વિશ્વાસનું બંધન
માની મમતાના પાલવમાં જે પ્રેમથી ઉછરે છે,
પપ્પાના એ વહાલભર્યા આશીષથી જે મલકે છે.
ભાઈ-બહેનના સથવારામાં જેનું બાળપણ મખમલી થાય,
એ દીકરી સગપણના મીઠા બંધનોમાં બંધાય છે.
જ્યાં લાગણીઓ જીવંત હોય ને વહેતો રહે વિશ્વાસ,
ત્યાં કદી ખૂટતો નથી દીકરીના મનનો ઉલ્લાસ.
શ્રદ્ધાની એ એક જ દોરી આખા ઘરને જોડી રાખે,
એક દીકરી જ તો કુળની આબરૂને સાચવી રાખે.
જેને મળ્યો હોય પરિવારનો સાચો સ્નેહ અપાર,
એ કદી ન ભરે એવું પગલું જે હણી નાખે સત્કાર.
ક્યારેય એવું ન કરે જેથી નમવું પડે સમાજ સામે,
પોતાના વ્હાલ સોયા પરિવારના સન્માનની સામે.
બસ, દીકરીને અવિશ્વાસના પાંજરાની જરૂર નથી,
ખોટી ધમકીઓ કે બંધનોની કોઈ જગા નથી.
આપો એને પાંખો અને થોડોક સાચો વિશ્વાસ,
પછી જુઓ, એ ક્યારેય નહીં તોડે પરિવારની આશ.
— નિધિ વાજા