"ઉત્સવ અને ખમીરવંતો ભારત"
ઢોલ શરણાઈ ગાજે ને ગરબે ઘૂમે ગુજરાત,
રંગોની હોળી મહેકે, દીપોથી ઝળહળે રાત,
સંસ્કૃતિની આ વેણીમાં ગૂંથ્યા તહેવારોના ફૂલ,
પરંપરાની સુવાસે મહેકે ભારત અતુલ.
ઉત્તરાયણે પતંગ સમો ઊંચો આપણો ઉમંગ,
નવરાત્રિએ ખેલે માત, ખળખળતો નવો તરંગ,
દિવાળીએ દીવડા પ્રગટે, અંધારે અજવાળું થાય,
ભારતની આ ભોમકા પર ઉત્સવ એમ જ ગવાય.
આ ઉત્સવની વચ્ચે એક બીજી જ્યોત ઝળહળે,
ખમીરવંતી ભૂમિ આખી વીરોની ગાથા ભળે.
રાણા પ્રતાપની આણ છે, શિવાજીની તલવાર છે,
પૃથ્વીરાજના શબ્દભેદી બાણોનો હુંકાર છે.
ઝાંસીની રાણી લક્ષ્મી ઘોડે સવાર થઈ,
ભગતસિંહ જેવા જુવાનો ફાંસીએ ચડી ગયા વહી,
એ તો મર્યા નહિ, અમર થયા ભારતની માટીમાં,
એમની ખમીરતા ગુંજે આજે યે છાતીમાં.
આવો સહુ મળી દીપ પ્રગટાવીએ એકતાનો,
ઢોલ નગારાં સાથે ગાઈએ ગીત ખમીરતાનો,
ઉત્સવ છે આપણી ઓળખ, ખમીર છે આપણું લોહી,
ભારત એટલે જ તો કહેવાય "સ્વયમ્'ભૂ" સોનાની ધરતી મોહી.
અશ્વિન રાઠોડ - "સ્વયમ્'ભૂ"