અછાંદસ કાવ્ય...શીર્ષક: યુગોનું શાશ્વત ગાન - ગીતા
રણભેરીઓના ભયાનક ઘોંઘાટ વચ્ચે,
જ્યારે શસ્ત્રો ટકરાવા તત્પર હતા,
ત્યારે સમયની એક ક્ષણ થંભી ગઈ...
અને સર્જાયું વિશ્વનું શ્રેષ્ઠ કાવ્ય!
સારથિના સ્થાને બેઠેલા ઈશ્વરે,
માત્ર રથને જ નહીં,
પણ રથીના મનને દિશા આપી હતી.
એ ગાંડિવધારી અર્જુન તો...
માત્ર એક નિમિત્ત હતો, એક બહાનું હતું!
એ વિષાદ માત્ર એક યોદ્ધાનો નહોતો,
એ મૂંઝવણ હતી આવનારા પ્રત્યેક યુગની.
એ સંવાદ, કુરુક્ષેત્રની માટી પૂરતો સીમિત નહોતો,
એ તો હતો અનંત આકાશ જેવો વ્યાપક.
જેમાં અર્જુનના ખભા પર બંદૂક મૂકીને,
કૃષ્ણએ વીંધી નાખ્યો છે...
કાળના દરેક માનવીનો અજ્ઞાનરૂપી અંધકાર!
આજે પણ,
જ્યારે જ્યારે મનનું કુરુક્ષેત્ર ધખે છે,
અને કર્તવ્ય સામે પ્રશ્નાર્થ ખડા થાય છે,
ત્યારે એ સાતસો શ્લોકનું 'મહાકાવ્ય',
કવિતા મટીને...
જીવન જીવવાની જડીબુટ્ટી બની જાય છે.
આ ગીતા,
માત્ર પુસ્તકમાં કેદ શબ્દો નથી,
પણ માનવજાતના ઉત્થાનનું
એક અખંડ, "સ્વયમ’ભુ’"અવિરત ગુંજન છે!
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ’"