આ સમયે મારો ભાઈ છઠા ધોરણમાં હતો. બેન દસમા ધોરણમાં હતી. ભાઈ કોઈવાર શાળાએ જાય કોઈવાર ન જાય. કોઈ ને કોઈ બહાના કરીને રજા પાડે. પછી ખબર પડી કે એપેન્ડિકસ છે એટલે એનું ઓપરેશન કરાવ્યું. આમ એને શાળાએ ન જવાનું બહાનું મળી ગયું. બેન દસમાં ધોરણમાં હતી. એ સારા ટકાએ પાસ થઈ ગઈ. પપ્પાએ એને સાયન્સ લેવાનું કહ્યું પણ એણે કોમર્સ લીધું. પપ્પાને ન ગમ્યું.
આમ જ બે વર્ષ વીતી ગયા. હું દસમા ધોરણમાં આવી. અમારું સંયુક્ત કુટુંબ એટલે વાંચવાની મોકળાશ મળે નહીં. એક દિવસ મામા ઘરે આવ્યા. એમણે કહ્યું તું મારી સાથે ઘરે ચાલ પરીક્ષા સમયે આવી જજે. ક્યારેક ટ્યુશન આવવાનું હશે તો હું લઈ આવીશ. અને હું મામાના ઘરે વાંચવા ચાલી ગઈ. હું આખો દિવસ વાંચ્યા જ કરતી. ક્યારેક ટ્યુશન આવવાનું થાય તો મામા સાથે બસમાં આવતી અને ટ્યુશન થી છૂટી ફરીથી મામાને ત્યાં આવી જતી. એક દિવસ મારા નાનીએ કહ્યું દિકરા આખો દિવસ વાંચ્યા કરે છે સાંજે થોડો સમય તારી બહેનપણીઓ સાથે બહાર બેસ. એટલે હું લગભગ અડધો કલાક જેવું બહાર બેસતી. આમ જ એક દિવસ અમે બહાર બેઠા હતા ત્યારે ફળિયામાંથી મેં એમને આવતા જોયા અને અચાનક એમને જોઈને જાણે હું સ્તબ્ધ થઈ ગઈ. એ મામાના ઘર પાસેથી પસાર થયા અને આગળ છેલ્લું ઘર હતું તેમાં ગયા. એ ઘરનું આગળનું અને પાછળનું બારણું સામસામે હતું જે મામાના ઘરના પાછળના બારણાની સામે હતું. હું દોડતી પાછળ ગઈ અને ત્યાંથી જોતા એમને એ ઘરમાં આવતા જોયા. હું ખૂબ ખુશ થઈ ગઈ. બીજા દિવસે પણ આમ જ થયું. પછી તો આ નિત્યક્રમ બની ગયો. હું એમને ફળિયામાંથી આવતા જોતી અને પછી પાછળના બારણેથી તેમને બીજા ઘરમાં પ્રવેશતાં જોતી. પણ એ કોણ છે હું હજી સુધી જાણી શકી ન હતી. આમ, એમને જોયા પછી જાણે વાંચવામાં વધારે મજા આવતી. હું વધારે ને વધારે મહેનત કરવા લાગી. સાથે એમને જોવાનું પણ ચૂકતી નહીં. આમ જ બોર્ડની પરીક્ષા નજીક આવી અને હું મારા ઘરે પાછી આવી ગઈ. પરીક્ષા પૂરી થઈ ગઈ અને મેં વેકેશનમાં બીજા કલાસ ચાલુ કર્યા. મારે સાયન્સ લેવું હતું અને એટલે મેં તે પ્રમાણે આગળ જાણકારી મેળવવા માંડી. આ એવો સમય હતો જ્યારે મને એમની યાદ આવતી હતી પણ મારે ભણવું હતું એટલે હું એ ગણકારતી ન હતી. દસમા ધોરણનું રિઝલ્ટ આવી ગયું. હું સારા ટકાએ પાસ થઇ ગઈ જેથી મારું સાયન્સ લેવાનું સપનું પૂરું થયું. એવું ન હતું કે બેને સાયન્સ ન લીધું એટલે મારે લેવું હતું પણ નાની હતી ને મારો જે એકિસડન્ટ થયેલો ત્યાર પછી મારા શરીર પર ડાયા પડી ગયા હતા અને ચોમાસામાં ફોડલાં સ્વરૂપે મોટા થતા હતા. ધીરે ધીરે આખા શરીર પર થવા લાગ્યા હતા. કોઈ પણ દવાથી સારા થતા ન હતા અને એટલે મેં વિચારેલું કે હું મોટી થઈને ડોકટર બનીશ. મામાના ગામમાં પણ બધા ખૂબ જ ખુશ થઈ ગયા. બધા જ મમ્મી પપ્પાને કહેતાં કે ભાણીએ ખૂબ મહેનત કરી એનું પરિણામ મળ્યું. મારે જે શાળામાં એડમીશન જોઈતું હતું ત્યાં મને મળી ગયું. હું અગિયાર સાયન્સમાં અભ્યાસ કરવા લાગી. સવારે શાળાએ જવાનું, બપોરે ટ્યુશન જવાનું અને સાંજે ઘરે આવીને પાછું વાંચવા બેસી જવાનું. આ બધાની વચ્ચે મારી બહેને પણ બારમું ધોરણ પાસ કરી દીધુ. મારો ભાઈ નવમા ધોરણમાં આવ્યો. પપ્પાએ એને ટેકનિકલ શાળામાં ભણવા મૂક્યો. આમ ને આમ ફરી પાછી નવરાત્રિ આવી.