નીલિમા, આજે ખૂબ જ ગુસ્સામાં હતી, એનાથી ગુસ્સામાં ઉતાવળમાં તેની દીકરી શ્વેતાને કહેવાય ગયું કે; તારા કોઈ કામમાં ઠેકાણા નથી.
આ સાંભળીને તેની દીકરી શ્વેતાના આંખમાં આંસુ આવી ગયા. જે દીકરી ઘરનું આખું કામ કરતી હતી એ દીકરીના કામમાં એને ઊણપ લાગવા લાગી.
નીલિમાના સાસુ બાજુમાં આ વાત સાંભળીને કહ્યું, વહુ બેટા.. તું જે કામ આકરા શબ્દોથી શ્વેતાને શીખવે છે એ જ કામ તું તારી મીઠી વાણીથી કરાવી શકે છે. તું દીકરીને આવી કર્કશ વાણી બોલી એના દિલને દુઃભાવે છે, એનાથી તો એ કામમાં સુધરશે નહિ પણ બગડશે. તારી વાણી એના હૃદય સુધી સ્પર્શ કરી શકે એવા મીઠા લાગણીના શબ્દનો ઉપયોગ કર. તું જે શબ્દ બોલે છે તે જ શબ્દોને લાગણીભર્યા સ્પર્શથી એના દિલ સુધી પહોંચાડ. તારે ક્યારેય પણ તારી દીકરીને કહેવું નહીં પડે કે, તે આ કામમાં કચાશ રાખી રહી છે, કારણ કે જે કામ વાણીના લાગણીભર્યા સ્પર્શથી થાય છે તે દિલ સુધી સ્પર્શી જાય છે, અને તે દરેક કામ ઉપર સારી અસર છોડી જાય છે.
નીલિમાને પણ થયું કે; સાસુમાની વાત કદાચ સાચી હશે. બીજે દિવસે એને પોતાની દીકરીને વ્હાલથી મમતાભર્યા સ્પર્શથી કહ્યું, શ્વેતા બેટા, તું તારા કામમાં ઉતાવળ ન કરીશ. તું શાંતિથી કામ કર, ના ફાવે તો બેટા હું તને શીખવીશ, ચિંતા ના કરીશ. તું દરેક કામ ચીવટથી કરે અને શીખે એવી ઈચ્છા રાખું છું. જેથી ભવિષ્યમાં તને કોઈ કામમાં તકલીફ પડે નહિ અને તું સારું કામ કરી શકે, શ્વેતા તરત જ એને ભેટી પડી અને કહ્યું, મમ્મી કાલથી તું મને કંઈ પણ કામ કહે તે પહેલા બધું કામ પૂરું કરીશ, કારણ કે આજે તારા મમતાભર્યા " શબ્દોના સ્પર્શે " મારા હૃદયમાં ખુશી આપી છે. ખરેખર તારી વાત સાચી છે. તું મારા માટે જ મારી દરેક કામમાં ખામીઓ કાઢે છે જેથી કરીને સુધરી શકે.
નીલિમાને થયું કે ખરેખર મારા સાસુની વાત સાચી હતી. લાગણીભર્યા સ્પર્શની વાણી નો ઉપયોગ દરેક મનુષ્યના હૃદય ને ભીંજવી નાખે છે અને સ્પર્શી જાય છે, જે આજે મારી દીકરીના હૃદયને સ્પર્શી ગઈ, હવે મને કોઈ ડર નથી કે મારી દીકરીમાં કોઈ કચાશ રહી જાય. હું મારા દિલની મમતાભરી લાગણીના સ્પર્શથી જ મારી દીકરીનો ઉછેર કરીશ.
મીઠી વાણી દરેકના હૃદયને સ્પર્શી જતી હોય છે. મીઠી વાણીથી સ્વર્ગને પણ જીતી શકાય છે એવું લોકો માને છે તો આ તો મનુષ્યનું હૃદય છે એને પણ મીઠી વાણીના જ શબ્દો સ્પર્શ કરતા હોય છે. હંમેશા બીજાને પસંદ આવે એવા મધુર અને મીઠી વાણીના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.