" એક બાપને પૂછો "
અધૂરાં સપનાંની વેદના, એક બાપને પૂછો,
સંતાનો પ્રત્યેની સંવેદના, એક બાપને પૂછો.
બે જોડી કપડાં ને પગમાં ફાટેલાં પગરખાં,
ઘટતી રોજ નવી ઘટના, એક બાપને પૂછો.
પોતાની ભૂખ છુપાવીને આખું ઘર જે પોષે,
ત્યાગની એ મૂક પ્રાર્થના, એક બાપને પૂછો.
કાળજા કેરો કટકો પણ જે દાનમાં આપી દે,
વિદાય વેળાની એ સાધના, એક બાપને પૂછો.
ઉંમર વટાવીને પણ જે અડીખમ ઊભો રહ્યો,
એ થાકેલા હૃદયની ઝંખના, એક બાપને પૂછો.
ખાલી ખીસ્સે રાખે જગ જીતાડવાની તાકાત,
"વ્યોમ" એ અમીર ભાવના, એક બાપને પૂછો.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર