Bhool chhe ke Nahi ? - 1 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 1

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 1

             દોસ્તો,આજે બસમાં જવાનું થયું. મારી બાજુમાં એક બહેન બેઠા હતાં. કંઈક ગંભીર વિચારમાં હોય એવું લાગ્યું. એમની આંખો પાણી ભરતી હતી અને એ દુનિયાથી છુપાવતાં હતા. હું હજુ એમને કંઈ પૂછું એ પહેલાં તો એ બસમાંથી ઉતરી ગયા અને એટલી ઝડપથી કે એમની ડાયરી એમના પર્સમાંથી પડી ગઈ તો પણ એમને ખબર ન પડી. ડાયરીમાંથી એમનો કૉન્ટેક્ટ નંબર મળી જાય એમ વિચારી મેં એ ડાયરી ખોલી પણ એમાં તો એમણે એમના મનની વાત લખી હતી. આમ કોઈની ડાયરી ન વંચાય એ ખબર હતી પણ પહેલાં જ પાના પર લખ્યું હતું કે મારી શું ભૂલ છે કોઈ સમજાવો. અને મને વાંચવાનું મન થયું. આખી ડાયરી વાંચી પણ મને એમના પ્રથમ પાના પરના પ્રશ્નનો જવાબ ન મળ્યો અને એટલે જ હું એ અક્ષરસઃ લખું છું કદાચ કોઈ  એ  જવાબ શોધી શકે તો મને જણાવે અને મને સ્ત્રીની એક સરસ આત્મકથા મળી એમ સમજીને. દોસ્તો વાંચીને પ્રતિભાવ ચોક્કસ આપજો શું ખબર આટલું સરસ લખવાવાળા બહેન માતૃભારતી વાંચતા હોય અને એમના સવાલ નો જવાબ મળવાથી એમને જીવન જીવવા માટે નવું બળ મળી જાય.                        

માનું છું ભૂલ થઈ છે. રોકી શકી હોત મારી જાતને પણ એક પછી એક એટલી મુસીબતો આવતી ગઈ કે હું પોતે તૂટવા માંડી હતી, પણ તમને હિંમત આપતી. એ હિંમત લાવવા જ હું એમની સાથે વાત કરતી. ખબર ની કેમ પણ એમની સાથે વાત કરીને મને સારું લાગતું. કોઈ આડી અવળી વાત નહીં પણ એ એની દિકરીની વાત કરતો હું આપણા સંતાનોની. બસ.           

  તમને સમજાશે કે નહીં મને નથી ખબર પણ હું તમને શરુઆતથી જણાવુ. અમે ત્રણ ભાઈ બહેન. બેન મારા કરતાં મોટી અને ભાઈ નાનો. મમ્મી, પપ્પા, કાકા કાકી અને એમના ત્રણ સંતાનો અને દાદી. અમે બધા સાથે રહીએ. અમે કુલ છ ભાઈ બહેન. બધાની વચ્ચે એક એક વર્ષનો તફાવત. એટલે લગભગ બધા સરખા. સાથે રમીએ, સાથે શાળાએ જઈએ, સાથે સૂઈ જઈએ. એકબીજા વગર કોઈને ન ચાલે. રાત્રે જમ્યા પછી પપ્પા અમને ભણવા બેસાડતા. કાકી એમના સંતાનોને અમારી સાથે ભણવા ક્યારેવ ન આવવા દેતા. હું બરાબર વાંચીને બધું જ લેશન પૂરું કરતી. બેનને પપ્પાએ ખીજવાવું પડતું એટલે એ પણ કરી લેતી. પણ ભાઈ કંઈ ને કંઈ બહાના કાઢીને ત્યાંથી છટકી જતો. એક દિવસ શાળાએ જતાં મારો અકસ્માત થયો. મારા પગ પર સ્કૂટરનું ટાયર ફરી ગયું. મને ખૂબ વાગ્યું. ઘા સારા થઈ ગયા પણ ડાઘા રહી ગયા. ડોકટરે કહ્યું આ વાગેલાના ડાઘા નથી. આ તો એને ટેન્શનને લીધે થાય છે. તમારે એને કોઈ પણ ટેન્શન આપવાનું નહીં. ભણવા માટે પણ નહીં કહેવાનું. એ જે કહે તે કરવાનું. ને પપ્પાએ મને ભણાવાનું કહેવાનું છોડી દીધું. છતાં હું તો ભણતી જ હતી. પણ ભાઈને બહાનું મળી ગયું કે બેન ને ની બેસાડો એટલે હું પણ નહીં બેસું. વળી એને ખબર પડી ગઈ કે બેન જે કહેશે તે પપ્પા કરશે એટલે એને જે કંઈ જોઈતું હોય તે એ મને કહેતો કે તું પપ્પાને કહે મને અપાવે અને હું એની લાગણીમાં ખેચાઈને પપ્પા પાસે એ જે કહેતો એ કરાવતી. આમ જ અમે મોટા થતા ગયા. અમારા ઘર પાસે કોઈ દિવસ નવરાત્રિ ઉજવાતી નહીં. અમે દર વર્ષે  નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ મામાના ઘરે જતા. ત્યાં ખૂબ જ મોટા પાયે નવરાત્રિ ઉજવાતી. વળી મામાને ઘરે માતાજીનો ગરબો મૂકાતો એટલા માટે પણ જતા. લગભગ હું આઠમા ધોરણમાં હતી. એ દશેરાએ મેં એમને જોયા. મને ખબર ના પડી પણ એ મને ખૂબ ગમ્યા. પછી તો દરેક નવરાત્રિ જાણે એમને જોવા માટે આવતી. મને ગમતું એમને જોવાનું. એ કોણ છે મને ખબર ન હતી, બસ નવરાત્રિમાં એમને જોતી અને બીજી નવરાત્રિ આવે તેની આતુરતાથી રાહ જોતી.