Gujarati Quote in Whatsapp-Status by Raa

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે.

અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધરતીનાં વારણાં લીધા કરે છે.

દરિયાની ગુંજારવ આઠે પહોર એ નગરીના લોકોને કાને સંભળાતો રહે છે.

તે દિવસ તો માલણ નદી સેંજળ વહેતી હતી. એનાં પાણી મહુવાને થપાટો મારતાં હતાં; પણ આજે માલણમાં એકલો વેકરો ધખધખે છે.

આજથી દોઢસો વરસ પૂર્વે આ રઢિયાળા બંદરને માથે ત્રણસો પાદરનો વાવટો ફરકતે.

એ ત્રણસો ગામડાંની ઉપર જસા ખસિયા નામના રજપૂત-કોળી રાજાની આણ ફરતી હતી.

મહુવાની બે દિશાઓમાં પંદર પંદર ગાઉના પલ્લા પકડીને ગીચ ઝાડી ઊભી હતી.

નેવુ નેવુ હાથને માથે ડોકાં કાઢીને સાગરના દરિયાનાં જૂથ આકાશની સામે માથાં ઝુલાવતાં, નાળિયેરીઓ સામસામાં ઝુંડ બાંધીને સૂરજનાં અજવાળાંને રોકી રહી હતી,

અને એકબીજાના આંકડા ભીડીને ઊભેલાં કંઈક કાંટાવાળાં ઝાડઝાંખરાંની ને ડાળડાળીઓની એવી તો ઠઠ લાગેલી કે માંહીંથી સસલું જાય તો એની ખાલ ઉતરડાઈ જાય.

નવ નવ હાથ લાંબા, ડાલામથ્થા સિંહ જ્યારે એ ઘટામાં કારમી ડણકો દેતા,

ત્યારે એ નેસના ડુંગરા હલમલી હાલતા. કુદરતે મહુવાને એવા કુદરતી ગઢકિલ્લા આપ્યા હતા.

ભાવનગરના લોંઠકા ભોપાળ આતાભાઈએ આ ફૂલવાડી જેવા પરગણા ઉપર ત્રણ-ત્રણ વાર નજર નાખી હતી.

ત્રણ-ત્રણ વાર એની ફોજ જસા ખસિયા ઉપર ચડી હતી, પણ કાંઈ કાર ફાવ્યો નહિ.

સૂરજનું કિરણ પણ ન પેસી શકે એવી કાંટાળાં ઝાડની ઝાડીમાં તો કીડીઓનું કટક કર્યા વિના પેસાય તેવું નહોતું.

ભરતીનાં પાણી પાછાં વળી જતાં ત્યારે અરબી સમુદ્રમાંથી એ ઉઘાડી પડેલી ભૂમિમાં, મહુવાને કિનારે,

પાંચ રૂપાળા વીરડા દેખાતા હતા. એક વાર એ વીરડાને ઉલેચી નાખવાથી પાંચેની અંદર મીઠાં અમૃત જેવાં નીર છલકાતાં.

ખારા સાગરની આ મીઠી વીરડીએાની જાત્રા કરવા દેશપરદેશનાં ઘણાં જાત્રાળુએા આવતાં, અને જસા ખસિયાને દાણ ભરીને પછી એ પાણીથી સ્નાન કરતાં.

મહુવાના પાડોશમાં દાઠા નામનું એક પરગણું છે. તે સમયમાં દાઠાની ગાદીએ ગોપાળજી સરવૈયા નામના ઠાકોર હતા.

ગોપાળજી સરવૈયા મહુવાના ખારા સાગરની મીઠી વીરડીઓની જાત્રા કરવા આવ્યા. ખસિયા રાજાએ ગોપાળજી પાસે દાણ માગ્યું.

મૂછો મરડીને ગોપાળજી કહે : “મારું દાણ ? હું દાઠાનો ધણી.”

“દાણ તો દેવું પડશે - રાજા હો કે રાંક.”

“મારું દાણ હોય નહિ. હું ભાવેણાના ધણી આતાભાઈનો મામો.”

“એમ હોય તો ફોજ લઈને આવજો, અને વિના દાણ સ્નાન કરી જાજો.” ધમેલ ત્રાંબા જેવી આંખો કરીને ગોપાળજી સરવૈયો વળી ગયો.

ભાવનગરમાં ભાણેજ પાસે જઈને મામા કહે: “બાપ, મહુવા અપાવી દઉં; સાબદો થા.”

“અરે, મામા ! મહુવા તે કોણીનો ગોળ કહેવાય. પાંચ-પાંચ ગાઉના પલ્લા પકડીને અંધારી ઘોર કાંટ્ય ઊભી છે,

જેમાં માનવી તો શું, પણ સૂરજનું અજવાળુંય ન પેસે. એમાં થઈને સોંસરવી આ સેના શી રીતે નીકળે ?”

“બાપ, મારગ દેખાડું. બાકીની કાંટ્ય કાપી નાખીએ.”

ચાર હજાર કુહાડા લઈને આતાભાઈની ફોજ ઊપડી. મામાએ માર્ગ બતાવ્યો.

ચાર હજાર કુહાડીવાળા ઝાડ કાપતા જાય અને ફોજ આગળ વધે.
જોતજોતામાં તો ઝાડી હતી ત્યાં મેદાન કરી મૂકીને મહુવાના પાદરમાં સેના આવી પહોંચી. ગામ ફરતે ગઢ હતો તેને માથે હડુડુડુ ! હડુડુડુ ! હડુડુડુ ! કરતી દસ-દસ તોપો સામટી વછૂટી. ગઢ તૂટવા લાગ્યો.
મૂંઝાઈને જસા ખસિયાએ સંધિનું કહેણ મોકલ્યું. ઈ. સ. ૧૭૮૪ની સાલ હતી.

ભાવેણાનો નાથ બોલ્યા : “અમારે કાંઈ મહુવા કબજે નથી કરવું;
પણ જીભ કચરીને આવ્યા છીએ માટે થેાડા દિવસ તો દરબારગઢમાં રહીને દરિયાની લહેરો ખાવી જોશે.

આજુબાજુની શેાભા જોશું. ખિસિયાને કહો કે થોડા દિવસ ગઢ ખાલી કરી આપે.”

ચાર જણાનું પંચ નિમાણું : શકરગરજી સાધુ, બીજા દયાશંકર ગેાર, ત્રીજા ગોપાળજી મામો ને ચેાથો જસા ખસિયાનો કામદાર અભો વાણિયો.

“દસ દિવસે આતોભાઈ મહુવા ખાલી કરી જાય, અને ન ખાલી કરે તે અમે ચારે જણ ખેાળાધરી લઈએ છીએ.”

મહુવા ખાલી કરી દઈને જસો ખસિયો પોતે સેદરડા ગામમાં જઈને રહ્યો.

આંહીં આતાભાઈ એ સેના સહિત ગામનો કબજો લીધો. કિલ્લાના કાંગરે ભાવેણાના નાથની ધજાઓ ફડાકા દેવા લાગી.
ગોહિલરાજે કિલ્લાને માથે ચડીને દસે દિશાએ નજર નાખી ત્યાં તો લકૂંબઝકૂંબ લીલુડાં આંબાવાડિયાંએ એની આંખેામાં લોભનું આંજણ આંજી દીધું.

મોરલાના મલારે અને કોયલોના ટહુકારે એના કાનમાં સ્વાર્થનું હળાહળ રેડી દીધું :
“હાય હાય ! નંદનવન જેવી આ સમૃદ્ધિને શું કોળો ભોગવશે ? આવી કામણગાર ધરતીને શું કોળો ધણી ગમતો હશે ?

અહાહાહા ! મહુવા વગરનું મારું ભાવેણું લૂખું લૂખું !”

“અને બાપુ !” હીરાજી કામદાર બોલી ઊઠ્યા : “ભાવેણાના નાથની ધજા ચડી તે શું હવે ઊતરશે ? અપશુકન કહેવાય.”

“ત્યારે શું કરશું, કામદાર ?”

“મહુવા નથી છોડવું, બીજું શું ?”

“પણ દગો કહેવાશે.”

“દગો શેનો ? આપણી જીત થઈ છે ને !”

“પણ ચાર પંચાતિયાનું શું કરશું ?”

“એ હું કરીશ. એ ચાર જણા પણ માનવી જ છે ને!”

દસ દિવસને સાટે તો બે મહિના વીતી ગયા, પણ મહારાજ મહુવામાંથી સળવળતા નથી.

જસાએ પંચને કહેવરાવ્યું. પચ માંહેલા શંકરગરજીએ જઈને મહારાજને કહ્યું : “દરબાર, ગામ ખાલી કરો. જુઓ, હું અતીત છું; મારો ભગવો ભેખ જોયો ? મારા તમામ ચેલાને લઈને હુ તમારા ઉંબરે લોહી છાંટીશ. બાવાની હત્યા લેવી છે ? નીકર બહાર નીકળો.”

મહારાજાએ આ બાવાજીને ગોપનાથનાં પાંચ ગામ લખી આપ્યાં; બાવાનું મોં ભરાઈ ગયું, એનો ભગવો ભેખ વેચાઈ ગયો !

એણે તો જઈને જસા ખસિયાને કહ્યું : “મહારાજ નથી નીકળતા. અમે શું કરીએ, ભાઈ? અમારી પાસે કાંઈ ફોજ નથી તે લડીએ. તમે કહો, તો લોહી છાંટીએ.”

“ના, બાપ !” જસો બેાલ્યો : “ સાધુની હત્યા મારે નથી લેવી. તમે તમારે ગેાપનાથને કાંઠે બેસીને લીલાલહેર કરો.”

બીજો વારો આવ્યો દયાશંકર ગોરનો. એ બ્રાહ્મણનું બ્રહ્મતેજ પલક વાર તો બાળી નાખે તેવી વરાળ કાઢવા લાગ્યું. પણ મહારાજાએ એને વીજપડી નામનું ગામ માંડી આપ્યું,

એટલે અગ્નિની ઝાળ શમી ગઈ. બ્રહ્મતેજ વેરાઈ ગયાં. જસાને એણે કહ્યું : “આતોભાઈ મારું નથી માનતો; અમે શું કરીએ, ભાઈ?”

જસો બોલ્યો : “ગોર દેવતા ! તમેય છૂટા.”

એક ચારણ પણ જામીન થયો હતેા. એણેય કટાર કાઢીને પેટ નાખવાનો ડર દેખાડ્યો : એને મહોદરીનાં ત્રણ ગામ આપીને ચૂપ કર્યો.

૨.
જસાએ અભા કામદારને પૂછયું : “અભા ! શું કરવું ?”

“બાપદાદાનો આખરી ધરમ : બહારવટું. બીજુ શું ?”

“પણ પહોંચાશે ? જો તો ખરો – એની તોપો મહુવાના ગઢની રાંગ ઉપર બેઠી બેઠી મોં ફાડી રહી છે.”

“પહોંચવાની વાત નથી; મરદની રીતે મરવાની વાત છે."

“મરું તો વાંસે મારાં બાયડી-છોકરાં ?”

“મારા માથા સાટે. તારું અન્ન હજી મારા દાંતમાં છે. લૂણહરામી નહિ થાઉં. હું સોરઠિયાણીને પેટ ધાવ્યો છું.”

બસો ઘોડેસવારો લઈને જસો ખસિયો મહુવાને માથે બહારવટું ખેડવા મંડ્યો અને કાયામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી એણે આતાભાઈને મહુવાના દરબારગઢમાં સુખની નીંદર કરવા ન દીધી.

આખરે, એનો દેહ પડ્યો, માણસો વીંખાઈ ગયાં. ફક્ત ત્રણ જ જણાં બાકી રહ્યાં : જસાની રાણી, નાનો એક છોકરો અને અભો કામદાર. પોતાના અન્નદાતાની ઓરતને અને દીકરાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે સંતાડતો સંતાડતો અભો વાણિયો રઝળ્યા કરે છે.

પોતાની પાસે જે મૂડી હતી તે ખરચી ખરચીને પોતાના બાળારાજાને નભાવી રહ્યો છે અને મહારાજા આતાભાઈની સાથે વિષ્ટિ ચલાવે છે કે,

“હવે જસો ખસિયો તો મરી ગયો. હવે આ બાળકને ઠરીને બેસવાનું ઠેકાણું કાઢી આપો. બીજુ કાંઈ નહિ તો લીલિયા પરગણું આપો.

શુરવીરાઈના હક્ક દગાથી ડુબાવો મા. ભાવનગરના ધણીને લીલિયું ભારે નહિ પડે.”

પણ મહારાજ ન માન્યા. બરાબર પાંચ વરસ વીતી ગયાં. અભાને ગઢપણે ઘેરી લીધો,

એની ડોકી ડગમગવા લાગી. માથું, મૂછો અને આંખનાં નેણ-પાંપણ પણ રૂની પૂણીઓ જેવાં ધેાળાં બની ગયાં.

એક વાર સાંજરે એ વૃદ્ધ કામદાર પોતાના સાત વરસના ધણીને ખેાળામાં લઈને બેઠો હતો,

ધણીનાં લૂગડાં ઉપરથી ધૂળ ખંખેરતો હતો અને માયાભર્યા સ્વરથી પૂછતો હતો : “કાં બાપા, રમી આવ્યા ? વાહ, મારો બાપો ! ભારે બહાદર ! લેાંઠકાઈ તો બાપુના જેવી જ, હો !”

નાનો કુંવર ગર્વ પામીને એની કાલી કાલી વાણીમાં પડકારા દેતો : “કામદાર, આજ મેં ઓલ્યા છોકરાને હરાવી કાઢ્યો. ઓલ્યો મારાથી મોટો; એનેય મેં પાડી દીધો. ”

“અરે રંગ રે રંગ, બાપલિયા !” બરાબર સાંજ નમેલી. સૂરજ મહારાજ મેર બેસતા હતા. રાજા અને કામદાર સંસારથી આઘેરા જઈને જાણે સાચો આનંદ લૂટતા હતા.

જાણે આખા જગતનું એકચક્રી રાજ મળ્યું હોય તેવા તોરથી રાજા-કારભારીની રમત રમાતી હતી. તે વખતે બાળકની વિધવા માતાએ ઓરડામાંથી વજ્ર-બાણ છોડ્યાં :

“બાપ કામદાર, શીદને આમ ફોસલાવવાં પડે છે ? હવે અમારી મરેલાંની મશ્કરી કાં કરો છો, ભા ? છોકરાને કંઈક દા'ડીદપાડી કરતાં શીખવા દ્યો ને !
હવે અમને ક્યાં સુધી આમ ધૂળ મેળવવાં છે ? ક્યાં સુધી આશા દીધા કરશો ? કોણ જાણે માણસનાં પેટ કેવાં મેલાં થાય છે ! બધાય બદલી ગયા. અરે ભગવાન !”

ટપક ! ટપક ! અભાની વૃદ્ધ આંખેામાંથી ઊનાં-ઊનાં આંસુનાં ટીપાં ટપકીને પોતાના ખોળામાં બેઠેલા કુંવરના માથા પર પડવા લાગ્યાં.

સાચો રાજ્યાભિષેક થઈ ગયો. રાજમાતાએ જેટલાં વેણ કહ્યાં તેટલાં એણે મૂંગે મોઢે સાંભળી લીધાં;

સામો ઉત્તર ન વાળ્યો. રાત પડી ગઈ. આકાશનાં ચાંદરડાં ઘડીક ઝગતાં ને ઘડીક વળી એાલવાતાં આંખમીંચામણીની રમત રમતાં હતાં.
પોતાનો નાનો ધણી પોતાના ખોળામાં જ પોઢી ગયેા હતેા. એવી મોડી રાતે એક ફાટેલી પથારીમાં બાળકને સુવાડીને પછી અભો ઘેર ગયો.

સવાર પડ્યું. કામદાર આવ્યા નહિ. ખબર કઢાવી. કામદાર રાતના ઊઠીને અલોપ થયા હતા. ક્યાં ગયા તે કોઈ ન કળી શકયું.

બરાબર બપોર તપતા હતા. ભાવનગરના રાજમહેલમાં છેલ્લી અટારીએ ઠાકોર આતાભાઈ બેઠા હતા.

ગાદી માથે બાળકુંવર વજેસંગજી ખેલતા હતા. બાજુએ ભા દેવાણી અને જસોભાઈ વજીર બેઠેલા હતા. બારીએ બારીએ જ્વાસાની ટટ્ટીઓ બંધાઈ ગઈ હતી,

પાણી છંટાતાં હતાં, સુગંધી હવાના હિલોળા છૂટતા હતા, ચંદનના લેપ થઈ રહ્યા હતા. રૂપાની ઝારીમાંથી દૂધિયાં પિવાઈ રહ્યાં હતાં.

અચાનક મેડીનાં પગથિયાંમાંથી ધબ ! ધબ ! મોટા ધબકારા ગાજી ઉઠ્યા. ભાવેણાનાથની નિસરણીએ આવો કાળા માથાનો કોણ માનવી ચડી રહ્યો છે ? મહારાજ અને એના બે સાથીઓ ચોંકી ઊઠ્યા. કાળી રાડ સંભળાણી કે “ક્યાં છે તમારો ઠાકોર? હિસાબ કરવા આવ્યો છું.”

ઊભા થઈને જોવાની હિંમત કોઈ કરે ત્યાં દાદર ઉપર ધોળા વાળથી વિભૂષિત માથું દેખાણું, રાતીચોળ આંખો દેખાણી, ખેંચાઈને ભેળી થઈ ગયેલી ધોળી ભ્રકુટી દેખાણી. અરરરર ! આ તો અભો ! કાળસ્વરૂપ વાણિયો !

“કાં મહારાજ ! ભાવનગરના ધણી ! બોલો, જસા ખસિયાના કુંવરનું શું ધાર્યું છે? આવો, આજ હિસાબ ચેાખ્ખો કરો.”

એટલું બોલીને અભાની અગ્નિઝરતી આંખો ગાદી ઉપર ખેલતા કુંવર વજેસંગજી ઉપર ઠેરાણી. અભાની છાતીમાં શ્વાસ ધમાઈ રહ્યો હતેા.

“અભા કામદાર !” ગરીબડું મોં કરીને મહારાજ બોલ્યા, “ આમાં હું જો કાંઈ જાણતો હોઈશ તો મને આ વજેસંગના સોગંદ છે.” એમ કહીને મહારાજાએ કુંવરને માથે હાથ મેલ્યો.

"ત્યારે ? બીજું કોણ જાણે છે ?”

“હીરજી મેહતો. ”

પટ દઈને અભો પાછો ફરી ગયો. એક પણ ઉચ્ચાર કર્યા વગર ધબ! ધબ ! ધબ ! ધબકારા કરતો, આખો ગઢ ગજાવતો એ મેડીએથી ઊતરી ગયો.

ડેલીએ બેઠેલા આરબની બેરખમાંથી એની સામે જોવાની પણ કોઈની છાતી ન ચાલી, કોઈ એને રોકી ન શક્યું. મહારાજાના શરીરમાંથી પરસેવો છૂટી ગયો.

“અરે, મહારાજ !” ભા દેવાણી બોલ્યા, “ ભાવનગરનો ધણી એક વાણિયાની પાસે પોતાના કુંવરના સમ ખાઈ બેઠો ! એટલી બધી બીક હતી ?”

“ભાઈ! તમે નહોતા સમજ્યા, પણ હું સમજ્યેા હતેા. હું એની આંખો એાળખી ગયેા હતેા.

એ આંખમાં ખૂન હતું. આ વજેસંગ અટાણે હતો-ન-હતો થઈ ગયો હોત. હમણાં તમે સનાનના સમાચાર સાંભળશો. માટે ઝટ આરબની બેરખ હીરજી મહેતાને ઘેર દોડાવો.”

આરબની બેરખને હીરજી મહેતાને ઘેર પહોંચવાનો હુકમ થયો. “એલી ! એલી !” કરતા પચાસ જમૈયાદાર આરબો હાથમાં દારૂ ભરેલી ઝંઝાળો લઈને ઊપડ્યા. બજારમાં સૂનકાર પથરાઈ ગયો.

કેળાં અને રોટલીનું ભેાજન જમીને મોટી ફાંદવાળા હીરજી મહેતા સીસમના પલંગ ઉપર પોઢી ગયા હતા.

એ ભીમસેની શરીરને કેટલીયે લડાઈઓની ફતેહની નિશાનીઓ પડી હતી. એની પ્રચંડ ભુજાને શોભાવનારી મેાટી તલવાર સામી ખીંટીએ ટિંગાતી હતી. બખ્તર, ઢાલ અને ભાલું ભીંત ઉપર બેઠાં બેઠાં જાણે કે એ સૂતેલા ધણીની ચાકી રાખતાં હતાં.

આતાભાઈને મહુવાનાં ત્રણસો પાદર કમાવી દીધાનો સંતોષ એના મુખમંડળ ઉપર પથરાઈ ગયેા હતેા.

ત્યાં તો કાળના ધબકારા બોલ્યા, મેડી ધણધણી ઊઠી : “હીરજી મે'તા ! સાબદો થાજે.” એટલી હાકલની સાથે જ દાદર ઉપર ઉઘાડી તલવારે ડોકું કાઢ્યું.

“કોણ છે ?” મહેતા હીરજી કામદાર ઝબકી ઉઠ્યા. કાળને જોયો. ખીંટીએથી તલવાર ખેંચવા ભુજા લંબાવી, પણ વખત ન રહ્યો.

બીજે પલકારે તો અભો ઠેકીને એના ઢોલિયા ઉપર જઈ પહોંચ્યો ને એની તલવાર ખીંટી પરથી ખેંચી.

“એ અભા, તારી ગા ! મહુવાનો હિસાબ ચુકાવું !”

“હવે તો હિસાબ કરશું ત્યાં, ધણીના દરબારમાં જસા પાસે.”

એટલું બોલી અભાએ ખડગ ઉગામ્યું. મહેતાની ફાંદ ઉપર ઝાટકો દીધો. હીરજી મહેતાનું શરીર ઢળી પડ્યું. પેટમાંથી કેળાં-રોટલી બહાર નીકળી પડ્યાં.

એ ઉપર અઢાર ઘા ઝીંકીને અભો ઊભો થયેા; આકાશમાં જોઈને બોલ્યો: “હીરજી મહેતા !

હું યે હમણાં આવું છું. મૂંઝાઈશ મા. મારો ધણી મારી વાટ જોતા હશે. હીરજી મહેતા, આવું છું !”

“માટી થાજે, હિંગતોળ, માટી થાજે !” એવો અવાજ આવ્યો. અભાએ પાછળ જોયું, ત્યાં કલિયા હજૂરીને તલવાર લઈને આવતા જોયો.
અભાએ દોટ કાઢીને કલિયાનેય ઢાળ્યો, એના કાન અને ખભા કાપી નાખ્યા, આખી મેડીમાં હોકારા-પડકારા બોલ્યા. હેઠળ “એલી ! એલી ! એલી !” અવાજ સંભળાણો,
આરબની બેરખ આવી પહોંચી. અભાએ વિચાર્યું કે, “હમણાં મને બંદૂકે દેશે, મને ભૂંડે મોતે મારશે.”

અભાએ ચારે બાજુ જોયું. એક બ્રાહ્મણને ભાળ્યો. અભો દોડીને એની આગળ ગયો, કહ્યું :

“એ મા'રાજ, આ લે તલવાર, આરબને હાથે મરવા કરતાં બ્રાહ્મણને હાથે મરવું ભલું, ઉડાવી દે મારું ડોકું.”

“ બા...પા ! હું... હું ! તમારી...હ... ત્યા !”

“ જલદી તલવાર ઝીંક, મા'રાજ! નીકર તનેય હમણાં હીરજી મહેતાની પાસે પોગાડું છું. લે, ઝટ કર્ય.”

બ્રાહ્મણે તલવારનો ઘા કર્યો, અભાનું માથું ઊડી પડ્યું. એનું ચારણી બિરદ-ગીત છે :

વાગી હાક બપોરા વખતે,
લોપી એક વેણમાં લાજ,
ઊઠી ચડ્યો કઠોડે અભલો,
અભલો મણા ન રાખે અાજ.

બપોરને વખતે હાક વાગી. પોતે પોતાના ધણીને આપેલ એક વચન ખાતર અભાએ લાજ લોપી. અભો કૂદીને મેડીને કઠોડે ચડ્યો.

જાગી મે'તે હાથ જોડિયા,
દજડી દાઝે મુજ મ દાખ્ય,
લેણું ભરાં, દંડ દિયું લાખાં,
રૂડાં સેઠ, મું જીવતો રાખ્ય.

જાગીને હીરજી મહેતાએ હાથ જોડ્યા : હે અભા, મારી સામે તું સળગતી દાઝે ન જો. હું કરજ ભરું, લાખો રૂપિયાનો દંડ દઉં. હે ભલા વણિક, મને જીવતા રાખ.

કહે સોરઠિયો વગદ્યાં કરી લે,
મેલું (તો) લાગે ખોટ મને,
મૂંઝવણ મને આજે મ'વાની,
કરશું સમજણ જસા કને.

અભો સોરઠિયો કહે કે, હવે ગલ્લાંતલ્લાં કરવાં હોય તેટલાં કરી લે. હવે તને છોડું તો મને બટ્ટો બેસે.

મને તો મૂંઝવણ મહુવા વિષેની જ છે. મારે કાંઈ રૂપિયા કે દંડ નથી જોતા. એવો બધો હિસાબ તો હવે સ્વર્ગ લોકમાં જસા ખસિયા પાસે જઈને કરશું.

અભલે તાતી ખાગ આછટી,
થ૨હર ભાવનગર થિયો,
હેડી આતા તણી હીરજી,
કટકા મેડી માંય કિયો.

અભાએ તાતી તલવાર ઝીંકી. ભાવનગર થથરી ઊઠ્યું, ને ઠાકોર આતાભાઈના જોડીદાર હીરજી મહેતાના મેડી ઉપર કટકા કર્યા.

ધજવડ ભાંગી તોય ધડુશિયો,
કલિયા તણો ખભો ને કાન,
એ સમયે વિપ્ર એક આવિયો,
દીધું શીશ વિપ્રને દાન.

પછી તલવાર ભાંગી ગઈ તોપણ કલિયાના ખભા ને કાન કાપ્યાં. એ વખતે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો, તેને અભાએ પોતાનું મસ્તક દાનમાં દીધું.

ઈડો લાખો, પેથો, અમરો,
રાધા જેવડા મૂવા રધુ,
આઠગણી ખત્રવટ એનાથી,
વણિક તણો કાંઈ ખેલ વધુ.

પૂર્વે ઈડા વગેરે જે જબરા નરો મૂઆ છે, તેમનાથી પણ આ વણિકની ક્ષત્રવટ તો આઠગણી વધી ગઈ.

મરેલા અભાને મેડીએથી નીચે ફગાવ્યો. ઠાકોર આતાભાઈની આજ્ઞા થઈઃ “એને કૂતરાની માફક ઘસડતા મસાણે લઈ જાવ.”

આવી દશામાં અભાની લાશ નીકળી. સહુ જોઈ રહ્યા. હજારોમાંથી ફક્ત એક જણથી આ હાલ જોઈ ન શકાણા.

એનું લોહી ઊકળી આવ્યું : એનું નામ મોડભાઈ નામનો ચારણ અટારીએ ઊભા રહીને આ શબને ઢસરડાતું જોતાં આતોભાઈ મૂછે તાવ દઈ રહ્યા છે,
તે વખતે મોડાભાઈએ બજારમાં ઊભીને દુહો લલકાર્યો :

માર્યા ને મૂવા તણો,
ઘોખો કાંઉ ધરે ?
મે'તાને મોર્ય કરે,
હાલ્યો સોરઠિયો અભો,

એ ઠાકોર, માર્યા-મૂઆનો આવો ખાર મનમાં શું રાખી બેઠો છે ? તું હવે અભાને ઢસરડાવીને લઈ જા, તોપણ શું થઈ ગયું ?

અભેા મસાણે જાય છે ખરો, પણ મહેતા હીરજીને મોખરે કરીને જાય છે, એમાં કાંઈ વાંસા-મોર્ય થોડું થવાનું છે ?

મે'ણું સાંભળીને આતોભાઈ શરમાઈ ગયા. અભાના શબની આ દશા અટકાવી દઈને રીતસર દેન દેવરાવ્યું.

[આ કથાના સંબંધમાં બીજા બે ખુલાસા અપાય છે :

૧. જસા ખસિયાને અને એના ભાઈ હમીર ખસિયાને ગરાસ સંબંધે તકરાર પડી,

હમીર ખસિયો એક મોટી રકમ આપવાનો ઠરાવ કરી આતાભાઈને લઈ ગયો.

પણ મહુવા જિતાયા પછી, વદાડ પ્રમાણે ત્રણ દિવસમાં હમીર ખસિયો નાણાં ન ભરી શક્યો, તેથી આતાભાઈએ મહુવા કબજે લીધું.

૨. હીરજી મહેતાના વંશજો એમ કહે છે કે, “ભાલમાં બાવળિયાળી ગામ પર આતાભાઈને ચડાઈ કરવી હતી. દારૂગોળા અને સૈન્ય માટે નાણાંની જરૂર પડી.

તેથી મહુવાના શેઠ અભા સોરઠિયાએ મહુવામાંથી બીજા કેટલાએક શાહુકારોના રૂપિયા લઈને ભાવનગરને ધીર્યા.

પણ પછી બાવળિયાળીની ચડાઈ માંડી વાળવી પડી, અને નાણાં ચવાઈ ગયાં. બીજે વરસે દુકાળ પડ્યો.

અભાએ પોતાના લેણદારોના દબાણથી ભાવનગર પાસે ઉઘરાણી કરી. પણ ભાવનગરની પાસે પૈસા નહોતા. એમ વારંવાર ઉઘરાણી કરવા છતાં નાણાં પત્યાં નહિ.

એટલે અભો કોપે ભરાઈને આતાભાઈ પાસે આવ્યા, આતાભાઈએ હીરજી મહેતા પાસે એને મોકલ્યો. હીરજી મહેતા સૂતા હતા. અભાએ પ્રથમ એને દોરી વડે પલંગ સાથે બાંધી લીધા ને પછી હીરજી મહેતાની જ તલવાર લઈને એનો ઘાત કર્યો.

પછી ભાને હીરજી મહેતાના આરબોએ માર્યો, મેડી પરથી એની લાશને નીચે ફગાવી,

અને ઘસડીને સ્મશાન લઈ ગયા. ત્યાર પછી મહારાજે પોતાની હદમાંથી સોરઠિયાઓને કાઢી મૂક્યા હતા.'

પણ અમે આપેલી હકીકતની સાક્ષી તો ઉપર ટાંકેલા ગીતમાંથી જ જડે છે. ખાસ કરીને–

'કરશું સમજણ જસા કનેં,'

એ ચરણ બતાવે છે કે આમાં કંઈક જસા ખસિયાનો સવાલ હતો.

આ બનાવ બની ગયા પછી આતાભાઈએ જસા ખસિયાના પુત્ર ખીમાને મોણપર અને સેદરડાનાં બાર ગામ પાછાં આપ્યાં હતાં. અત્યારે ખસિયાઓ એ બાર ગામ ખાય છે. ]

સૌરાષ્ટ્રની રસધાર ૩
અભો સોરઠિયો
ઝવેરચંદ મેઘાણ

Gujarati Whatsapp-Status by Raa : 111996877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now