આમ ને આમ રાતે રડતા રડતા દિવસ વીતતા હતા. કોલેજમાં ઈન્ટરનલ પરીક્ષા આવી ગઈ. મારાથી કોઈ મહેનત જ ન થઈ. હું નાપાસ થઈ. પપ્પાએ પૂછયું કે કેમ આવું થયું ? પણ હું જવાબ ન આપી શકી. પછી વિચાર આવ્યો જેના માટે મેં એમનાથી અંતર બનાવી રાખ્યું હતું એ મારું ભણવાનું જ હું ભૂલી રહી છું. એમને તો ગુમાવી ચૂકી પણ ભણવાનું છૂટે એ બિલકુલ ન ચાલે. મારે તો પપ્પા માટે ભણવાનું છે. કંઈક કરવાનું છે અને એટલે તો એમના વિશે કોઈને ક્યારેય વાત નથી કરી પછી એ છૂટી જાય એ કેમ ચાલે ? અને મેં મહેનત કરવાનું શરૂ કરી દીધું. એક્ષ્ટર્નલ પરીક્ષા આવતા સુધીમાં મેં મારું ભણવાનું બરાબર ભણી લીધું કે જેથી હું નાપાસ ન થાઉં. પરીક્ષા પતી ગઈ. વેકેશન પડ્યું. આખો દિવસ ઘરે હતી એટલે બેનના ભાણિયાને રોજ સવારે લઈ આવતી સાંજે બેન એને ઘરે લઈ જતી. એટલે દિવસે એનું સિલાઈનું કામ થઇ જતું. ધીરે ધીરે એવું થયું કે ભાણિયો રાતે પણ મારી સાથે જ સૂઈ જતો. હવે જાણે હું અને ભાણિયો એકબીજાના પર્યાય બની ગયા હતા. મને એના વગર ન ચાલે અને એને મારા વગર ન ચાલે. એક દિવસ મામા ઘરે આવ્યા. મામાએ કહ્યું ઘરે ચાલ રહેવા માટે પણ હું ન ગઈ. ઘરમાં બધાને નવાઈ લાગી કે આ કેમ મામાને ત્યાં રહેવા જવાની ના પાડે છે. મામાએ પૂછ્યું પણ ખરા કે કેમ નથી આવવું તો મેં કહ્યું મારી બહેનપણી પાસેથી જે શીખી છું એ બનાવવું છે એટલા માટે. ને મેં મોતીમાંથી પગના સાંકળા બનાવ્યા અને બજારમાં એક દુકાનદારને કહ્યું હું આ બનાવીને આપીશ તો તમે વેચશો ? દુકાનદારે હા પાડી. ને મેં સાંકળા બનાવવા માંડ્યા. આખો દિવસ બસ બિલકુલ એમનેમ બેસતી જ નહીં. ઘરના કામ પતે એેટલે સાંકળા બનાવવા લાગતી. મારે મારી જાતને કામમાં ડુબાડેલી રાખવી હતી જેથી મને એમની યાદ જ ન આવે. પણ એવું થતું જ નહીં. દિવસ નીકળી જતો પણ રાત પડતા ખૂબ યાદ આવતી અને રડવું પણ આવતું. ને સવાર થતાં ફરી પાછી હું એેમને ભૂલવાની કોશિશ કરવા લાગતી. આખું વેકેશન મેં મોતીમાંથી સાંકળા બનાવ્યા ને કેટલા બધા રુપિયા ભેગા કરી લીધા. મારું રિઝલ્ટ આવી ગયું. હું પાસ થઈ ગઈ. હવે કોલેજનું મારું છેલ્લું વર્ષ હતું. એ સમયે કોમ્પ્યુટર યુગની શરૂઆત થઈ રહી હતી. પપ્પાના એક શેઠ કોમ્પ્યુટરનું જ કામ કરતાં હતા. પપ્પાએ મને પૂછ્યું કે કોલેજની સાથે તું કોમ્પ્યુટર શીખવા જઈશ ? મેં છે પાડી. અને એમણે એમના શેઠને કહીને મારી કોમ્પ્યુટર શીખવાની વ્યવસ્થા કરી દીધી. હું સવારે કોમ્પયુટર કલાસમાં જતી અને ત્યાંથી સીધી કોલેજ ચાલી જતી. મારા આમ આખો દિવસ બહાર રહેવાથી ભાણિયો ઘરમાં એકલો થઇ ગયો. બધા હતા પણ એ મને જ શોધતો. હું ઘરે જાઉં પછી તો બિલકુલ મારી પાસેથી દૂર ન જતો. આ સમયમાં બેનને ફરીથી સારા દિવસો રહ્યા. હવે તો ભાણિયો ફક્ત અમારા જ ઘરે રહેતો. ઘરે મમ્મી પપ્પા કાકા કાકી દાદી બધા એને સંભાળી લેતા. મારો ભાઈ પણ કોઈક જગ્યાએ નોકરીએ લાગી ગયો હતો. એટલે પપ્યાનું ટેન્શન થોડું ઓછું થયું હતું. એટલામાં બળેવ આવી. ફોઈ ઘરે આવીને ગયા પછી મમ્મીએ કહ્યું ચાલ મામાના ઘરે જવાના. પણ મેં ના પાડી. મારે નથી આવવું. મમ્મીએ ઘણું કહ્યું પણ હું ન ગઈ. મમ્મીને અને મામાને ત્યાં પણ બધાને નવાઈ લાગી કે હું ત્યાં ન ગઈ. પણ મેં કંઈ કહ્યું જ નહીં. એક દિવસ કોલેજમાં મારી બહેનપણીએ કહ્યું કે એને એક છોકરો ખૂબ ગમે છે પણ એને કહે કેવી રીતે? એ ના પાડી દે તો ? અને મેં એને કહ્યું કે ના પાડશે તો વાંધો નહીં પણ જો તું નહીં કહેશે તો આખી જીંદગી અફ્સોસ રહેશે કે તેં પૂછ્યું ન હતું. મારી વાત સાંભળીને એણે થોડી વાર મારી સામે જોયા જ કર્યું.