જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻
જીવનમાં ક્યારેક એવા પ્રસંગો બને જે અણધાર્યા હોય, અચાનક હોય! એમાના અમુક પ્રસંગો ક્યારેક દર્દ આપી જાય તો ક્યારેક અત્યંત ખુશી આપી જાય!
આજ હું પણ એક એવા જ અણધાર્યા બનાવને અનુભવી શકી. હા, આ બનાવ ખુશીનો હતો. કેટલાય સમયથી તમે કોઈ મનમાં ઈચ્છા ધારી બેઠા હોવ એ ઈચ્છા પૂરી થાય કે નહી એ કુદરત પર આધિન હોય છતાં મનમાં એ ઈચ્છા હોય કે હું ક્યારેક આમને મળીશ, કે હું આ ક્યારેક લઈશ કે હું આવું બનાવીશ... વગેરે વગેરે..
આવી જ એક ઈચ્છા ઘણા વર્ષોથી મારા મનમાં હતી, જે આજે અણધારી પૂરી થઈ! એમ સમજો એક સુંદર સ્વપ્ન જોયું હોય જે ભગવાને અચાનક પૂર્ણ કર્યું! જીવનમાં અમુક સંબંધો આત્મા સાથે જોડાયેલ હોય એ પછી પરિવાર, મિત્ર કે જીવનસાથી જ હોય એવું જરૂરી નથી. પણ એવી કોઈ વ્યક્તિ પણ હોય જે સાવ અજાણી હોય છતાં એમના સાથે આપણી લાગણી દિલથી જોડાયેલ હોય. કોઈ પણ વાતચીત કે પરિચય કે ઓળખ વગર પૂરા વિશ્વાસથી એ અજાણી વ્યક્તિ આપણી અંગત વ્યક્તિ લાગે. આવા જ અનોખા સંબંધ આત્મીય સબંધ કહેવાય. આજે મારી વાત એવા જ આત્મીય સંબંધ ધરાવતી વ્યક્તિ સાથે થઈ!
પહેલી વખત વાત થઈ પણ લાગતું નહોતું કે ક્યારેય મળ્યા નથી. વાતો નો દોર એવો ચાલુ થયો કે સમય કેટલો થયો એ ધ્યાન જ ન રહ્યું. કલાકથી વધુ વાત થઈ પણ હજુ જાણે હમણાં જ વાત શરૂ કરી હોય એવું જ લાગ્યું. એ સમયે હું એટલી ખુશ હતી જે ખુશી શબ્દમાં કહેવી મુશ્કેલ છે. હા, અમુક સમયે આંખમાં આંસુ પણ છવાઈ ગયા, કે આમ કોઈ અજાણી વ્યક્તિ આપણા માટે આટલી ચિંતિત રહેતી હશે??!!! ક્યારેક જીવનથી નાસીપાસ થઈ જવાઈ, મનમાં એમ થાય કે હજુ કેટલું જીવન બાકી હશે?? આજે આ વ્યક્તિ સાથે વાત કરી એમ થયું ખરેખર આવા કોઈક સબંધો જે આત્મીય છે એ હજુ બાકી હશે જીવનમાં આથી એ ઋણાનુબંધી પૂરી કરવા હજુ જીવન યથાવત છે.
એ મારી અજાણી ખાસ સખીને પણ મારી સાથે વાત કરવાની એટલી જ આતુરતા હતી. પણ કુદરત ક્યારેય સમયથી પહેલા કંઇ જ નથી આપતી! ખરું ને????
- ફાલ્ગુની દોસ્ત