મારી નોકરી ચાલુ હતી. ભાઈ ઘરે જ હતો. મેં પપ્પાને કહ્યું ભાઈને કોમ્પ્યુટર કલાસમાં મૂકી દો. કદાચ કોઈ સારી નોકરી મળી જાય એને. પપ્પાએ ભાઈને પૂછયું તું કોમ્પ્યુટર કોર્ષ કરીશ ? ભાઈએ હા પાડી. એટલે પપ્પાએ ભાઈને પણ કોમ્પ્યુટર કલાસમાં મૂકી દીધો. મારો અને એનો સમય જુદો હતો. હું સવારે જતી હતી એનો સમય બપોરનો હતો. પણ તે ત્યાં પણ સરખું જતો ન હતો. કોઈ દિવસ જાય કોઈ દિવસ ન પણ જાય. આમ જ દિવસ પસાર થતાં હતા. મમ્મીએ પપ્પાને મારા માટે છોકરો શોધવાનું કહ્યું. પણ પપ્પાએ કહ્યું કે હજી વાર છે પછી શોધીશું. આમ પણ હું લગ્ન માટે તૈયાર ન હતી. એટલે પપ્પાનો વિચાર એ સમયે મને સારો જ લાગ્યો. એટલામાં પપ્પાએ મારા માટે બીજી નોકરી શોધી. કોઈ કંપની હતી. કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી હતી. ત્યાં પગાર સારો હતો. મને જરા ખચકાટ થયો એ નોકરી કરવાનો કારણ કે ત્યાં લગભગ દસ થી અગિયાર છોકરાઓ હતાં જે માર્કેટિગ કરતા હતા અને ઓફિસમાં હું, એક બીજી છોકરી અને ઓફિસના સાહેબ અમે ત્રણ જણ. બધા છોકરાઓ સવારે ઓફિસ પર આવે અને આખો દિવસ બહાર જાય પણ કોઈ ને કોઈ તો ઓફિસ પર આવ્યા જ કરે. આટલા બધા છોકરાઓ સાથે મારે વાત કરવાની, એમના રિપોર્ટ લેવાના બધું જ કામ એમની સાથે હતું. મેં કોઈ દિવસ કોલેજમાં પણ કોઈ છોકરા સાથે વાત નહોતી કરી. ફક્ત મારે જેની સાથે પ્રેકટીકલ કરવાનો હોય એની સાથે વાત કરતી. એટલે મારે આ નોકરી નહોતી કરવી પણ પપ્પાએ કહ્યું અહીં પગાર સારો છે એટલે કરાય પણ હું એમને મારો ખચકાટ ન સમજાવી શકી. અને મેં એ નોકરી શરૂ કરી દીધી. ભાઈ તો ઘરે જ હતો. જેમ તેમ એણે કોર્ષ પૂરો કર્યો પણ એ કોમ્પ્યુટર કલાસ માંથી જ એક નોકરી એને મળી પણ એને ત્યાંનો પગાર ઓછો પડ્યો અને એણે એ નોકરી કરવાની ના પાડી દીધી. મેં અને પપ્પાએ એને સમજવ્યો કે શરૂઆતમાં તો ઓછો જ પગાર મળે પણ પછી વધશે તું એકવાર નોકરી શરૂ તો કરી દે. પણ એ ન માન્યો. ફરી આખો દિવસ એ ઘરે રહેવા માંડયો. મમ્મીએ ફરીથી પપ્પાને કહ્યું મારા લગ્ન માટે. પપ્પાએ કહ્યું મારા લગ્ન કરાવી દેશે તો ઘરમાં આવક બંધ થઇ જશે, અને ભાઈ પણ કંઈ કરતો નથી એટલે અત્યારે નહીં. પણ મમ્મીએ કહ્યું તમે અત્યારથી જોવાનું ચાલું કરશો તો એકાદ બે વર્ષે કંઈ મેળ પડી રહેશે. નહીંતર પછી ઘણું મોડું થઈ જશે. પપ્પાએ કંઈ જવાબ ન આપ્યો એટલે મને શાંતિ થઈ કે હાશ હજી પણ વાર છે. હું લગ્ન માટે હજી પણ તૈયાર ન હતી. કારણ કે હું એમને ભૂલી જ ન હતી. વળી, એક દિવસ મામાએ કહ્યું કે એમને ત્યાં દિકરી આવી. આ સાંભળીને મારે ખુશ થવું કે દુખી થવું એ મને ખબર જ ન પડી. પણ મારી આંખોમાંથી આંસુ તો નીકળી જ ગયા. મામાએ પૂછયું કેમ રડે છે શું થયું ? મેં કહ્યું કંઈ નહીં એે તો આાંખમાં કંઈક કચરું પડી ગયું. હવે મને ખાતરી થવા લાગી હતી કે હું જેને આકર્ષણ સમજતી હતી એ ખરેખર પ્રેમ હતો. કારણ કે અત્યારે તો હું કેટલા બધા છોકરાઓ સાથે કામ કરું છું છતાં કોઈના પ્રત્યે કોઈ લાગણી થતી નથી. બસ કામ પૂરતું જ કામ. પણ હવે આ વાતનો કંઈ જ અર્થ ન હતો. હવે કંઈ જ થઈ શકે એમ ન હતું. હું એેમને ગુમાવી ચૂકી હતી. અને આ વાત મારે સ્વીકારવાની હતી.