ઈશ્વર મળે
પ્રાર્થના કરતાં કદી ઈશ્વર મળે,
કે નસીબે એમનાં પથ્થર મળે.
શૂરવીરો માંડ સૂતા, શાંતિ રાખ,
રોજ રસ્તામાં પછી બખ્તર મળે.
રોજ લટકામાં નવી આફત હતી,
સાથ મળતાં ત્યાં ખુશી સધ્ધર મળે.
આજ તાબોટાથી થાકી એ ગયો,
જાત છુપાવી છતાં કિન્નર મળે.
રોજ આંટા કેટલા માર્યા અહીં,
કેમ ગણવા એ કહો, ઉત્તર મળે?
ગોળ કે ચોરસ હવે જુઓ ફરક,
ભાત નોખી થાય ત્યાં નક્કર મળે.
ચાલવાનું દોડવાનું રોજ ને,
ત્યાં પગે વાગ્યું અને ચક્કર મળે.©
ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ