ડિપ્રેશન..
આજની દોડભાગ ભરી જીંદગીમાં વૈશ્વિકરૂપે બહુ ઝડપથી ફેલાતી એક માનસિક બીમારી એટલે ડિપ્રેશન. ડિપ્રેશનની પાછળ ઘણાં કારણો જવાબદાર છે જેમ કે ફાસ્ટ લાઇફ, સોશિયલ મીડિયા, દેખાદેખી, કાતિલ હરીફાઈ, લાઇફ સ્ટાઇલ.. વગેરે..
આજકાલ તો નાના બાળકો પણ એમાંથી બાકાત નથી રહ્યાં એનું એક કારણ એ પણ છે કે મા બાપનું એકમાત્ર સંતાન હોવાથી એમને નાનપણથી જ બધું attention મળ્યું હોય અને ક્યારેય કશું શેર કરવાનું ના આવ્યું હોય. જોકે એમ તો એમની ઉપર પણ પ્રેશર ઓછું નથી હોતું. એક જ બાળક હોવાના લીધે અને ક્યાંક એમનું બાળક પાછળ ના રહી જાય એવા વિચારે મા બાપ પણ એમને સુપર કિડ બનાવવામાં લાગી જાય છે. સરવાળે બાળકના કુમળા માનસ પર અસર થવા લાગે છે અને આગળ જતાં એ ગમે ત્યારે ડિપ્રેશનનો શિકાર બની શકે છે.
મારું માનવું એમ છે જે ડિપ્રેશનનો શિકાર કોઈ પણ વ્યક્તિ બની શકે છે. એ પછી લાગણીશીલ હોય કે મજબૂત મનોબળ વાળી. ઘણી વખત સમય અને સંજોગો સામે માણસ હારી જતો હોય છે અને એવા સમયે એ ચૂપચાપ ડિપ્રેશનમાં જતો રહે છે જેની જાણ કદાચ એને પણ નથી હોતી. આવા સમયે એને યોગ્ય વ્યક્તિની જરૂર હોય છે જે એની પરિસ્થિતિ સમજીને એને સાંભળી શકે, એને સાથ આપી શકે.. આ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે ભાઈ, બહેન, પતિ પત્ની, મા બાપ, મિત્ર કે પછી કોઈ પ્રોફેશનલ એટલે કે સાયકોલોજીસ્ટ કે સાયક્રાઇટિસ્ટ. હજુ આપણા સમાજમાં ડિપ્રેશનમાં આવેલી વ્યક્તિ માટે કોઈ પ્રોફેશનલની મદદ લેવામાં ઘણો સંકોચ જોવા મળે છે જેના પરિણામસ્વરૂપ અનિચ્છિય ઘટના પણ બની જતી હોય છે.
એક બહુ મહત્વની વાત આપણે સૌએ યાદ રાખવા જેવી છે કે ડિપ્રેશનમાં જવું એ નોર્મલ વાત છે. એને લઈને શરમ અને સંકોચ અનુભવવાની કોઈ જરૂર નથી.
ખાસ નોંધ: ડિપ્રેશનમાં ગયેલી વ્યક્તિ આગળ ક્યારેય મોટીવેશનલ સ્પીકર ના બનવું. પહેલા એને ધીરજ રાખીને સાંભળવો અને સંભાળવો.
©Shefali Shah
#Depression