મેં ફરીથી ભણવામાં ધ્યાન લગાવી દીધું. આ વખતે બીજા કોઈ જ વિચારોને મગજમાં આવવા જ ન દીધા. ન એમના કે ન ઘરના. શાળામાં પ્રિલિમ પરીક્ષાની તારીખ ખાવી ગઈ હતી. હું એમાં વધારે ને વધારે માર્ક્સ લાવવા માગતી હતી. આ પરીક્ષા વખતે મારો કોર્ષ પૂરો કરી દઉં તો પછી મને રિવિઝનનો સમય મળે એમ વિચારતી હતી. પણ થયું કંઈ જુદું જ. મારા પગ પર જે ડાઘા હતા તે ટેન્શનમાં વધશે એમ ડોકટરે કહ્યું હતું અને એમ જ થયું. એ ડાઘા પાણી ભરાયને મોટા ફોડલાં બનવા માંડ્યા હતા અને એમાં ખંજવાળ પણ ખૂબ જ આવતી. ખંજવાળ આવે એટલે એ વધે એમ પણ કહ્યું હતું. પરંતુ ખંજવાળ કોઈ પણ રીતે મટતી ન હતી. એટલે મારે ઘરે જવું પડ્યું ડોકટરને બતાવવા. અને એ જ સમયે મને પેટમાં દુખવાનું ચાલું થયું. ચામડીના ડોકટરને બતાવીને દવા લીધી અને પેટના દુખાવા માટે અમારા ફેમિલિ ડોકટરની દવા લઈ હું પાછી ફોઈના ઘરે આવી ગઈ. મેં ઘરમાં કોઈના પર પણ ધ્યાન આપ્યું બસ મારું કામ પતાવીને આવી ગઈ. કારણ કે મને ખબર હતી કે જો હું કોઈને કંઈપણ પૂછવા જઈશ તો હું ફરીથી ફોઈને ત્યાં ન જઈ શકીશ. અને હું આવી ગઈ. ચામડીની દવાથી થોડી રાહત થઈ પણ પેટમાં દુખવાનું બંધ થતું ન હતું. ઓછું થયું હતું. આમ ને આમ જ મેં પ્રિલિમની પરીક્ષા આપી. આ વખતે પરીક્ષા આપીને હું તરત જ નીકળી જતી. આજુબાજુ જોતી પણ નહીં કારણ કે જો કદાચ હું એમને જોઈ લઉં તો ઘરે જઈને પણ થોડો સમય તો એમના જ વિચારો આવે. અને હું મારો વાંચવાનો સમય બગાડવા માંગતી ન હતી કારણ કે આમ પણ ખંજવાળ અને દુખાવાને લીધે બરાબર વંચાતું ન હતું. પરીક્ષા પૂરી થઈ. મને પેટના દુખાવામાં કોઈ પણ રાહત ન હતી એટલે મારે ફરી ઘરે જવું પડ્યું. અમારા ફેમિલિ ડોકટરે કહ્યું કે ગાયનેકોલોજિસ્ટ ને બતાવવું પડશે. એટલે અમે એમણે કહ્યું તે ડોકટરને બતાવ્યું. એક્ષ રે પરથી ખબર પડી કે મારા ગર્ભાશય પર સોજો છે. મને આરામ કરવાનું કહેવામાં આવ્યું. એટલે હું પાછી ફોઈને ત્યાં ન જઈ શકી. ઘરે જ રોકાવું પડ્યું. દુખાવો અસહ્ય હતો એટલે પ્રેક્ટિકલ માટે શાળાએ પણ ન જઈ શકાયું. ખૂબ અગત્યના પ્રેક્ટિકલ હું ન શીખી શકી. પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું. હું પાસ તો થઈ પણ જે પ્રમાણે વિચાર્યું હતું એવું રિઝલ્ટ ન આવ્યું. મેં ઘરે કહ્યું મારે ફોઈને ત્યાં જવું છે હું ત્યાં જઈને વાંચીશ અને આરામ પણ કરીશ. હવે મને થોડી દુખાવામાં રાહત થવા માંડી હતી. મારા ભાઈની પણ પ્રિલિમ પરીક્ષા થઈ હતી. એનું રિઝલ્ટ બધાના જાણવા પ્રમાણે નાપાસ જ આવ્યું. એને એના રિઝલ્ટથી કોઈ ફરક ન પડ્યો. એ તો રમવા નીકળી ગયો. હું ફોઈના ઘરે આવી ગઈ. પહેલાં કરતાં વધારે ધ્યાનથી મેં વાંચવા માંડ્યું. સમય જોયા વગર મારી મહેનત ચાલુ હતી. ફોડલાંમાં થોડી રાહત હતી પણ પેટનો દુખાવો ચાલુ હતો. પણ મેં ગણકાર્યું જ નહીં. બસ વાંચ્યા જ કરતી. બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થઈ. બે પરીક્ષા સારી ગઈ પણ ત્રીજી પરીક્ષામાં મારાથી જે પ્રેક્ટિકલમાં શાળાએ ન જવાયેલું તે પ્રેક્ટીકલ આવ્યો. મને ની આવડું. હું એને લગતું જે વાંચીને ગયેલી તે લખી આવી પણ મને કરતાં ન આવડ્યું. મને થયું કંઈ ની પ્રશ્નોના જવાબ તો મેં લખ્યા છે એટલે પાસ તો થઈ જવા. અને આમ કરતાં કરતાં બોર્ડની પરીક્ષા આવી ગઈ. આગલા દિવસે પપ્પા મને મળવા આવેલાં. મને કહ્યું ફિકર ના કરતી. શાંતિથી પેપર લખજે. મહેનત કરી છે એનું ફળ સારું જ મળશે. મને થોડી હિંમત મળી. ને બીજા દિવસ થી મારી પરીક્ષા શરૂ થઇ.