Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#...શબ્દબ્રહ્મ...#...

(ભાગ -૧)

સર્વે પરિજનોને જય ભોળાનાથ...
સર્વ પ્રથમ તો ઘણા સમયથી સમયના અભાવે કોઇ જ્ઞાનગોષ્ટીથી વંચિત રહ્યા એ બદલ ક્ષમાપ્રાર્થી છું.
આજે અલ્પકાલિક નવરાશ મળી તો થયું કે ચાલો અલખના ઓટલે જ્ઞાનસભા થાય અને છપ્પનભોગમાંની એક વાનગી પરોસાય...

શિર્ષક વાંચીને સમજાયું તો હશે જ કે આજે શું જાણવા મળવાનું છે. તો ચાલો વાત કરીએ શબ્દબ્રહ્મ કે નાદબ્રહ્મ વિશે.

વાત છે સૃષ્ટીની ઉત્પત્તિના સમયની, કે જ્યારે ચર અચર કંઇ જ નહોતું. હતું તો ફક્ત એક જ તત્વ - શૂન્ય કહો અવકાશ કહો અથવા તો શિવ.(પરબહ્મ-ઇશ્વર)
એક સમયે એક તત્વને અનેક થવાની ઇચ્છા જાગી. અને એ સંકલ્પ થકી સ્વમાંથી એક પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્વોનું સર્જન કર્યું. જેને આપણે આદિશિવ અને આદિશક્તિ કહીએ છીએ.
એ તત્વો થકી ચર-અચર એમ સચરાચરનું અંડ સ્થપાયું, જે બ્રહ્માંડ કહેવાયું. ત્યાર બાદ સૃષ્ટીની સદંતરતા અને સંચાલન હેતુ પ્રકૃતિએ ડાબા અંગૂઠામાંથી એક પુરુષ ઉત્ત્પન્ન કર્યો જે અત્યંત સ્વરુપવાન અને મન મોહક હતો. એ પુરુષ હાથ જોડીને ઉભો રહ્યો અને સ્વયં વિશે અને એની ઉત્ત્પત્તિનું પ્રયોજન પૂછ્યું.
શક્તિએ એને કહ્યું શિવની કૃપા થકી આપ સર્વવ્યાપી બનશો એટલે "વિષ્ણુ" કહેવાશો. જે સૃષ્ટીની રચના અમે કરી છે એનું લાલન-પાલન-જતન આપ કરશો. અપિતુ સર્વ પ્રથમ આપ ધ્યાનમાં બેસી જાવ. કાળક્રમે આપ બહ્માને ઉત્ત્પન્ન કરશો જે સૃષ્ટીના પુનઃરચનાર બનશે. કારણ કે સમયાંતરે શિવનું રુદ્ર સ્વરુપ આ સૃષ્ટીનો પ્રલય કરશે આમ આ ચક્ર સદાકાળ ચાલતું જ રહેશે.
આમ શિવશક્તિની આજ્ઞા થકી શ્રી હરી વિષ્ણુ ધ્યાનમાં બેસી ગયા. લાખો વર્ષસુધી ધ્યાનમાં રહેવાના પરિશ્રમથકી એમના શરીરમાંથી જળધારાઓ વહેવા માંડી અને સમગ્ર સૃષ્ટી જળમય બની. જળમાં ગરક રહેવાથી વિષ્ણુ "નારાયણ" કહવાયા. સમયાંતરે વિષ્ણુજીના નાભિમાંથી એક કમળની ઉત્ત્પન્ન થયું અને એ કમળના ઉર્ધ્વભાગે બ્રહ્માજીનું અવતરણ થયું.
બ્રહ્માજીએ જાગ્રત થઇ સચરાચરમાં જોયું અપિતુ કોઇ દેખાયું નહીં એટલે એમણે એ કમળની દાંડીમાં પ્રવેશ કર્યો. લાખો વર્ષસુધી દાંડીમાં ભ્રમણ કરવા છતાં એનો કોઇ તાગ મળ્યો નહીં. એટલે સ્વયં જ સર્વપ્રથમ છે એવો ગર્વ ધારણ કરીને બ્રહ્માજી ફરી પાછા કમળ પર બેસી ધ્યાનમાં લીન બની ગયા અને તપ કરવા લાગ્યા.
તપસ્યાથી પ્રસન્ન થઇ વિષ્ણુજી એમની સન્મુખ થયા અને કહ્યું કે,"ધ્યાનમાંથી બહાર આવો વત્સ,માંગો આપ જે કહો તે આપું" બ્રહ્માજી ધ્યાનમાંથી બહાર આવ્યા અને સામે મનોહર પુરુષને જોયો. અપિતુ એમને "વત્સ"નું સંબોધન ખૂચ્યું. મદભાવને આધિન થયેલા બ્રહ્માજીએ તિરસ્કાર ભાવે કહ્યું કે, " મને વત્સ કહેનાર તું કોણ છે? હું જ પ્રથમ પુરુષ છું". વિષ્ણુજીએ મંદ સ્મિત રેલાવતા કહ્યું કે પ્રથમ હું છું,આપ તો મારા નાભિકમળમાંથી ઉત્ત્પન્ન થયા છો. આમ આ વાકયુદ્ધ વિવાદમાં પરિણમ્યો. અને ભયંકર યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થઇ ગયું.
આ જ સમયે એક વિશાળ અગ્નિસ્તંભ બંનેની મધ્યમાં ઉત્ત્પન્ન થયો. બન્ને યુદ્ધ રોકીને કહેવા લાગ્યા હવે આ શું છે? આનો રચયિતા કોણ છે? આનો તાગ લેવો જોઇએ.
આમ વિષ્ણુજી નીચેની તરફ ગયા અને બ્રહ્માજી ઉપરની તરફ ગયા. વિષ્ણુજીએ ખુબ પ્રયાસ કર્યો છતાંય એ સ્તંભનો તાગ ન મળતા પાછા આવી ગયા. બ્રહ્માજીને ઉર્ધ્વગતી કરતાં કેવડાનું ફૂલ મળ્યું જે લાખો કરોડો વર્ષો પહેંલા સ્તંભના ઉપરના ભાગેથી પડ્યું હતું અને હજુયે પડીજ રહ્યું હતું. બ્રહ્માજીએ કેવડાને સાક્ષીદાર તરીકે લઇને પાછા પળી જવાનું વિચાર્યું.
કેવડાની સાક્ષી લઇને આવેલા બ્રહ્માજીએ ગર્વભેર વાણી ઉચ્ચારતાં વિષ્ણુજીને કહ્યું કે,"મેં સ્તંભનો છેડો જાણી લીધો છે અને આ પુષ્પ મારો સાક્ષીદાર છે".
કેવડાએ પણ હામી ભરી. આ સાથેજ આકાશવાણી થઇ કે બ્રહ્માના પાંચ મુખમાંથી જે મુખ અસત્ય કહી રહ્યું છે એ કપાઇ જશે. કેવડાને શિવપૂજમાંથી નિષેધ કરવામાં આવે છે. અને વિષ્ણુ પૂજનીય બનશે જ્યારે બ્રહ્માનું પૂજન નહીં થાય. આમ કહી અગ્નિસ્તંભ શૂક્ષ્મ થઇ ગયો.
પોતાની ભૂલનો ભાસ થતાં બ્રહ્માજીએ વિષ્ણુજીની ક્ષમા માગી અને આ પરબ્રમ્હનું દર્શન કરવા બંને ઘોર તપસ્યા કરવા લાગ્યા...(ક્રમશઃ )

આમ આગળ બ્રહ્માજી અને વિષ્ણુજી તપસ્યા બાદ જે નિરાકારના દર્શન કર્યા એ જ શબ્દબ્રહ્મ.
જેના વિશે આવતી પોસ્ટમાં જાણીશું.

ત્યાં લગી સૌને જય ભોળાનાથ
હર હર મહાદેવ હર...

Gujarati Religious by Kamlesh : 111953555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now