શ્રાવણ આવ્યો જીવના અંતરે શિવ પ્રગટે તો સારું.
શ્રાવણ આવ્યોને કૈંક ઘટના જીવનમાં ઘટે તો સારું.
ફરીએ છીએ સૌ ફેરો લખચોરાસી માયાગ્રસ્ત થઈ,
મોહપાશથી થૈ મુક્તને જીવ હવે શિવ રટે તો સારું.
પંચાક્ષરના મંત્રજાપે પાતક ટળે કોટિ જન્મો તણાંને,
આવરણ માયાનું સૌના ચહેરે એ હવે હટે તો સારું.
પાકી ગયો છે સમય જીવમાં શિવને નિહાળવાનો,
સ્વાર્થની સંકુચિતામાં ફસાયા રહે એ છેટે તો સારું.
શિવ તો છે કલ્યાણકારી મનચાહ્યું સદૈવ આપતા,
તન મન રહે તંદુરસ્ત મનોરોગ બધા મટે તો સારું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.