મને કંઈ સમજાતું જ ન હતું. બસ એમની યાદ આવતી હતી અને આંખમાં આંસુ આવતા હતા. પણ હું એને અવગણીને મારા ભણવા પર ધ્યાન આપવા માંડતી. નવરાત્રિ આવી ને ગઈ. હું એમને જોવા ન ગઈ. દશેરાની રાત એમને જોયા વિના વિતી ગઈ. રાતે આંખો રડતી ને દિવસે મન રડતું. પણ ઘરમાં કોઈને કંઈ પણ શંકા જાય એવું હું કરતી નહીં. દિવાળી પણ આવી ગઈ. મામા ફરી મને ઘરે રહેવા લઈ જવા આવ્યા. હું ન ગઈ. મામાએ પૂછ્યું પણ ખરું કે કંઈ થયું છે તું આવતી જ નથી ઘરે પણ મેં વાત ટાળી દીધી. મેં ફક્ત ભણવા પર ધ્યાન આપવા માંડ્યુ. મારી છેલ્લા વર્ષની પરીક્ષા આવી ગઈ. મારા કોમ્પુટર કલાસ પણ પૂરા થઈ ગયા હતા. મેં પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે ખૂબ મહેનત કરી. બેન દિકરીને લઈને એના સાસરે ચાલી ગઈ હતી. પણ ભાણિયો અમારે ત્યાં જ હતો. એને સાથે લઈને પણ મેં મારું ભણવાનું ચાલું જ રાખ્યું હતું. હવે એ પણ સમજી ગયો હતો કે માસી ભણવા બેસે ત્યારે બોલવાનું નહીં એટલે એ મારી બાજુમાં બેસીને રમ્યા કરતો. ભાઈ પણ નોકરીએ જતો હતો. મારી પરીક્ષા પૂરી થઈ ગઈ. પપ્પાએ એમના શેઠને કહીને મારી કોમ્પ્યુટરની નોકરીની વાત નક્કી કરી રાખી હતી. એટલે પરીક્ષા પત્યા પછી દસ દિવસમાં મારી નોકરી ચાલુ થઈ ગઈ. એ સમયે મારો પગાર સાંભળીને મામાના ઘરે બધા ખૂબ ખુશ હતા. આમ પણ હું ત્યાં રહેતી હતી એટલે બધાને મારા માટે ખૂબ લાગણી હતી. મમ્મી ત્યાં ગયા ત્યારે બધા મમ્મીને કહેતા કે તારી દિકરીએ તો દિકરાની ગરજ સારી છે. મમ્મીએ ઘરે આવીને વાત કરી ત્યારે મને પણ સારું લાગ્યું કે ચાલો પપ્પાને હવે કોઈ વાતની ચિંતા તો ન હશે. આ સમયે ભાણિયાને પણ બાળમંદિરમાં મૂકી દીધો હતો. મારા જીજાજી જે બાળમંદિરની વર્દી મારતા હતા ત્યાં જ એને મૂક્યો એટલે જીજાજી જ એને લઈ જતા અને લઈ આવતા. એ તો એમના ઘરે જતો જ નહીં અમારે ત્યાં જ આવી જતો અને નોકરીએથી મારા આવવાની રાહ જોતો. મારું રિઝલ્ટ આવી ગયું હું પાસ તો થઇ ગઈ પણ જોઈએ એટલા ટકા ન આવ્યા. પણ મેં આગળ ભણવા માટે બધી જ કોલેજમાં ફોર્મ ભર્યા. ત્યારે અત્યારની જેમ ખાનગી કોલેજ તો કોઈ હતી નહીં કે મને એડમીશન મળી જાય છતાં ફોર્મ ભર્યા કે કદાચ કોઈ કોલેજમાં એડમીશન મળી જાય. પણ મારી નોકરી ચાલુ હતી એટલે હું પછી ક્યાંય પણ તપાસ કરવા ન ગઈ કે એડમીશન મળ્યું કે નહીં. આમ પણ નોકરી ચાલુ હતી એટલે જો હું ભણવા જાઉં તો નોકરી બંધ કરવી પડે. એટલે ઘરમાં પૈસા આવતા બંધ થઈ જાય. એટલે પપ્પાની પણ ઇચ્છા ન હતી કે હું નોકરી છોડું. ને મેં ભણવાનો વિચાર પડતો મૂકી દીધો. પપ્પાની ઈચ્છા કોમ્પુટરમાં આગળનો કોર્ષ કરાવવાનો હતો. મને પૂછ્યું ને મેં હા પાડી દીધી. એટલે પપ્પાએ જ્યાં મેં આગળ કોર્ષ કર્યો હતો ત્યાં વાત કરી દીધી અને મારા કલાસ ચાલુ થઇ ગયા. હું સવારે કલાસમાં જતી અને ત્યાંથી આવીને નોકરીએ જતી. આ સમયગાળામાં ભાઈએ પાછી નોકરી છોડી દીધી હતી. ફરી પાછું ઘરમાં ચિંતાનું વાતાવરણ થઈ ગયું. હું જેટલું પપ્પાની ચિંતા ઓછી કરવાનું કામ કરતી એટલું જ બીજી કોઈ ને કોઈ રીતે એમની ચિંતા વધી જતી હતી. ફરી પાછી બળેવ નવરાત્રિ આવી ને ગયા, મામા મને લેવા આવ્યા પણ હું ન જ ગઈ. આ બધામાં એવું તો ન જ હતું કે એક પણ દિવસ મને એમની યાદ ન આવી હોય કે હું રાતે એમને યાદ કરીને રડી ન હોઉં. પણ એમને જોવા જવાની હિંમત મારામાં ન હતી. હું ડરતી હતી કે હું જાઉં ને એે મને એમની પત્ની સાથે મળે તો ? હું એમને સાથે તો ન જ જોઈ શકું. ને હવે ધીમે ધીમે મને લાગતું હતું કે આ આકર્ષણ ન હતું. આ મારો એકતરફી પ્રેમ હતો. એમણે કર્યો હતો કે નહીં મને નથી ખબર પણ મેં કર્યો હતો. કારણ કે ત્યાર પછી કોઈ બીજા છોકરા માટે આવી લાગણી ઉદ્દભવી જ નહીં.