ધરાને ધગતી ધગતી એણે ધારી,
આભેથી ઊતર્યાં અમી શાં વારિ.
સોડમ માટીની આવી બધે ભારી,
આભેથી ઊતર્યાં અમી શાં વારિ.
દીધાં નદી તળાવને છલકાવી,
દીધી મહીને જાણે કે મનાવી.
ઊઠ્યા મયૂરો કેવા કેવા પોકારી,
આભેથી ઊતર્યાં અમી શાં વારિ.
ગાજવીજથી નભને ચમકાવી,
દીધો આતપ ગ્રીષ્મનો ભૂલાવી.
ૠતુની રાણી સહુએ સ્વીકારી,
આભેથી ઊતર્યાં અમી શાં વારિ.
દીધો જગના તાતને હરખાવી,
અગન અવનીની દીધી બુઝાવી.
વ્યોમે ઇન્દ્રધનુ દીધું શણગારી,
આભેથી ઊતર્યાં અમી શાં વારિ.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.