એ સમયે મારું બધું જ ધ્યાન ફક્ત ભણવા પ૨ હતું. હું ખૂબ જ મહેનત કરતી હતી. ફોઈના ઘરે ફોઈ પણ નોકરી કરતાં હતા. એમનો દિકરો કોલેજમાં હતો અને દિકરી દસમાં ધોરણમાં. એમની દિકરી ભણવામાં સામાન્ય હતી. પણ હું ત્યાં ગઈ એટલે એ મારી સાથે વાંચવા બેસી જતી. ફોઈ ખુશ હતા કે એમની દિકરી મારી સાથે ભણવા બેસતી અને ન આવડે તો મને પૂછી પણ લેતી. દિવસે વીતતાં નવરાત્રિ નજીક આવી ગઈ. પણ આ વખતે મારાથી મામાને ત્યાં જવાય એવું મને લાગતું ન હતું કારણકે ટ્યુશન, શાળા અને વળી પ્રથમ પરીક્ષા પણ નજીક આવી રહી હતી. પણ મમ્મી પપ્પા એક દિવસ ફોઈના ઘરે આવેલાં અને કહ્યું ત્રણ દિવસ ન અવાય પણ દશેરાના દિવસે મામાને ત્યાં જવા માટે આવજે આ વખતે માતાજીની ગરબી તારે લેવાની છે. અને હું ખુશ થઈ ગઈ કે મને એ જોવા મળશે ભારે એક જ દિવસ પણ હું એમને જોઈશ. અને હું ગઈ. મામાને ત્યાં. આખો દિવસ તો માતાજીની ગરબીના વિસર્જન ની તૈયારીમાં નીકળી ગયો. રાત પડવા આવી ને હું તૈયાર થઇ. માતાજીની ગરબી લેવાની હતી એટલે મેં ચણિયાચોળી પહેર્યા. હું તૈયાર થઈ હતી ને મનમાં વિચાર હતા કે એ મને જોઈને આ વખતે તો મારી પાસે આવી ને મારી સાથે વાત કરે. અને હું ગરબા રમવા ગઈ. પણ મને એ ત્યાં ન દેખાયા. જો કે એમના મિત્રો પણ ન હતા. એટલે મને થયું કે બધા કશે ગયા હશે. અને એટલામાં જ મેં એમને અને એમના મિત્રોને આવતા જોયા. એમની નજર પણ મારા પર પડી. એેક ક્ષણ માટે મને એમ લાગ્યું કે જાણે એ એમની આંખોથી મને કડી રહ્યા છે કે હું ખૂબ સરસ દેખાઉં છું. અને એ પણ ગરબા રમવા માંડ્યા. ને હું એમને જોતી રહી. એમને જોતાં જોતાં માતાજીની ગરબી વિસર્જનનો સમય થઈ ગયો. મેં ગરબી માથે ઉપાડી અને મારી સાથે મામા, એમના મિત્રો, મમ્મી વગેરે જોડાયા. એ શરૂમાં ત્રણ ચાર ડગલાં સાથે ચાલ્યા પણ પછી પાછા વળી ગયા. મને લાગ્યું કદાચ બધા છે એટલે એ પાછા વળી ગયા. પણ મને એમનું બે ચાર ડગલાં મારી સાથે ચાલવું મને કંઈક અલગ જ આનંદ આપી ગયું. દર્શેરાની રાત વીતી અને હું ફરી ફોઈના ઘરે આવી ગઈ. શાળામાં પ્રથમ સત્રની પરીક્ષા શરુ થઈ ગઈ. પણ મેં જોયું કે પરીક્ષા આપીને હું શાળામાંથી નીકળું તો એ શાળાના પ્રાંગણમાં છે. મને નવાઈ લાગી કે પરીક્ષા તો ખૂબ જ વહેલી પતી જાય તો આટલા જલ્દી આ અહીં કેવી રીતે ? ને તરત વિચાર આવ્યો કે એ અહીં ભણ્યા છે તો એમને અહીં બધા ઓળખતા હશે અને એટલે જ એમણે શાળાનો સમય જાણી લીધો હશે અને આટલા વહેલાં અહીં આવી ગયા. આ બધું વિચારતાં હું એમને જોતી જોતી બહાર નીકળી ગઈ. એ પણ મને જોઈ જ રહ્યા. ખબર નહીં પણ અમે બંને એકબીજાને જોઈ જ રહેતાં વાત કરવાની ન એમણે કોશિશ કરી ન મેં. કદાચ એ પણ મને જોવા જ ત્યાં સુધી આવતા હતા એવા વિચારો મારા મનમાં આવતા હતા. એ વિચારોમાં ને વિચારોમાં હું ક્યારે ફોઈના ઘરે પહોંચી ગઈ ખબર જ પડી. પણ ઘરે પહોંચ્યા પછી મેં એમન વિચારો કરવા મૂકી દીધા અને ફરી બીજી પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગઈ. પણ મેં આ પરીક્ષા વખતે જોયું કે એ પરીક્ષાના દિવસોમાં રોજ આવ્યા અને એ પણ એકલાં. પણ મને કોઈ દિવસ વાત કરવા પણ ઉભી ન રાખી કે ન મેં એમની સાથે વાત કરવાની કોશિશ કરી.