શીર્ષક: સમય બળવાન...
कुछ इस तरह मैंने ज़िन्दगी को आसान कर लिया,
किसी से मांग ली माफ़ी, किसी को माफ़ कर दिया।
~ अज्ञात
જીવન એ રણ છે – જ્યાં શબ્દો હથિયાર જેવું કામ કરે છે. શાંતિ, સમજદારી અને સમયનો અનુભવ જ માણસને સાચો વિજય આપે છે.
આપણે ઘણીવાર તાત્કાલિક દોષારોપણ કરવા ઉત્સુક થઇ જઈએ છીએ. પણ શું દરેક સત્ય બોલવા જેવું હોય છે? અને જો હોય પણ, તો શું દરેક વખતે એની રજૂઆત યોગ્ય હોય છે? કદાચ નહિ. કારણ કે સત્યની રજૂઆત પણ એક કળા છે, જેમાં સમય, સંજોગ અને સંવેદના સમજવી પડે.
સમય બધાનું ચિત્ર બદલવાનો સામર્થ્ય ધરાવે છે. જે આજે ખોટું જણાય છે, તે કાલે સાચું સાબિત થાય. જે આજે મૌન છે, એ કાલે કથન બની શકે છે. એટલે જ કહેવાય છે:
"સમય સૌથી બળવાન છે, માટે શાંત રહેવું વધુ સારું."
શાંતિમાં ઉદારતા હોય છે. જ્યારે આપણે પોતે શાંત રહીએ છીએ, ત્યારે આપમેળે આપણા વિચારો ભીતરમાં ઊંડા બને છે. આ શાંતિ આપણા માટે રક્ષણ પણ બને છે. – કારણ કે દરેક સંજોગમાં બોલવું જરૂરી નથી. ઘણાં પ્રશ્નોનો જવાબ શાબ્દિક નથી, પણ વ્યવહારિક છે.
અને જ્યારે વાત આવે દોષની, ત્યારે માનસિક દૃષ્ટિએ આપણે જે છે તે જ જોઈ શકીએ છીએ. વ્યક્તિની પરિસ્થિતિ સંજોગ કોઈ જોતું નથી. "આંખોમાં દોષ હોય તો દોષ જ દેખાય!"
માણસની નજર અને મન બંને જો નકારાત્મક હોય, તો દરેક ઘટના, દરેક વ્યક્તિમાં ખામી જોવા મળે.
પણ જેનું હ્રદય શુદ્ધ હોય, તે દુઃખદ સંજોગોમાં પણ આશાનો ચમકારો જોઈ શકે છે.
આખરે, જેવો સ્વભાવ હોય, તેવી જ તેની દુનિયા બને છે.
સ્વભાવ પ્રકૃતિ બની જાય છે. કોઈનું સાંકડું મન બધામાં છિદ્ર શોધે છે, તો કોઈનું નિર્દોષ મન બધામાં ભગવાન જોઈ શકે છે.
જન્મથી આપણે બધાને બોલવાની શક્તિ મળે છે,
પણ ક્યાં, ક્યારે અને કેવી રીતે બોલવું – એ શીખવું પડે છે. એ જ વાસ્તવિક સમજદારી છે.
તો ચાલો, હવે પછી જ્યાં શક્ય હોય ત્યાં શાંત રહીને સંજોગોને સમય આપીએ.
સત્યને સાચા સમયે રજૂ કરીએ, અને દોષ શોધવા કરતાં દ્રષ્ટિ સુધારીએ. કારણકે ક્યારેક ભીતરની શાંતિ પણ મહત્વની હોય છે.
સમયની ચાલ ધીમી છે પણ પરિવર્તન ચોક્કસ છે. – અને તે હંમેશા સાચા પક્ષે રહે છે. કોઈ આપણે ખોટા સમજે તો બિલકુલ ખોટું લગાડવું નહીં. એક હળવા હાસ્ય સાથે વિદાય લેવી યોગ્ય છે. 'Accept and go ahead..'
Be a practical...
જય શ્રીકૃષ્ણ 🙏
ભગવાન સૌનું ભલું કરે.✨
દર્શના હિતેશ જરીવાળા "મીતિ"
રાધે રાધે ❤️