ઢબુકતા ઢોલે જાહેરાત કરી કે હોળી આવી.
સમવયસ્કોએ જૂની વાત કરી કે હોળી આવી.
ફૂલ્યો ફાલ્યો ફાગણ આજે અવની આંગણ,
રંગવૈવિધ્યે મુખાકૃતિમાં ભાત કરી કે હોળી આવી.
ઠેરઠેર, ઘેરઘેર ગોઠ ઉઘરાવતા દીઠા બાળકો,
ઘેરૈયાની એક નવલી નાત કરી કે હોળી આવી.
ચોરેચૌટે ખડકાયા હોળી જન્માવતાં કાષ્ટોને,
જાણે અતીતથી મુલાકાત કરી કે હોળી આવી.
વાત હોલિકાને પ્રહલાદની યાદ આવી અનાયાસે,
હોલિકાદહને રક્ષા જગતાત કરી કે હોળી આવી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.