મારી બહેનપણીએ મારી સામે જોયા જ કર્યુ. મારી આંખોમાં આંસુ આવી ગયા ને મેં એનાથી મોં ફેરવી લીધું. એટલે તરત જ એણે મને પૂછયું સાચું બોલ વાત શું છે ? ને મેં એને બધી જ વાત કરી. એને પણ સમજાયું કે ન કહેવાથી શું થઈ શકે છે ? છતાં એણે એને જે છોકરો ગમતો હતો એને કહેવાની હિંમત તો કરી જ નહીં. એણે મને કહ્યું કે આ તો ઉંમરનું આકર્ષણ હોય શકે છે. સમય જતાં તું પણ ભૂલી જઈશ એને. એની વાત સાંભળીને મને પણ લાગ્યું કે હા વાત તો સાચી છે. કદાચ આકર્ષણ જ હશે. ભૂલી જઈશ એને. સમય જતાં બેને દિકરીને જન્મ આપ્યો. થયું એવું કે બેન અમારા ઘરે રહેવા આવી હતી. એટલે એનો ભાણિયો તો મને બિલકુલ કંઈ કરવા જ ન દેતો. મારી કોલેજમાં પરીક્ષા આવી રહી હતી. પણ ભાણિયાને કારણે વંચાતું જ ન હતું. ઘણું વિચાર્યા પછી મેં મમ્મીને કહ્યું આપણે સાંજે વહેલાં જમી લઈએ એટલે હું ૫રવારીને સૂઈ જાઉં તો રાતે ઉઠીને વાંચી શકું. દિવસે તો ભાણિયો વાંચવા જ નથી દેતો. અને મેં રાતે વાંચવાનું શરુ કર્યું. અમારું ઘર નાનું એટલે હું રાતે વાંચવા માટે લાઈટ ચાલુ કરું એટલે બધાની ઊંઘ બગડે. પણ મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો. ઘરમાં પણ બધા સમજે એટલે કોઈએ કોઈ વાંધો ઉઠાવ્યો જ નહીં. બસ ફક્ત કાકી બોલ્યા કરતાં કે નવાઈની ભણે છે કે કોઈને ઊંઘવા પણ નથી દેતી. એમનું સૂવાનું તો બીજા રુમમાં હતું. પણ રોજ રાતે કાકા કાકી અને એમના સંતાનો ત્યાં બેસીને મોડે સુધી વાતો કરતાં રહેતા. આખો દિવસ લડતાં મારા કાકા કાકી રાતે એટલાં પ્રેમથી વાતો કરતાં કે કોઈ માની પણ ન શકે કે દિવસે આ લોકો આટલું બધું લડે છે. શું વાત કરતાં એ તો મારી આખી જીંદગી પતી જવાની પણ ખબર નથી પડી. છતાં એમને રાતે મારા વાંચવાથી તકલીફ હતી. એટલે પપ્પાએ મને નાઈટલેમ્પ લાવી આપ્યો વાંચવા માટે જેથી બીજાને કોઈને લાઈટનો પ્રકાશ ન લાગે. છતાં કાકીનું બોલ્યા કરવાનું તો ચાલું જ હતું. મેં એ બધું સાંભળવાનું બંધ કરી દીધું અને વાંચવામાં જ ધ્યાન આપવા માંડ્યું. ઘણીવાર એવું થતું કે હું વાચવા ઊઠું તો ભાણિયો પણ મારી સાથે ઉઠી જતો પણ ત્યારે હું એને મારા ખોળામાં સુવાડીને વાંચતી. એને મારા ખોળામાંથી નીચે સુવાડું તો પણ એ જાગી જતો એટલે મોટેભાગે એને ખોળામાં સુવાડીને જ મારે વાંચવું પડતું. પછી નવરાત્રિ આવી. મમ્મીએ કહ્યું ચાલ મામાના ઘરે પણ હું ના ગઈ. મેં પરીક્ષાનું બહાનું કાઢી લીધું. મામા પણ આવ્યા મને લેવા માટે પણ મેં ના પાડી કે બીજા જ દિવસથી મારી પરીક્ષા છે. એટલે મામાથી પણ જીદ ન થઈ. હું મામાને ત્યાં તો ન ગઈ પણ ઘરે મને જરા પણ ચેન ન હતું. મને એમને જોવાની તીવ્ર ઈચ્છા હતી. પણ હવે તો એમના લગ્ન થઈ ગયા હતા હું કેવી રીતે એમનો સામનો કરું ? હું ત્યાં જાઉં ને મને એ એમની પત્ની સાથે ગરબા રમતા જોવા મળે તો ? આ વિચારે જ મારી આંખોમાંથી આંસુ આવી ગયા. સારું કે બધા મામાને ત્યાં ગયા હતા ને ઘરે હું અને મારા દાદી જ હતા એટલે હું રડું છું એવી કોઈને ખબર જ ન પડી. હું મામાને ત્યાં ગરબા રમવા ન ગઈ પણ ઘરે તો આખી રાત રડતી જ રહી. મને વિચાર આવતો હતો કે જો આ આકર્ષણ હોય તો મને રડવું કેમ આવે છે ? કેમ એમને એમની પત્ની સાથે ન જોવા પડે એટલે હું મામાના ઘરે ન ગઈ ? કંઈ સમજાતું જ ન હતું.