નૂતનવર્ષાભિનંદન.
ચાલો આજે નવા વર્ષે એક નવી કેડી કંડારીએ.
જે સ્ત્રીનાં નામની આગળ અ.સૌ.લખાતું એ જ સ્ત્રીનો પતિ ગુજરી જાય એટલે તરત જ અ.સૌ.ની જગ્યાએ ગંગાસ્વરૂપ લખાવા માંડે,તમામ શણગાર ઉતારી લેવામાં આવે .શા માટે? એ સ્ત્રીના દિલ પર શું વીતતું હશે એનો કોઈ વિચાર કરે છે?
સરકારી દફતરે પણ મરહુમ ફલાણા ફલાણાની વિધવા એવું લખવા માંડે.સ્ત્રીનું સ્વનું નામ છે તો સીધું નામ જ લખો ને! પતિની હયાતી ન હોવાને કારણે વારસ તરીકે પત્નીનું નામ દાખલ કર્યું એવું બતાવવું હોય તો મરહુમ ફલાણા ફલાણાની પત્ની એવું લખો. વિધવા શબ્દ લખીને શા માટે એનાં દિલને દઝાડો?
પતિનાં મૃત્યુ માટે પત્ની જવાબદાર હોય એમ ડગલેને પગલે એને અપમાનિત કરવી એ ક્યાંનો ન્યાય?
કોઈ શુભ કાર્ય એની પાસે ન
કરાવાય ,અરે! સ્વનાં સંતાનોનાં લગ્નની વિધિમાં પણ એને હાજર ન થવા દેવાય, દૂરથી જ એ વિધિ જોવાની હોય, એ કેવું ભયંકર અપમાન! જેણે સહન કર્યું હોય એને જ સમજાય.
આપણે ઘણાં બધાં સુધારા લાવ્યાં પરંતુ આ બાબતમાં એક ડગલું પણ આગળ વધ્યાં નથી.પતિ ગુજરી જવાથી પત્નીને અપમાનિત કરવાને બદલે શુભ કાર્યમાં અગ્રેસર રાખી એની પાસે શુભ કાર્ય કરાવી માન સન્માનથી બિરદાવાય એ સામાજિક પ્રગતિ.
સરકારી દફતર પણ આ સુધારાનો અમલ કાયદો બનાવી કરે તો જલ્દી અસર થશે. વિધવા માટે સંકુચિત વિચારો રાખનાર કાયદાનું પાલન કરવા એ સુધારાને સ્વીકારશે.
સ્વનાં સંતાનોનાં લગ્ન જેવાં શુભ કાર્ય વિધવા માતા જાતે જ કરવાની તૈયારી બતાવે તો કોઈ રોકી ન શકે.
ચાલો, આપણે સૌ આ દિશામાં એક કદમ ઉઠાવીએ, આપોઆપ બીજું કદમ ઉઠશે અને એક નવી કેડી કંડારાશે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બીલીમોરા.