માનવતા: એક જીવંત ધબકાર
પ્રકાર: અછાંદસ કાવ્ય
શબ્દકોશના પાનાઓ વચ્ચે
દબાઈ ગયેલો કોઈ અક્ષર નથી માનવતા,
એ તો ભીડમાં અટવાયેલા
કોઈ અજાણ્યા શ્વાસનો ધબકાર છે.
જ્યારે કોઈ ધર્મ કે જાતિના ચશ્મા વિના,
ખાલી એક માણસ થઈને
બીજા માણસના આંસુ લૂછવા હાથ લંબાય,
ત્યારે એ આંગળીઓના ટેરવે માનવતા શ્વાસ લે છે.
રસ્તા વચ્ચે ઠોકર ખાઈને પડી ગયેલાને
ઊભો કરવા માટે,
જોડાયેલા એ બે હાથમાં
કોઈ મંદિરમાં ન હોય એવો ઈશ્વર વસે છે.
યંત્રોની માફક દોડતી આ દુનિયામાં,
ભૂખ્યાને વહેંચીને ખાધેલો અડધો રોટલો,
કે કોઈ નિરાશ ચહેરા પર લાવેલી એક મુસ્કાન,
એ જ તો છે આપણા 'માણસ' હોવાની સૌથી મોટી સાબિતી.
માણસાઈ કોઈ પુસ્તકમાંથી શીખવવાની વસ્તુ નથી,
એ તો ભીતર પ્રગટેલો એક અખંડ દીવો છે,
બસ, કોઈની જિંદગીના અંધારામાં
જરાક અજવાળું કરવાની "સ્વયમ્'ભૂ" દાનત જોઈએ.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"