએ મમ્મીને કહયું હતું કે મોટાબેન મેં તમને કહયું હતું કે સારી જગ્યા જોજો આ કંઈ બોલવાની નથી. પણ તમે ન માન્યું ને. ને મમ્મીએ કહ્યું કે છોકરો સારો છે અને ઘર પણ સારું છે. કંઈ વાંધો ન આવે. વળી, એ લોકોને આના પગના ડાઘા વિશે ખબર છે છતાં તૈયાર છે તેઓ લગ્ન માટે. આનાથી વધારે બીજું શું જોઈએ ? મામાએ કહ્યું એટલે જ તો કહું છું કે બરાબર તપાસ કરી છે ? મમ્મીએ હા પાડી એટલે બીજું કંઈ પૂછવા જેવું હતું જ નહીં મામા પાસે.