અછાંદસ કાવ્ય:– શીર્ષક: "માટીનો ભેદ"
ઘડનારા એ જ્યારે ચાકડો ફેરવ્યો હશે,
ત્યારે ક્યાં હાથમાં કોઈ ત્રાજવું હતું?
એણે તો બસ શ્વાસ ફૂંક્યો ને માણસ સર્જ્યો,
ના કોઈ ‘હું’ હતું, ના કોઈ ‘તું’ હતું.
આ તો નીચે ઉતરીને આપણે ચિતર્યા નકશા,
અભિમાનની વાડ બાંધી, નામ આપ્યું ‘તફાવત’.
કોઈ મથુરાના મોહમાં, કોઈ ગોકુળના સ્નેહમાં,
પણ જેને છોડતાં આવડ્યું, એ જ પામ્યો ‘જગતગુરુ’નું પદ.
તું કહે છે, “આ મારું, પેલું તારું”,
પણ અંતે તો રાખમાં ક્યાં કોઈ રંગ હોય છે?
સુખમાં ભાગીદાર ઘણા, પણ દર્દમાં એકલા,
ત્યાં પણ વળી પાછો આ તફાવતનો સંગ હોય છે!
ખરેખર તો...
આ અદલા-બદલીના ખેલ તો માણસે રચ્યા છે,
બાકી ઉપરવાળાની નજરમાં તો,
બધા જ ‘સ્વયમ’ભુ’ના અંશ છે,
ત્યાં ક્યાં કોઈ ભેદ કે ભરમ બચ્યા છે?
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"